Sunday, November 15, 2026
HomeGujaratએ વર્ષોમાં J&K ના CM ને જેટલા ત્રાસવાદીઓ મારવા આવતા ન હતા...

એ વર્ષોમાં J&K ના CM ને જેટલા ત્રાસવાદીઓ મારવા આવતા ન હતા તેનાથી વધુ ગુજરાતના CM ને મારવા આવતા | શતરંજ-89

- Advertisement -

પ્રશાંત દયાળ (શતરંજ-89, નવજીવન ન્યૂઝ): ગુજરાત અને રાજસ્થાન પોલીસમાં દોડધામ મચી ગઈ હતી. એક અનપેક્ષિત ઘટના હતી… ગુજરાત પોલીસના મોસ્ટ પાવરફુલ ઑફિસરોને કહેવાતી હિંદુ સરકારમાં જ ખુદ ગુજરાત પોલીસે પકડી લીધા હતા. રાજસ્થાન પોલીસને સૌથી મોટો આઘાત લાગ્યો હતો. આજે સવારે રાજસ્થાનના ગૃહ રાજ્યમંત્રી ઓમ મીણા, ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી અમર ઠાકોરને મળીને નીકળ્યા જ હતા. મંત્રી ઠાકોરે બધું સમુંસૂથરું પાર પડશે તેવી ખાતરી આપી હતી. આમ છતાં આવું કેમ બન્યું તે જ કોઈને સમજાઈ રહ્યું ન હતું. જેવા ટીવી ઉપર સમાચાર શરૂ થયા તેની સાથે પરમારની ફોનની રિંગો સતત વાગ્યા કરતી હતી, તેમણે આદેશ સાથે વાત કર્યા પછી પોતાનો ફોન સાઇલન્ટ મોડ ઉપર મૂકી ધરપકડોના કાગળો તૈયાર કરવા લાગી ગયા હતા. તેમણે સીઆઇડી ક્રાઇમની સ્ટેશન-ડાયરીમાં ધરપકડની નોંધ મૂકી દીધી હતી. કેટલાક લોકો પંતને ફોન જોડી રહ્યા હતા પણ પંતનો ફોન હવે સ્વિચ ઑફ થઈ ગયો હતો. કેટલીક ચૅનલના ક્રૂ મેમ્બર લાઇવ ટેલિકાસ્ટ કરતી ઓબી વાન લઈ રાતે ગાંધીનગર સીઆઇડી ક્રાઇમની ઑફિસ બહારથી લાઇવ સમાચાર આપી રહ્યા હતા. આ ઘટના માત્ર ગુજરાત માટે જ નહીં, પણ નૅશનલ ટીવી માટે પણ મોટી હતી.

સાંજ સુધી ગુસ્સામાં રહેલા વછરાજાની હવે એકદમ શાંત હતા. ધરપકડ માટે જે જરૂરી નોંધ કરવાની હોય તે માટે પરમાર જે કંઈ સવાલો પૂછી રહ્યા હતા, તેનો શાંતિથી જવાબ આપી રહ્યા હતા. આખી રાત કામ કરી પરમાર થાકી ગયા હતા. તેમને ઊંઘ પણ આવતી હતી, પણ તેમની કસ્ટડીમાં મોટા અધિકારી હોવાને કારણે તેમના માટે સૂઈ શકવું શક્ય ન હતું. રાતે તેમણે બધા અધિકારીઓને જમવા અંગે પૂછ્યું પણ બધાએ ના પાડી. પરમારના ધ્યાનમાં આવ્યું કે રાજસ્થાન પોલીસનો સબ-ઇન્સ્પેક્ટર ઇકબાલ શેખ સૌથી શાંત અને ગુમસૂમ બેઠો હતો. તેનો વ્યવહાર બહુ વિચિત્ર લાગતો હતો. જ્યારે પરમારે તેની ધરપકડ અંગે ઘરે કોને જાણ કરવાની છે તેવું પૂછ્યું ત્યારે ઇકબાલે વિચાર કરીને કહ્યું, “સા’બ, રાજેશ કો બતા દો.” તેમ કહી તેણે પોતાના મોબાઇલ ફોનમાં જોઈ રાજેશનો નંબર આપ્યો. પરમારને આશ્ચર્ય થયું. તેમણે પૂછ્યું : “કોન હૈ રાજેશ?” “સર, વહ મેરા દોસ્ત હૈ.” ઇકબાલે કહ્યું પછી તેણે જ કહ્યું, “સર, ઘર પે સિર્ફ બીબી હૈ. હમારી શાદી કો તીન મહિને હી હુવે, ઉસે મૈં કેસે બતાઉં! ઘર પે અકેલી હૈ. ડર જાયેંગી.” પરમારને લાગ્યું કે કેવી વિવિત્ર સ્થિતિ છે. એસપી રાયસિંગ રાઠોડની પણ હાલત કંઈક આવી જ હતી. તેમણે પણ પોતાના મિત્રનો નંબર આપ્યો.

