નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદનાં ઓઢવ વિસ્તારમાં 29 તારીખની સાંજે એક જ પરિવારના 4 મૃતદેહ મળી આવ્યા હતા, જેના પગલે પોલીસે તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક રીતે તેવું માનવમાં આવી રહ્યું હતું કે આ પરિવારના સભ્યોએ સામૂહિક આત્મહત્યા કરી હશે પણ પોલીસને મૃતદેહ જોતાં જ ખબર પડી ગઈ હતી કે આત્મહત્યાનો બનાવ નથી, આ ચારેય સભોના મૃતદેહ પરના ઘા જોઈને પોલીસ સમજી ગઈ હતી કે આ હત્યાનો કેસ છે. તપાસમાં ખબર પડી કે ઘરનો મોભી વ્યક્તિ વિનોદ મરાઠી આ સમગ્ર ઘટનામાં ગાયબ છે, જેના કારણે પોલીસે તેની શોધખોળ શરૂ કરી.
આ ઘટનાની જાણ થતાં જ અમદાવાદ ક્રાઇમબ્રાન્ચ દ્વારા પણ વિનોદની શોધખોળ શરૂ કરી દીધી હતી. ક્રાઇમબ્રાન્ચ દ્વારા આરોપીની શોધખોળ કરવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા અને આ ઘટના બન્યાના 48 કલાકમાં જ અમદાવાદ ક્રાઇમબ્રાન્ચ દ્વારા આ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. અમદાવાદ પોલીસ દ્વારા આ આરોપીને ઇન્દોરથી અમદાવાદના હાઇવે પરથી પકડવામાં આવ્યો છે. વિનોદ પહેલા આમદવાદથી સુરત ગયો હતો અને સુરતથી તે ઈન્દોર ગયો હતો, ઇન્દોરથી અમદાવાદ આવી રહ્યો હતો તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, ઓઢવ વિરાટનગર વિસ્તારમાં આવેલી દિવ્યપ્રભા સોસાયટી રહેતા વિનોદ ટેમ્પો ચલાવીને અને પત્ની સિલાઈ કામ કરીને પરીવારનુ ગુજરાન ચલાવતા હતા. પત્નીનું અન્ય કોઈ સામે પ્રેમ સંબંધ હોવાથી તેનો દિકરો એક વખત તેની માતાને અન્ય કોઈ યુવક સાથે જોઈ ગયો હતો. દિકરાએ સમગ્ર વાતની જાણ તેના પિતાને કરી હતી. જેથી વિનોદે તેની પત્નીનું મર્ડર કરવાનો પ્લાન કર્યો હતો. વિનોદ તેના પરિવાર સાથે ઘરે હતો. તે દરમિયાન દીકરાને શ્રીખંડ લેવા માટે મોકલ્યો હતો અને દીકરીને ગુટખા લેવા માટે મોકલી હતી. ત્યાર બાદ પત્નીનું મર્ડર કરવા માટે તેને સરપ્રાઈઝ આપવાનું કહીને આખે પટ્ટી મારી ખંજરના 5થી 6 ઘા મારી દીધા હતા. દિકરો અને દીકરી આવી જતાં તેમને પણ ખંજરના ઘા મારીને પતાવી દીધા હતા. વડ સાસુ પત્નીને ચડાવતા હોવાનું વિનોદને લાગતા તેને પણ ખંજરના ઘા મારીને પતાવી દીધા હતા. ત્યાર બાદ લાશને ઠેકાણે લગાવી લોહી સાફ કરીને વિનોદ તેની સાસુને તેના ઘરે લઈને આવ્યો હતો. પરંતુ અગાઉ ચાર મર્ડર કર્યા હોવાથી પાંચમું મર્ડર કરવાની હિંમત ન થતાં સાસુને ગળાના ભાગે હળવા ઘા મારી દીધા હતા અને પોલીસને કોઈ વાત કરવાની ના પાડી તેને છોડી દીધી હતી.
પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે પત્નીના મર્ડર કર્યા પછી પોલીસ તેને પકડી લેશે ત્યાર બાદ તેના સંતાનનું શું થશે તે વિચાર કરીને તેના દિકરા અને દીકરીને પણ છરીના ઘા મારી દીધા હતા. જે બાદ વડ સાસુ પત્નીને તેના વિરુદ્ધ ચઢાવતી હતી, જેથી તેણે વડ સાસુને પણ બોલાવીને મારી નાંખ્યા હતા. હત્યા કર્યા બાદ એકપ્રેસ હાઇવેથી સુરત જતો રહ્યો હતો. જ્યાં તેને એક હોટેલમાં રાત્રિ રોકાણ કર્યું હતું. તેની પાસે તેની પત્નીનું મંગળસૂત્ર હોવાથી તેને વેચવા માટે અને તેના પત્નીના પ્રેમીની હત્યા કરવા માટે પાછો અમદાવાદ આવ્યો હતો, પરંતુ તેને વિચાર આવ્યો કે ચાર મર્ડર કર્યા છે તો પોલીસ તેને શોધતી હશે. જેથી તે ગીતામંદિરથી ઈન્દોર જતો રહ્યો હતો. ગઈકાલે તે ઇન્દોરથી અમદાવાદ આવી રહ્યો હતો. તે દરમિયાન પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો.
વિનોદ અમદાવાદ આવી રહ્યો હોવાની જાણ ક્રાઇમ બ્રાન્ચને થતાં પોલીસ ઇન્સ્પેક્ટર સી.બી. ટંડેલ અને તેમની ટીમે ટેકનિકલ એનાલિશિસના આધારે અમદાવાદ- ઈન્દોર હાઇવે પર વોચ રાખી હતી. વિનોદ પાસે તેનો મોબાઈલ ઉપરાંત તેની પત્ની, દીકરા અને દીકરીનો મોબાઈલ જોડે હોવાથી વારંવાર કોઈ એક મોબાઈલ ચાલુ રાખીને અન્ય મોબાઈલ બંધ કરી દેતો હતો. જેથી પોલીસ માટે પણ એક પડકાર ઊભો થયો હતો. જેથી પોલીસે દાહોદ પાસે હાઇવે રોડ બ્લોક કરીને દરેક વાહનોની તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન વિનોદ એસ.ટી. બસમાંથી મળી આવ્યો હતો.
![]() |
![]() |
![]() |











