નવજીવન ન્યૂઝ.હાલોલઃ પંચમહાલ જિલ્લાના હાલોલની પરણિતા દર્શના પટેલ નામની યુવતીએ રાજસ્થાનના જયપુર ખાતે યોજાયેલી સૌદર્ય સ્પર્ધામાં મિસીસ યુર્નિવર્સનો તાજ જીતીને જિલ્લાનું નામ રોશન કર્યું છે. સમગ્ર ભારતમાંથી પસંદગી પ્રક્રિયા બાદ જયપુર ખાતે સૌંદર્ય સ્પર્ધામાં 22 યુવતીઓની વચ્ચે અંતિમ રાઉન્ડ યોજાયા હતા. અલગ અલગ રાઉન્ડ બાદ 22 યુવતીઓ પૈકી 5 યુવતીઓ અંતિમ રાઉન્ડમાં પહોંચી હતી. જેમાંથી હાલોલની દર્શના પટેલને મિસિસ ઇન્ડિયા યુનિવર્સનો ખિતાબ આપવામાં આવ્યો હતો.

હાલોલને કર્મભૂમિ બનાવીને લગ્ન બાદ સ્થાયી થયેલી દર્શના પટેલ એક સંતાનની માતા છે. દર્શના પટેલ જણાવ્યું હતું કે, સ્પર્ધામાં તે નોમિનેટ થયા જીતવા માટે હાલોલમાં રહીને તૈયારીઓ શરૂ કરી હતી. મુંબઈ, દિલ્હી જેવા મોટા શહેરોની તાલીમ લઈને આવેલી સ્પર્ધક મહિલાઓ હતી, પણ છતા બાજી મારી જતા તમામ સ્પર્ધકો અને પ્રેક્ષકો માટે આશ્ચર્ય થવા પામ્યું હતું. આત્મવિશ્વાસ અને તાલીમ સાથે મેદાન મારી શકાય છે. આગામી સમયમાં વધારે તૈયારીઓ કરી અને પંચમહાલ જિલ્લાનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડીને પછાત વિસ્તારની છાપ ભૂંસવાનું મારૂ સ્વપ્ન છે. પંચમહાલ જિલ્લાના હાલોલ જેવા નાના શહેરમાંથી કોઈ યુવતી રાષ્ટ્રીય કક્ષાએ સૌંદર્ય સ્પર્ધામાં વિજેતા બનતા તેમને અભિનંદન પાઠવામાં આવી રહી છે.

![]() |
![]() |
![]() |