- Advertisement -

ઇન્દ્રસિંહ જાડેજાએ પોતાનું મનોબળ મજબૂત બનાવી લીધું હતું. તેમણે પોતાની પત્નીને જ જાણ કરવાની સૂચના આપી હતી. આખી રાત બધા જ અધિકારીઓએ પોતે જ્યાં બેઠા હતા, તેમ જ બેસી આખી રાત પસાર કરી હતી. ત્યાં ટેલિવિઝન-સેટ પણ હતો, પણ કોઈની હિંમત ચાલતી ન હતી કે ટીવી ચાલુ કરી સમાચાર જુએ. સવારના છ વાગ્યા હતા. પરમાર સહિત બધાની ઉપર શારીરિક થાક કરતાં માનસિક થાક વધુ હતો. ત્યાં જ એક કૉન્સ્ટેબલ દોડતો કહેવા આવ્યો : “ડીઆઇજી સાહેબ આવ્યા છે.” પરમારે કાંડા-ઘડિયાળ સામે જોયું. સવારના છ વાગે ડીઆઇજી સાહેબ કેમ આવ્યા હશે તેવા વિચાર સાથે તે ઊભા થયા અને પંત સાહેબની ચેમ્બર તરફ ગયા. પંતે તેમને જોતાં જ કહ્યું, “પરમાર, સબ કાગજાત હો ગયે?”, “કોઈ દિક્કત તો નહીં આઈ?” પરમારે કહ્યું, “નો સર.”, “ઠીક, એક કામ કરો, તુમ ઘર ચલે જાઓ… અબ મૈં યહાં પર હૂં… સ્ટેટ કંટ્રોલરૂમ કો મૈંને બોલ દિયા હૈ. એસઆરપી કી એક પ્લાટુન મંગા લી હૈ.” પંત એકસાથે બધું જ બોલી ગયા.

પરમાર હજી ઊભા જ હતા. પંતે તેમને ઊભા રહેલા જોયા એટલે કહ્યું, “કોઈ બાત નહીં, મૈં હૂં, તુમ જાઓ. ૧૨ બજે તક વાપસ આ જાના. હા, જાને સે પહલે રાત કે કાગજ મુઝે દેતે જાના, મૈં દેખ લેતા હૂં. ક્યા કરના હૈ. ફિર રિમાન્ડ ભી માંગના પડેગા.” પરમારને ખબર હતી કે પંતે કહ્યું, એટલે ઘરે જવું જ પડશે. જોકે તેમણે માની લીધેલું કે હવે ઘરે જવા નહીં મળે, પણ પંત સાહેબનો ઑર્ડર થતાં તે ઘરે જવા નીકળ્યા. એસઆરપી જવાનો પણ આવી ગયા. જે રૂમમાં પોલીસ-અધિકારીઓ બેઠા હતા તેની બહાર પહેરો ગોઠવાઈ ગયો હતો. બધાને ખબર હતી કે કોઈ ભાગવાનું નથી છતાં પંત કોઈ જોખમ લેવા માગતા ન હતા. પંત પોતાનું કામ લઈ બેસી ગયા. તેમને ખબર જ ના રહી કે ક્યારે સમય પસાર થઈ ગયો. સાડા દસ વાગે તેમનો પીએ હજી આવ્યો જ હતો ત્યાં તેણે અંદર આવીને જાણ કરી : “ડીજીપી સાહેબ યાદ કરે છે.”

