નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદના (Ahmedabad) સરદાર પટેલ રિંગરોડ પર 97 કરોડના ખર્ચે બનાવામાં આવેલા સનાથલ બ્રિજ પર ત્રણ મહિનાની અંદર ગાબડું પડવાની ઘટના સામે આવતા ઔડા એક્શન મોડમાં આવ્યું છે. બ્રિજમાં ભ્રષ્ટાચારની આશંકા થતાં બ્રિજનું કામ કરનારી કંપનીને ઔડાએ નોટિસ ફટકારી છે. તેમજ આ મામલે તંત્ર દ્વારા બ્રિજની કામગીરીને લઈ તપાસ સોંપવામાં આવી છે, હાઈવે એન્જિનિયરિંગ વિભાગ આ મામલે તપાસ કરશે. ત્યારે ફરી એકવાર ઘોડા છૂટી ગયા બાદ તબેલા પર તાળા મારવા જેવી સ્થિતિનું નિર્માણ ઔડાએ કર્યું હોય તેવું દેખાઈ રહી છે. જ્યારે બ્રિજ બનતો હોતો ત્યારે અધિકારીઓએ કેમ તેની બારીકાઈથી તપાસ ન કરી. જોકે અહેવાલો પ્રસારિત થતા તંત્ર હરકતમાં આવ્યું છે અને કંપની સામે દેખાડા પૂરતી કાર્યવાહીની શરૂઆત કરી છે.
SP રિંગરોડ પર દોઢ કિલોમીટરનો 97 કરોડના ખર્ચે બનેલા બ્રિજમાં વરસાદ પહેલા જ ધોવાણ થતાં બ્રિજમાં કૌભાંડની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે કંપનીએ આ ધોવાણ છુપાવવા બ્રિજ પર પેચવર્ક કરી સમારકામ કર્યું હતું. પરંતુ આ પ્રકારે બ્રિજ પર ગાબડા પાડવાની ઘટના સામે આવતા બ્રિજ બનાવવામાં વપરાવામાં આવેલા મટિરિયલની ગુણવત્તા સામે અનેક સવાલો પેદા થઈ રહ્યા છે. જો અમદાવાદમાં ધોધમાર વરસાદ પડશે તો આ બ્રિજ નહીં ધોવાય તેની જવાબદારી કોની ? શું તંત્ર આ કંપની સામે યોગ્ય તપાસ કરીને કાર્યવાહી કરશે કે કાર્યવાહી માત્ર કાગળ પર જ રહેશે તેવી પણ ચર્ચા લોકો વચ્ચે ચાલી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે વર્ચ્યુલી આ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સનાથલ બ્રિજ પરથી દરરોજ લાખોની સંખ્યામાં ભારે વાહનો પસાર થતા હોય છે. સનાથલ બ્રિજની ભેટ મળતા વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી મોટી રાહત મળી હતી. પરંતુ બ્રિજના ધોવાણ થવાની શરૂઆત થતાં વાહનચાલકો પણ તંત્રની કામગીરી સામે શંકા અને ભારે રોષ વ્યક્ત કરી રહ્યા છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








