નવજીવન ન્યૂઝ. અમદાવાદ : 31st ડિસેમ્બરે( 31st December) મોટા ભાગના લોકો નવા વર્ષની ઉજવણી કરી રહ્યા હતા. પોલીસ (Ahmedabad Police) પણ કાયદો અને સલામતી માટે આખી રાત ખડે પગે રસ્તાઓ પર ઊભી હતી. આ દરમિયાન રાત્રીના સમયે ચાણક્યપુરી વિસ્તારમાં રેલવે ફાટક પાસે એક યુવકની અજાણી લાશ મળી આવી હતી. જોકે લાશને જોતા પ્રાથમિક રીતે ટ્રેનની ટક્કરથી મૃત્યુ થયાનું અનુમાન લગાવામાં આવ્યું હતું, જોકે આ ઘટના અંગેના CCTV સામે આવતા તપાસની દીશા બદલાઈ ગઈ હતી.

પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદના ચાણક્યપુરીમાં રહેતા પ્રકાશભાઈનો નાનો ભાઈ રાજેન્દ્ર થોડા દિવસ પહેલા જ વતનથી શહેરમાં આવ્યો હતો. 31st ડિસેમ્બરની રાત્રે સોલા પોલીસ સ્ટેશન વિસ્તારના સાયન્સ સિટીથી હેબતપુર રોડ તરફ બ્રિજ પાસે રાજેન્દ્રનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળ્યો હતો. મૃતદેહ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને કાર્યવાહી શરૂ કરી હતી, પરંતુ પોલીસ તપાસ દરમિયાન ઘટના સ્થળ નજીકથી રાજેન્દ્રનું જેકેટ અને લોહીના નિશાન મળી આવ્યા હતાં. જેના કારણે મૃતક રાજેન્દ્રના પરિવારજનોએ અકસ્માત નહીં પરંતુ હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરી હતી.
મૃતકના મોટા ભાઈ પ્રકાશે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસમાં લાગી હતી. મૃતદેહ અંગે પોલીસ તપાસ કરી રહી હતી, તે દરમિયાન એક CCTV ફુટેજ સામે આવ્યા હતા. જેમાં રાજેન્દ્રને કેટલાક લોકો માર મારતા દેખાઈ રહ્યા હતા. CCTVના આધારે રાજેન્દ્રને માર મારનારા ત્રણ આરોપી વિજય ભરવાડ, અનમોલ યાદવ અને પ્રવિણ પુરબીયા ધરપકડ કરીને પુછપરછ કરતાં ચોંકાવનારા ખુલાસા થયા હતા.
આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, રાજેન્દ્ર એક યુવતીના પ્રેમ સંબંધમાં હતો, જેના કારણે યુવતીના પિતરાઈ ભાઈએ રાજેન્દ્રને પાઠ ભણાવવા માટે પચાસ હજાર રૂપિયામાં ત્રણ લોકોને સોપારી આપી હતી. જેથી ત્રણે આરોપીએ રાજેન્દ્રને ચાણક્યપુરી ખાતે માર માર્યો હતો. ત્યાર બાદ આ ત્રણે આરોપીઓ રાજેન્દ્રને સાયન્સ સિટિથી હેબતપુર તરફ જતાં બ્રિજ પાસે લઇ ગયાં હતાં. ત્યાં પણ તેને એટલી હદે માર્યો કે તેનું મોત નિપજ્યું હતું. ત્યાર બાદ આરોપી દ્વારા મૃતદેહ રેલ્વે ટ્રેક પણ ફેંકીને ફરાર થઇ ગયાં હતાં.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