પંત ફાઈલો બાજુ ઉપર મૂકી ડીજીપી રામકિશોર ચૌબેની ચેમ્બરમાં પહોંચ્યા. ‘જયહિંદ’ કહી સલામ કરી ઊભા રહ્યા. સામાન્ય રીતે પંતને બેસવાની સૂચના આપતાં ચૌબેએ તેમને બેસવાનું કહ્યું જ નહીં. પંત સામે જોતા રહ્યા અને ગુસ્સામાં કહ્યું, “ક્યા સમજતે હો અપને આપકો, વિવેક?” તુમ્હારે અકેલે સે પૂરા સિસ્ટમ ચેન્જ હો જાયેગા? મૈંને તુમ્હેં કલ બતાયા થા કિ સબ કે સ્ટેટમેન્ટ લેકે જાને દો ઔર તુમને અરેસ્ટ કર લિયા?” પંતે કંઈ જવાબ આપ્યો નહીં. તે સાવધાન પોઝિશનમાં ઊભા જ રહ્યા. ચૌબેએ કહ્યું, “વિવેક, રાત કો મૈંને તુમ્હેં કિતને ફોન લગાયે? તુમ્હેં ફોન હી સ્વિચ ઑફ કર દિયા થા!” પંતે તરત કહ્યું, “નહીં સર, બૅટરી નહીં થી. મેરા ધ્યાન સુબહ મેં ગયા.” ચૌબેને ખબર હતી કે તે ખોટું બોલે છે. તેમણે કહ્યું : “કિસ બાતકી નારાજગી હૈ તુમ્હેં?” પંતે સામો સવાલ કર્યો, “સર, મેરે કેસ કબ રીઑપન કર રહે હો?” ચૌબે સમજી ગયા. તેમણે તેને બેસવાની સૂચના આપતાં કહ્યું, “પાગલ મત બનો વિવેક. કલ મૈંને જો તુમ્હેં કહા થા, વો મેરી બાત નહીં થી. મુઝે હોમ મિનિસ્ટરને બતાયા થા વહી બાત મૈંને દોહરાઈ થી. તુમ નહીં જાનતે યે વિન્ડિક્ટિવ લોગ હૈં. તુમ્હેં પરેશાન કર દેંગે.” પંતે શાંતિથી કહ્યું, “સર, મૈં જાનતા હૂં, જો કરના હૈ કરે… મુઝે ફર્ક નહીં પડતા.” ચૌબેએ આંખો બંધ કરી અને પોતાની બંધ આંખ અને કપાળ ઉપર હાથ મૂકી દીધો. તેમને ખબર હતી કે પંત જિદ્દી છે. કોઈ વાત માનશે નહીં. પણ એ ખબર ન હતી કે તેની જીદ અહીંયાં સુધી તેને લઈ જશે.

