ઉર્વીશ પટેલ (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): અમદાવાદ પ્લેન દૂર્ઘટના પછી હવે બે દિવસ થઈ ચુક્યા છે. કેટલા લોકો મૃત્યુ પામ્યા છે તેની કોઈ સત્તાવાર જાણકારી સામે આવી નથી પરંતુ આ ઘટનામાં વિમાન યાત્રી 241 અને સ્થાનિકો મળીને આંકડો 300 આસપાસ પહોંચે તેવો અંદાજ લગાવાઈ રહ્યો છે. વિમાનની સુરક્ષાને લઈને કોઈ સત્તાવાર જાણકારીઓ સામે આવી નથી. ફક્ત અંદાજ લગાવાઈ રહ્યો છે કે, ઉડાન પછી કોઈ તકનીકી ક્ષતિને કારણે આ ઘટના બની હોઈ શકે છે. કેટલા મૃતદેહોના DNA સેમ્પલનું કામ પુરું થયું છે? કેટલા લોકોને તેમના સ્વજનોના મૃતદેહો સોંપી દેવાયા છે? તેનો સત્તાવાર આંકડો સામે આવ્યો નથી પણ 270 જેટલા મૃતદેહોના પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યા અને 222 DNA સેમ્પલ લેવાયા હોવાનો અંદાજ છે. બધું જ ઉચ્ચસ્તરીય થઈ રહ્યું છે માત્ર નીચલા સ્તરે લાશો જોવા મળી રહી છે. સત્તાવાર કશું જ નથી આવી રહ્યું પરંતુ બધું જ અંદાજે ચાલી રહ્યું છે ત્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીનો પુત્ર ઋષભ પણ અમદાવાદ આવી પહોંચ્યો છે અને આગામી સમયમાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લીકાર્જૂન ખડગે પણ અમદાવાદમાં આવી રહ્યા છે.
એક તરફ જ્યાં શુક્રવારના દિવસે મોડી સાંજ સુધી પોસ્ટ મોર્ટમ રૂમ પર લોકોની ભારે ભીડ જોવા મળી રહી હતી ત્યારે હવે રાત પડી તે પછી અમુક લોકો સિવાય અહીં કોઈ જોવા મળતું નથી. રાત્રે વાહનો માટે રોડ પણ ખુલ્લો કરી દેવાયો હતો. અત્યાર સુધી લોકોના દુઃખ અને તકલીફોની જાણકારીઓ સામે આવી હતી પરંતુ હવે તમામ પરિવારોના મનમાં સવાલ જોવા મળી રહ્યો છે કે આ બધું થયું તો કેમ થયું? શું નાણાકીય વળતર આ તકલીફોને ઓછી કરી દેશે? સત્તાવાર રીતે વિમાનમાં કઈ ખામી હતી તેને લઈને હજુ તો કોઈ જાણકારી સામે આવી નથી. આપને જણાવી દઈએ કે આ ઘટના વખતે વિમાનમાં 242 મુસાફરો હતા જેમાંથી માત્ર એક વ્યક્તિ જીવિત છે. તેમાં 169 ભારતીય, 53 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ અને 1 કેનેડિયન નાગરિક હતા, ઉપરાંત 12 ક્રૂ-મેમ્બર્સ હતા. અંદાજીત રીતે કહેવાઈ રહ્યું છે કે પ્લેનનું એસી ખરાબ હોવા અને પ્લેનનું ક્રેશ થવાને કોઈ નિસબત નથી, તો પછી પ્લેન ક્રેશ થવા પાછળનું કારણ શું છે?
કોઈ અમદાવાદની ગરમીની વાત કરી રહ્યું છે તો કોઈ એસી અને અન્ય ઉપકરણોની ખરાબીની, તો અમદાવાદમાં આટલી ગરમીમાં અગાઉ ક્યારેય ફ્લાઈટ્સ ઉડી જ નથી? પણ સત્તાવાર કશું જ નથી. જોકે સત્ય એ પણ છે કે આ ઘટના પછી ઘણા લોકો ડરેલા છે, જે વિમાનમાં ફરી બેસીને મુસાફરી કરવાને લઈને વિશ્વાસ કરી શકતા નથી. હાલમાં જ જે વ્યક્તિએ મોબાઈલ પર પ્લેન ક્રેશનો વીડિયો રેકોર્ડ કર્યો હતો તેણે પણ કહ્યું કે પહેલા ક્યારેય વિમાનનો વીડિયો કર્યો નહોતો પણ આ વીડિયો બનાવ્યા પછી હવે હું ડરી ગયો છું. અમેરિકાની પીવીએસ ફ્રંટ લાઈનની પણ એક ડોક્યુમેન્ટ્રી છ જેમાં વિમાન કંપની બોઈંગ પર રેકોર્ડ કરવામાં આવી છે. આ ડોક્યુમેન્ટ્રીમાં 24 વર્ષની એક યાત્રી સામીયા રોજની માતા કહે છે કે તેમની દીકરીને ઉડવામાં ક્યારેય ડર લાગ્યો નહોતો પણ જેની જીંદગીના છેલ્લા 6 મિનિટમાં તે ડરી ગઈ.
