Rajkumar Jat case HC CCTV: ગોંડલના બહુચર્ચિત રાજકુમાર જાટના આકસ્મિક મોતના કેસમાં ગુજરાત હાઈકોર્ટમાં આજે 25 ઓગસ્ટે સુનાવણી હાથ ધરાઈ હતી. સુનાવણી દરમિયાન સરકારી વકીલે પોલીસ તપાસનો રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો. પોલીસના રિપોર્ટ મુજબ CCTV ફૂટેજમાં રાજકુમાર જાટ જાતે જ કપડાં ઉતારતો જોવા મળે છે. આ CCTV ફૂટેજ ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા હતા, જેમાં વીડિયોમાં કોઈ ચેડા કરવામાં આવ્યા ન હોવાનું સામે આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ગત 28 જુલાઈએ ગુજરાત હાઈકોર્ટે રાજકુમાર જાટ અકસ્માત પહેલાં રાજકોટ-અમદાવાદ હાઈવે પર નગ્ન અવસ્થામાં ફરતો હોવા અંગે તપાસ કરવાનો પોલીસને આદેશ આપ્યો હતો.
સરકારી વકીલે કોર્ટને વધુમાં જણાવ્યું હતું કે CCTV ફૂટેજમાં રાજકુમાર તેના મિત્રો સાથે ફોન પર આવી જ સ્થિતિમાં વાત કરતો પણ જોવા મળે છે. તે કેટલીક વાતો કરતો હોવાનો વીડિયો પણ પોલીસને મળ્યો છે. આ વીડિયોમાં તે ગાંજાનું સેવન કરતો હોવાનું જણાઈ આવે છે. મૃતકનું વર્તન સમજવા માટે આ વીડિયો મનોચિકિત્સકને પણ બતાવવામાં આવ્યો હતો. મનોચિકિત્સકના જણાવ્યા મુજબ રાજકુમાર વ્યસની હોવાનું કહી શકાય છે. તેની ચાલવાની પદ્ધતિ પણ સામાન્ય નહોતી અને તે માનસિક રીતે બીમાર હોઈ શકે છે. તે ચાલતો હતો ત્યારે સંપૂર્ણપણે માનસિક રીતે સભાન ન હોવાનું પણ મનોચિકિત્સકે જણાવ્યું હોવાનું સરકારી વકીલે કોર્ટમાં રજૂ કર્યું હતું.
પોલીસના જણાવ્યા મુજબ અકસ્માત પહેલાં રાજકુમાર ઘરેથી નશાની શોધમાં નીકળ્યો હતો. તે એક આશ્રમમાં ગયો હતો અને ત્યાં ગાંજાની માગણી કરી હતી. તે ગિરનાર જતી વખતે ગાંજો લેતો હતો, જોકે તેણે ગાંજો પીધો હતો કે નહીં તે અંગે સ્પષ્ટ માહિતી નથી.
રાજકુમારે એક રાતમાં આશરે 51 કિલોમીટરનું અંતર કાપ્યું હોવા અંગે પણ કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી. નિષ્ણાતોના મતે એક સ્વસ્થ વ્યક્તિ સરેરાશ 4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલી શકે છે. રાજકુમારે એક સ્થળેથી બીજા સ્થળ સુધી પહોંચવામાં કુલ 11 કલાક અને 39 મિનિટ જેટલો સમય લીધો હતો. આ સમયગાળામાં તે આશરે 51 કિલોમીટર ચાલી શક્યો હોવાનું પોલીસનું કહેવું છે. પોલીસે અત્યાર સુધીમાં 21 CCTV ફૂટેજ એકત્રિત કર્યા છે, જેમાં રાજકુમાર એકલો ચાલતો જોવા મળે છે.
સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું કે શરૂઆતની સ્થાનિક પોલીસ તપાસ દરમિયાન આ CCTV ફૂટેજ સામે આવ્યા નહોતા. રાજકુમાર અકસ્માત પહેલાં રોડની વચ્ચે ચાલતો જોવા મળ્યો હતો અને વીડિયોમાં તે જાતે જ કપડાં ઉતારતો હોવાનું સ્પષ્ટ દેખાય છે.
બીજી તરફ અરજદાર તરફથી પોલીસના રિપોર્ટ અંગે જવાબ આપવા માટે સમય માગવામાં આવ્યો હતો. અરજદારે રજૂઆત કરી હતી કે રાજકુમારના કપડાં મળ્યા નથી અને કોઈ વ્યક્તિએ તેને ગાડીમાં બેસાડ્યો હતો કે કેમ તેની તપાસ પણ કરવામાં આવી નથી. રાજકુમાર મોબાઈલ ફોન ઘરે ભૂલી ગયો હતો તો તેણે કોની પાસેથી ગાંજો મંગાવ્યો હતો તે અંગે પણ સવાલ ઉઠાવવામાં આવ્યો હતો. હવે આ મામલે વધુ સુનાવણી 24 સપ્ટેમ્બરે હાથ ધરાશે.
મૂળ રાજસ્થાનના અને આશરે 30 વર્ષથી ગોંડલમાં ત્રણ ખૂણિયા પાસે શ્રીજી પાંઉભાજીની દુકાન ધરાવતા રતનભાઈ ચૌધરી (જાટ)નો પુત્ર રાજકુમાર જાટ 3 માર્ચ, 2025ના રોજ ઘરેથી ભેદી રીતે ગુમ થયો હતો. બે દિવસ સુધી રાજકુમાર ઘરે પરત ન ફરતાં 5 માર્ચે તેના પિતા રતનકુમારે ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસને અરજી કરી હતી. આ ઉપરાંત રાજકોટ ગ્રામ્ય પોલીસને પણ જાણ કરવામાં આવી હતી.
પિતાએ પોલીસમાં અરજી કર્યા બાદ શહેરના બસ સ્ટેન્ડ સહિતના જાહેર સ્થળોએ રાજકુમાર ગુમ થયો હોવાના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. રાજકુમાર UPSCની તૈયારી કરતો હતો. દરમિયાન 4 માર્ચે રાત્રે આશરે 3 વાગ્યે કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલા રોડ અકસ્માતમાં તેનું મોત થયું હતું. ત્યારબાદ 9 માર્ચે પરિવારજનોએ રાજકુમાર જાટના મૃતદેહની ઓળખ કરી હતી. પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો હતો.