- Advertisement -

બીજી તરફ સચિવાલયમાં રોજના સમય પ્રમાણે મુખ્યમંત્રી ગોવિંદરાય મહેતા આવી ગયા. તે બંગલેથી નીકળ્યા તે પહેલાં જ તેમણે મંત્રી અમર ઠાકોરને બોલાવી લેવાની સૂચના આપી હતી. થોડીક જ વારમાં અમર ઠાકોર પણ સચિવાલય પહોંચ્યા અને સીધા મુખ્યમંત્રીને મળવા પહોંચી ગયા. અમર ઠાકોર એકમાત્ર મંત્રી હતા કે જેમને મુખ્યમંત્રીની ચેમ્બરમાં જતાં પહેલાં આગોતરી જાણ કરવાની કે મંજૂરી લેવાની જરૂર ન હતી. વિશાળ કાયા ધરાવતા મંત્રી અમર લિફ્ટમાં જ પાંચમે માળ આવ્યા હતા. છતાં તેમને લાગી રહ્યું હતું કે તે લિફ્ટમાં પણ પોતાનું વજન ઊંચકીને ઊભા છે. તે જેવા મુખ્યમંત્રીની ચેમ્બરમાં દાખલ થયા તેની સાથે ફાઈલો જોઈ રહેલા ગોવિંદરાયે પોતાના ટેબલ ઉપર મૂકેલો પાણીનો ગ્લાસ અમર ઠાકોર સામે જોયા વગર તેની તરફ ખસેડ્યો. અમર ઠાકોરના શ્વાસોચ્છ્વાસના અવાજથી મુખ્યમંત્રી અમર ઠાકોર સમજી ગયા હતા કે, અમર થાકી ગયો છે. તેમણે ફાઈલો જોતાં કહ્યું, “તને દસ વખત કહ્યું છે કે યોગ કર. પણ તને કંઈ સમજાતું જ નથી.” પાણીનો ગ્લાસ નીચે મૂકતાં અમરે કહ્યું, “સાહેબ, વાત સાચી; પણ ટાઇમ જ મળતો નથી.” મુખ્યમંત્રીએ ચશ્માંમાંથી નીચે અમર સામે જોતાં કહ્યું, “બહાનાં કરીશ નહીં.”

ફાઈલો બાજુ ઉપર મૂકતાં તેમણે અમર સામે જોતાં પૂછ્યું, “બોલ સીઆઇડી ક્રાઇમમાં શું ચાલી રહ્યું છે?” અમરે ગઈ રાતે થયેલી છેલ્લી ધરપકડો સુધી વાત કરી લીધી. મુખ્યમંત્રીએ દિવસે પણ ઝગારા મારી રહેલી એલઈડી લાઇટ તરફ જોયું અને કહ્યું, “જોઈ લેજે ઑફિસરોને જે કંઈ મદદ જોઈએ તે… આપણી ફરજ છે, તેમણે જે પણ કર્યું છે તે આપણા માટે કર્યું છે. કોર્ટથી લઈ વકીલો સુધીની વ્યવસ્થા કરી નાખજે.” અમરે કહ્યું, “જી સાહેબ, મેં સેન્ટ્રલ જેલના સુપરિન્ટેન્ડેન્ટને પણ આપણા ઑફિસરોને કોઈ તકલીફ ના પડે તે જોઈ લેવાનું કહી દીધું છે.” મંત્રી અને મુખ્યમંત્રીની વાત ઉપરથી એવું લાગતું હતું કે, તેમને મન રાજ્યમાં બનતી અન્ય ઘટનાઓની જેમ આ સામાન્ય ઘટના જ હતી.

ગોવિંદરાય મહેતા જાણતા હતા કે, છેલ્લાં વર્ષોમાં ઍન્કાઉન્ટરની ઘટનાએ તેમને કંઈ પણ કહ્યા વગર એક હિંદુ નેતા તરીકે પ્રસ્થાપિત કરી દીધા હતા. કદાચ જમ્મુ-કાશ્મીરના મુખ્યપ્રધાનને મારવા માટે આટલા ત્રાસવાદીઓ નહોતા આવ્યા, એટલા ગુજરાતના મુખ્યમંત્રીને મારવા માટે આવ્યા હતા. ઘણા પોલીસ-અધિકારીઓ આ બધાથી દૂર હતા. તેમને સમજ આવતી ન હતી કે માસ્ટર- માઇન્ડ મંત્રી અમર છે કે મુખ્યમંત્રી ગોવિંદરાય છે.
(ક્રમશઃ)

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular