નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ ગુજરાતના બે વખત મુખ્યમંત્રી રહી ચુકેલા પૂર્વ CM વિજય રુપાણી હવે આપણી વચ્ચે નથી રહ્યા. રાજકોટમાં જ તેમની અંતિમવિધિ કરવાનું પરિવારે નક્કી કર્યું હોવાનું અને આ દરમિયાન ભાજપના નેતાઓ અને સૌરાષ્ટ્ર રાજકોટના લોકો ઉપરાંત અન્ય ઘણા પરિચિતો જોડાશે તેવી પણ એક જાણકારી મળી રહી છે. બીજી બાજુ એવી પણ જાણકારી મળી રહી છે કે, અંતિમ વિધિ માટે પરિવાર ગાંધીનગર પહોંચ્યો છે. જોકે આ અંગેની સ્પષ્ટ વાત આવનારા સમયમાં સામે આવશે. આ અચાનક બનેલી દુર્ઘટનામાં વિજય રુપાણી સહિત 300થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ તમામ લોકોના પરિવારજનો તેમના મૃતદેહને ઓળખી પણ શકે નહીં તેવી હાલતમાં છે. જેને કારણે ડીએનએ સેમ્પલિંગની મદદથી તેમની ઓળખ કરવામાં આવશે. જેની મોટાભાગની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ડીએનએનો રિપોર્ટ 72 કલાક બાદ મળશે તેવી વાત પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી તબીબો દ્વારા કરવામાં આવી છે.
વિજય રુપાણીના પિતા બર્માથી જ્યારે રાજકોટ આવ્યા અને અહીં તેમણે વિદ્યાર્થી કાળથી જ રાજકારણમાં પગલા માંડ્યા હતા. રાજકારણની દુનિયામાં એક પછી એક પગલાં આગળ વધતા વિજય રુપાણી જ્યારે પાટીદાર અનામત આંદોલન થયું અને તેમાં આનંદીબહેન પટેલે રાજીનામું આપ્યું તે પછી મુખ્યમંત્રી તરીકે સતત બે વાર રહ્યા. જે પછી જ્યારે તેમની સત્તામાં વધુ જીત ના દેખાઈ ત્યારે ભાજપ હાઈકમાન્ડે ગુજરાતના મુખ્યમંત્રીના ચહેરા તરીકે તેમની બાદબાકી કરી પરંતુ હવે જ્યારે ફરી ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે સીઆર પાટીલનો કાર્યકાળ પુરો થાય છે ત્યારે તેમનું નામ પણ આ ખુરશી માટે ચાલી રહ્યું હતું. રાજકીય પંડિતો માનતા હતા કે, વિજય રુપાણીને ફરી પ્રદેશ પ્રમુખ તરીકેનો પદભાર સોંપાશે.
આવા સંજોગો પછી હવે જ્યારે અચાનક આ ઘટના બની છે ત્યારે આપને એ પણ જણાવી દઈએ કે વિજય રુપાણી 1206ને એટલે કે આંકડાઓના 9ના સરવાડાને લકી માનતા હતા. તેમના ઘણા કલેક્શન્સમાં આ નંબરને જોઈ શકાય છે. જોકે જોગાનુજોગ એવું પણ કમનસીબે બન્યું છે કે આ ઘટના જ્યારે બની હતી તે દિવસે પણ 12મી તારીખ અને વર્ષનો છઠ્ઠો મહિનો હતો. આમ 12-06ના દિવસે જ તેમનું મૃત્યુ પણ થયું છે. ઉપરાંત તેઓ જે સીટ પર બેઠા હતા તે સીટ પણ 12મા નંબરની સીટ હતી. આ આંકડાઓને અને ઘટનાને કોઈ તાર્કિક સંબંધ તો નથી પરંતુ આ કેવો જોગ છે?