નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે રાજ્યમાં લાંચીયા અધિકારીઓ માટે તહેવારના દિવસોમાં એસીબીની કાર્યવાહી ભારે પડી રહી છે. લાંચીયા અધિકારીઓ સામે કાર્યવાહી કરવા માટે એસીબી બાજ નજર રાખીને બેઠી છે. અમદાવાદમાં રાજ્ય કર ભવનના રાજ્ય વેરા અધિકારીના સાગરિતોને એસીબી દ્વારા ગઈકાલે લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા છે. હાલ એસીબીએ લાંચીયા અધિકારીની સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત અનુસાર, ફરિયાદી ભાગીદારીમાં બાંધકામનો વ્યવસાય કરે છે. તેમનો જી.એસ.ટી. નંબર રિજેક્ટ થઈ જતા તેને ચાલુ કરાવવા માટે અમદવાદના સી.એ. આશિષ સુભાષ અગ્રવાલ અને કુનાલ સુભાષ અગ્રવાલ પાસેથી જી.એસ.ટી. નંબર માટેની અપીલ રાજ્યકર ભવન અમદાવાદમાં કરાવી હતી. ત્યાર બાદ બંને સી.એ. દ્વારા ફરિયાદીને ફોન કરીને જાણકારી આપી હતી કે, રાજ્ય કરવેરા ભવનમાં વર્ગ-2માં ફરજ બજાવતાં અધિકારી ગૌરાંગ વસોયા 50 હજારના વ્યવહારની માંગણી કરી રહ્યા છે.
ફરિયાદી અને સી.એ. બંને અમદાવાદમાં આશ્રમ રોડ પર આવેલા રાજ્ય કર ભવનમાં અધિકારીને રૂબરુ મળવા માટે ગયા હતા. જ્યાં રકઝકના અંતે અધિકારી ગૌરાંગ વસોયાએ 35 હજારમાં ડીલ નક્કી કરી હતી. ફરિયાદી લાંચની રકમ આપવા માગતા ન હોવાથી એસીબીમાં ફરિયાદ આપી હતી. ફરિયાદના આધારે એસીબીના ટ્રેપિંગ અધિકારી પોલીસ ઈન્સપેક્ટર કે.વી. લાકોડએ લાંચનું છટકુ ગોઠવ્યું હતું. આ દરમિયાન અધિકારી વતી લાંચ લેનારા સી.એ આશિષ સુભાષ અગ્રવાલ અને મદદ કરનારા કુનાલ સુભાષ અગ્રવાલને એસીબીએ ઝડપી પાડ્યા હતા. જોકે મુખ્ય આરોપી રાજ્ય વેરા અધિકારી ગૌરાંગ રજા પર ઉતરી જતા એસીબીની પકડમાં આવ્યો નથી. હાલ એસીબીની ટીમે લાંચીયા અધિકારીને શોધવા માટે કાર્યવાહી હાથ ધરી છે.