આમ તો આ ઘટનામાં સુરક્ષાને લઈને જવાબદાર ડીજીસીએની ભૂમિકાને લઈને પણ શંકાઓ થઈ રહી હોઈ તેની તપાસ પણ થવી જોઈએ. કારણ કે હવાઈ મુસાફરીને લઈને જે નિયમો અને કાયદા બનાવાયા છે તેને લઈને સરકારે નાગરિકોને વિશ્વાસ અપાવવો પડશે. કારણ કે આ વર્ષે 25 માર્ચે જ રજૂ કરવામાં આવેલી સંસદની સ્થાયી સમિતિની એક રિપોર્ટ કહે છે કે, ડીસીસીએમાં 53 ટકાથી પણ વધુ જગ્યાઓ ખાલી છે. ઉપરાંત એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં 3200 જગ્યા ખાલી છે, એરપોર્ટ ઉડાન અને સુરક્ષા મામલાઓની દેખરેખ કરવામાં જે સ્ટાફ જોઈએ છે તેમાં પણ 35 ટકા જગ્યાઓ ખાલી છે. અહીં અંદાજ એ પણ લગાવાઈ રહ્યો છે કે જો આટલા પદો ખાલી છે તો તેના કારણે હાલમાં જે કર્મચારીઓ-અધિકારીઓ કામ કરી રહ્યા છે તેમના પર કામનું ભારણ વધી જાય છે.
એટલે કે, આ સમગ્ર ઘટનાક્રમ અને તેની બાદની સ્થિતિઓ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટિકરણ ભલે સામે આવ્યું નથી પરંતુ અંદાજીત માહિતીઓ લોકો સુધી પહોંચી રહી છે. સત્તાવાર રીતે એક માત્ર સત્ય એ છે કે વિમાન દૂર્ઘટનાગ્રસ્ત થયું અને જાનમાલની ભારે નુકસાની થઈ. સત્તાવાર રીતે લોકો પાસે અમુક જાણકારીઓ છે. જેમાં આ અંગે સિવિલ એવીએશન મંત્રાલયે પણ ટ્વીટ કરીને એ જાણકારી આપી છે કે, 12મી જુને અમદાવાદથી ગેટવિક એરપોર્ટ (લંડન) જતી એર ઇન્ડિયા ફ્લાઇટ AI-171 ના દુર્ઘટનાના કારણોની તપાસ કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બહુ-શાખાકીય સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિ હાલની માનક સંચાલન પ્રક્રિયાઓ (SOPs) અને આવી ઘટનાઓને રોકવા અને નિયંત્રિત કરવા માટે જારી કરાયેલી માર્ગદર્શિકાઓની તપાસ કરશે અને ભવિષ્યમાં આવા કિસ્સાઓનો સામનો કરવા માટે વ્યાપક માર્ગદર્શિકા સૂચવશે. આ સમિતિ સંબંધિત સંસ્થાઓ દ્વારા હાથ ધરવામાં આવતી અન્ય પૂછપરછનો વિકલ્પ રહેશે નહીં પરંતુ ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા અને નિયંત્રિત કરવા માટે SOPs ઘડવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
આ ઉપરાંત સત્તાવાર રીતે જુનિયર્સ ડોક્ટર્સ એસોશિએશન દ્વારા જાણકારી આપવામાં આવી છે. જુનિયર્સ ડોક્ટર્સ એસોશિએશને જણાવ્યું છે કે, આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયા પછી દાખલ કરવામાં આવેલા 20 મેડિકલ સ્ટુડન્ટ્સમાંથી 11ને રજા આપી દેવામાં આવી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે બપોરનું ભાણું જમતા 4 એમબીબીએસના વિદ્યાર્થીઓના આ ઘટનામાં મોત થયા છે. સાથે જ તેમણે કહ્યું કે, આ ઘટનામાં જે તબીબોનો ઊંચો મૃત્યુદર આંક દર્શાવાઈ રહ્યો છે તે ભ્રમિત કરનારો છે. લોકો અફવામાં ના આવે.









