Thursday, April 23, 2026
HomeGujaratAhmedabadલોકાર્પણના થોડા જ દિવસમાં બ્રિજમાંથી આવી ભ્રષ્ટાચારની બૂ, અમદાવાદના સનાથલ બ્રિજ પર...

લોકાર્પણના થોડા જ દિવસમાં બ્રિજમાંથી આવી ભ્રષ્ટાચારની બૂ, અમદાવાદના સનાથલ બ્રિજ પર જોવા મળ્યા ગાબડાં

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદ શહેરની અંદર હોય કે બહાર બ્રિજ અને કૌભાંડ એકબીજા પૂરક બન્યા હોય તેવુ લાગી રહ્યુ છે. શહેરમાં હાટકેશ્વર બ્રિજ,શાસ્ત્રી બ્રિજ, બાદ વધુ એક બ્રિજ સામે ભ્રષ્ટાચારના આક્ષેપ લાગ્યા છે. ત્રણ મહિના અગાઉ રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે સનાથલ ચોકડી ખાતે ઓવરબ્રિજમાં બનાવામાં આવ્યો હતો. ત્યારે હવે થોડા દિવસોમાં જ બ્રિજ પર ભ્રષ્ટાચારના ગાબડા પડતા લોકો તંત્રની કામગીરી સામે રોષ ઠાલવી રહ્યા છે. ત્યારબાદ બ્રિજની નિષ્ફળતા છુપવાવા રાજ્ય સરકારે બ્રિજ પર થીગડા મારીને કોન્ટ્રકટરને બચાવવાની કામગીરી કરતું હોય તેવું જણાય રહ્યુ છે. જોકે હજુ અમદાવાદમાં વિધિવત રીતે ચોમાસાની શરૂઆત પણ નથી થઈ તે પહેલા બ્રિજ પર ગાબડા પડતા બ્રિજની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. ભવિષ્યમાં બ્રિજ પર કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તેવા સવાલ નગરજનો કરતા જોવા મળી રહ્યા છે.

સરદાર પટેલ રિંગ રોડ પર 97 કરોડના ખર્ચે બનાવામાં આવેલા સનાથલ ઓવરબ્રિજમાં ગાબડા પડવાની શરૂઆત થઈ ચૂકી છે. આ બ્રિજનું 3 મહિના અગાઉ 10 માર્ચના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વર્ચ્યુલી લોકાપર્ણ કર્યું હતું. દોઢ કિલોમીટર લંબાઈ ધરાવતા બ્રિજમાં હજુ તો એક વર્ષ પૂર્ણ થયો નથી તે પહેલા બ્રિજનું ધોવાણ થતા બ્રિજની ગુણવત્તા સામે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે. સાથે જ સવાલ પેદા થઈ રહ્યા છે કે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ દ્વારા બ્રિજનું નિર્માણ થઈ રહ્યું હતું ત્યારે યોગ્ય રીતે નિરીક્ષણ અને ચકાસણી કરવામાં આવી હતી કે કેમ? જો નિરીક્ષણ કરવામાં આવ્યું હોય તો નવાનકોર બ્રિજને થીગડા કેમ મારવા પડી રહ્યા છે.? આમ આ ઘટના બાદ અધિકારીઓની કામગીરી પણ શંકાના દાયરામાં જોવા મળી રહી છે.

- Advertisement -

અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરના સનાથલ ચોકડી પરથી દરરોજ મોટી સંખ્યામાં ભારે વાહનો પસાર થતા હોય છે. ત્યારે સનાથલ બ્રિજનું નિર્માણ કરવામાં આવતા વાહનચાલકોને ટ્રાફિકથી મોટી રાહત મળી હતી. પરંતુ થોડા દિવસોમાં જ બ્રિજના ધોવાણ થવાની શરૂઆત થતા શહેરીજનોમાં તંત્રની કામગીરી સામે શંકા અને ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટના સામે આવતા હાલ તંત્ર દ્વારા બ્રિજ પર પેચવર્ક કરી થીગડા મારી સંતોષ માનવામાં આવ્યો છે. જેના કારણે બ્રિજના કામમાં ભ્રષ્ટાચારની બૂ આવી રહી હોય તેમ જણાય રહ્યું છે. જોવું રહ્યું કે હવે તંત્ર દ્વારા આ મામલે કોન્ટ્રાક્ટર વિરૂધ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે થીગડા મારી નબળી ગુણવત્તાને છુપાવી દેવામાં આવશે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular