Sunday, April 19, 2026
HomeGujaratઅમદાવાદ CP ઓફિસમાં થઈ 'ગેઈમ': સ્વામીનારાયણ મંદિરનો જમીન પર દાવો, ઈન્ચાર્જ CPએ...

અમદાવાદ CP ઓફિસમાં થઈ ‘ગેઈમ’: સ્વામીનારાયણ મંદિરનો જમીન પર દાવો, ઈન્ચાર્જ CPએ કહ્યું FIR કરો, DCPનો રિપોર્ટ ‘ગુનો બનતો નથી’

- Advertisement -

પ્રશાંત દયાળ(નવજીવન ન્યૂઝ. અમદાવાદ): અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ (Sanjay Srivastava) છે, જેઓ હમણાં રજા ઉપર હતા, જેના કારણે પોલીસ કમિશનરના હવાલો જોઈન્ટ પોલીસ કમિશનર અજય ચૌધરી (Ajay Chaudhary) પાસે છે. એક પ્રણાલી રહી છે જયારે કોઈ સિનિયર અધિકારી રજા ઉપર હોય ત્યારે જેમની પાસે હવાલો છે તેઓ નીતિ વિષયક નિર્ણય લેતા નથી. અસામાન્ય સંજોગો સિવાય બદલી પણ કરતા નથી, પરંતુ સંજય શ્રીવાસ્તવ રજા ઉપર ગયા તે દિવસથી પોલીસની બદલીઓનો દૌર સતત ચાલુ છે. એટલું જ નહીં પોલીસ કમિશનર શ્રીવાસ્તવ દ્વારા જે નીતિ વિષયક નિર્ણય લેવાની ફાઈલ્સ બાજુ ઉપર મુકી હતી તેવી ફાઈલ્સનો નિકાલ પણ હવાલો ધરાવતા પોલીસ કમિશનર અજય ચૌધરી લેવા લાગ્યા છે. અમદાવાદના પુર્વ વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિરની જમીનનો વિવાદ છેલ્લા કેટલાય વર્ષોથી ચાલે છે. સ્વામિનારાયણ મંદિર (Swaminarayan Temple) દ્વારા આ મામલે આપેલી અરજીની તપાસ અંતે તત્કાલીન ડીસીપી અચલ ત્યાગીએ રિપોર્ટ કર્યો હતો કે ગુનો બનતો નથી. પરંતુ ચાર્જ મળતાની સાથે અજય ચૌધરીએ આ મામલે ગુનો નોંધવાનો આદેશ આપ્યો છે.

ઘટના ક્રમની શરૂઆત આ પ્રમાણે થઈ હતી, મણીનગર સ્વામિનારાયણ મંદિરના દાવા પ્રમાણે ઘોડાસર વિસ્તારમાં મંદિરની માલિકીની જમીન આવેલી છે. સામાપક્ષે જમીનનો દસ્તાવેજ કરનાર તુષાર પટેલનો દાવો છે કે તેમણે જમીન મુળ માલિક પાસેથી ખરીદી છે. તે પેટે રકમ ચુકવી દસ્તાવેજ કરાવી લીધો હતો. જેના કારણે મંદિર અને તુષાર પટેલ વચ્ચે અમદાવાદની કોર્ટથી લઈ સુપ્રીમ કોર્ટ સુધી દાવાઓ થયા હતા. બે વર્ષ અગાઉ મંદિર દ્વારા ખોખરા પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી હતી કે તેમની સાથે તુષાર પટેલે છેતરપીંડી કરી છે. આ અરજીની તપાસ તત્કાલીન ડીસીપી અચલ ત્યાગીએ કરી. તેમાં મંદિર અને તુષાર પટેલના નિવેદનો નોંધ્યા અને સંબંધીત દસ્તાવેજો તપાસી પોલીસ કમિશરને રિપોર્ટ કર્યો હતો આ મામલે કોઈ ગુનો બનતો નથી આથી આ અરજી દફતરે કરી દેવામાં આવી હતી.

- Advertisement -

સ્વામિનારાયણ મંદિરની અરજી દફતરે થતાં મંદિર દ્વારા આ જ અરજી ફરી વખત મણીનગર પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી. જેની તપાસ મણીનગર પોલીસે કરી રિપોર્ટ કર્યો હતો કે ગુનો બને છે. આમ એક અરજી અંગે બે વિરોધાભાષી અભિપ્રાય આવતા સમગ્ર મામલાની ફેર તપાસ ડીસીપી ઝોન-4ને સોપવામાં આવી હતી. તમામ બાબતોની તપાસ કર્યા પછી ડીસીપી ઝોન-4 દ્વારા અમદાવાદ પોલીસ કમિશનરને રિપોર્ટ કરવામાં આવ્યો હતો. મામલો ખુબ જુનો છે, વાદી અને પ્રતિવાદીએ રજુ કરેલા દસ્તાવેજો સાચા છે કે ખોટા તેની ફોરેનસીક તપાસ થવી જરૂરી છે, જેથી ફોરેનસીક અધિકારીને આ દસ્તાવેજો મોકલી આપવા જોઈએ.

Ahmedabad Police Commissioner Office

આમ આખો મામલો અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવની ઓફિસમાં આવ્યો હતો અને ઝોન-4ના રિપોર્ટ પ્રમાણે દસ્તાવેજો ફોરેનસીક લેબોરેટરીને મોકલી આપવાનો નિર્ણય લેવાનો હતો. આ દરમિયાન સ્વામિનારાયણ મંદિર દ્વારા પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને ફરિયાદ કરવામાં આવી હતી કે મણીનગર પોલીસના અભિપ્રાય પછી જોઈન્ટ પોલીસ કમિશનર ગૌતમ પરમાર ગુનો દાખલ કરતા નથી. પરંતુ વાસ્તવીક્તા એવી હતી કે આ મામલે હવે ફોરેનસીક અભિપ્રાય લેવાનો હતો. જેના કારણે મામલો પોલીસ કમિશનર પાસે પડતર હતો. પરંતુ સંજય શ્રીવાસ્તવ રજા ઉપર જતા ઈન્ચાર્જ પોલીસ કમિશનર અજય ચૌધરીએ પડતર ફાઈલ્સ મંગાવી તેનો નિકાલ કરવાનો શરૂ કર્યો હતો. જેમાં મણીનગર સ્વામિનારાયણ મંદિરની ફાઈલ ઉપર તેમણે ગુનો દાખલ કરવાની સૂચના આપતા મણીનગર પોલીસે ગુનો નોંધ્યો છે.

આ મામલે જેમની સામે ફરિયાદ નોંધાઈ છે તેવા તુષાર પટેલનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે આખો મામલો કોર્ટને આધીન છે. ખરેખર તો હું પોતે ભોગ બન્યો છું. દસ્તાવેજ મારી પાસે હોવા છતાં મંદિરે પોતાનો દાવો ઊભો કર્યો છે. ડીસીપી ત્યાગીએ ગુનો બનતો નથી તેવો રિપોર્ટ કર્યો હોવા છતાં કેટલાક અધિકારીઓ સાથે મળી મંદિરની દફતરે થયેલી અરજી મણીનગરમાં કરી અને આશ્ચર્ય વચ્ચે ગુનો પણ નોંધાયો છે. જોકે અમારી પાસે કોર્ટનું આગોતરૂ રક્ષણ છે કે અમારી ધરપકડ કરતા અગાઉ ત્રણ દિવસ પહેલા પોલીસે અમને જાણ કરવાની રહેશે. આથી હવે અમારી પાસે પોલીસની આ પ્રકારની શંકાસ્પદ ભૂમિકા માટે ગુજરાતની વડી આદાલત પાસે જવા સિવાય કોઈ વિકલ્પ નથી.

Follow on Social Media
Prashant Dayal
Prashant Dayal
પ્રશાંત દયાળ, ગુજરાતી પત્રકારત્વનું એવું નામ જેણે પત્રકારત્વની દુનિયાની તડકી છાંયડી જોઈ આજે પણ સતત કાર્યરત રહી સાચું પત્રકારત્વ લોકો સુધી પહોંચે તેના પ્રયત્નો ચાલુ રાખ્યા છે. એક ક્રાઈમ રિપોર્ટર તરીકેની તેમની સફર ગુજરાતી પત્રકારત્વમાં ઘણા બોધપાઠ આપનારી રહી છે. તેઓ હાલ રિપોર્ટિંગની સાથે સાથે, નવજીવન ટ્રસ્ટ સંચાલિત ડિપ્લોમા ઈન જર્નાલિઝમમાં અને સાબરમતી જેલમાં પત્રકારત્વના પાઠ પણ ભણાવે છે.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular