Tuesday, October 13, 2026
HomeGujaratગામમાં પુછ્યા વગર વીજ ચેકિંગ આવ્યું તો એક પણ ગાડી પરત નહીં...

ગામમાં પુછ્યા વગર વીજ ચેકિંગ આવ્યું તો એક પણ ગાડી પરત નહીં જાય: ચૈતર વસાવાએ વીજકર્મીઓને ખખડાવ્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ડેડીયાપાડા: નર્મદા જિલ્લાની ડેડીયાપાડા(Dediapada) બઠક પરથી AAP ના ઉમેદવાર ચૈતર વસાવા(Chaitar Vasava)એ જંગી બહુમતીથી વિજય મેળવ્યો હતો. ચૂંટણી જીતી ધારાસભ્ય બનેલા ચૈતર વસાવા હવે સતત મતવિસ્તારનો પ્રવાસ કરી પ્રજાના પ્રશ્નો મામલે લડત કરી રહ્યાં છે. ત્યારે ડેડીયાપાડા વિસ્તારના સરપંચો અને ખેડૂતો ચૈતર વસાવા પાસે પહોંચ્યા હતા અને વીજળીની સમસ્યાની રજૂઆત કરી હતી. રજૂઆતને ધ્યાને લઈ ચૈતર વસાવાએ તુરંત જ ખેડૂતોને અને સરપંચોને સાથે રાખી GEB કચેરી ખાતે પહોંચી હાજર અધિકારી અને કર્મચારીઓને ખખડાવી નાખ્યા હતા અને વહેલી તકે પ્રશ્નોના નિરાકરણની સૂચના આપી હતી.

નર્મદા જિલ્લાની ડેડીયાપાડા બેઠક પરથી BTPના મહેશ વસાવાના એક સમયના સાથીદાર ચૈતર વસાવાએ AAPમાંથી ચૂંટણી લડી જીત હાંસલ કરી હતી. જંગી બહુમતીથી વિજય મેળવ્યા બાદ ધારાસભ્ય ચૈતર વસાવા સતત પ્રજાના પ્રશ્નો આક્રમક રીતે ઉઠાવતા જોવા મળી રહ્યાં છે. ત્યારે ફરી એક વખત ચૈતર વસાવાની GEB સમક્ષ આક્રમક રજૂઆતનો વિડીયો વાયરલ થયો છે. મળતી માહિતી મુજબ ઘટના કંઈક એવી હતી કે, ચૈતર વસાવા પાસે મતવિસ્તારના કેટલાક સરપંચો અને ખેડૂતો વીજળીનો મુદ્દો લઈ પહોંચ્યા હતા. રજૂઆત બાદ ચૈતર સરપંચો અને ખેડૂતોને સાથે લઈ GEBની કચેરી ખાતે પહોંચી ગયા હતા.

- Advertisement -

GEBની કચેરી ખાતે પહોંચેલા ચૈતર વાસાવા સૌ પ્રથમ તો કર્મચારીઓની બેદરકારી અને ફરજમાં થતી ગેરરિતીઓ મામલે ખખડાવી નાખ્યા હતા. બાદમાં તેમણે જણાવ્યું હતું કે, અહીંના ડેપ્યુટી એન્જીનીયર અચાનક રજા પર ઉતરી ગયા છે. અહીં 5 વર્ષથી પેન્ડિંગ પડેલી ખેતીવાડી વીજ કનેક્શનની 1029 અરજીઓનો નિકાલ નથી થયો. ડેપ્યુટી એન્જીનીયર કહે છે કે, પુરતી ગ્રાન્ટ નથી અને સ્ટાફનો અભાવ છે. વળી સ્ટેચ્યુ ઑફ યુનિટીના વિસ્તારમાં જ ઘણાં ગામમાં છેલ્લા 12 દિવસથી વીજળી નથી. આ મામલે રજૂઆત કરવામાં આવતા અધિકારીઓ જણાવે છે કે, સુરતથી ટીમ મોકલી ચેક કરાવું છું. બીજી તરફ ખેડૂતો પણ ટી.સી. ખરાબ થાઈ ત્યારે 2-3 મહિના સુધી ધક્કા ખાતા રહે છે પણ યોગ્ય ઉત્તર નથી મળતો કે નિરાકરણ નથી મળતું. મારે સરકારને પૂછવું છે કે, આદીવાસી વિસ્તારમાં આટલી તકલીફો પડે છે તો ટ્રાયબલ બજેટના કરોડો રૂપિયા જાય છે ક્યાં ?

વીજ વિભાગ પર આક્રોશ વ્યક્ત કરતા ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, GEBના સબ સ્ટેશન માટે સરપંચોએ જમીનો ફાળવી ઠરાવ કરી આપ્યો હોવા છતાં પણ સબ સ્ટેશન બન્યા નથી. ગુજરાતમાં ઉદ્યોગોને મફતમાં જમીન ફાળવી મફતના ભાવે વીજળી આપી દેવામાં આવે છે તેમ ગુજરાતના દરેક નાગરિકને પણ મળે તેવી રજૂઆત હું સરકારમાં કરીશ. સરકાર આદીવાસીઓ પર અન્યાય કરી અસમાનતાથી વર્તે છે. પણ જો હવે સરકરા અમને સમયસર વીજળી અને પાણી નહીં આપે તો આગામી સમયમાં સ્ટેચ્યુ ઑફ યુનિટી પર હલ્લા બોલ કરી નર્મદા ડેમ પરના વીજળી ઉત્પાદન કેન્દ્ર પર કબ્જો કરી નર્મદા ડેમની મુખ્ય કેનાલ બંધ કરીશું.

વીજ કર્ચમારીઓ પર પૈસા માગવાના આક્ષેપ કરતા વસાવાએ કહ્યું હતું કે, ખેડૂતોને વીજળીના જોડાણ આપવા માટે પૈસા માગવામાં આવે છે. થાંભલા માટે 1500 રૂપિયા અને લાઈન નાખવા માટે રૂપિયા 2 હજાર તેમજ મીટર લગાવાવ 2500 રૂપિયા માગવામાં આવે છે. સાથે જ તેમણે કર્મચારીઓને મધ્ય રાત્રિ અને વહેલી સવારના સમયે ગામમાં ઘુસી વીજ ચેકિંગ કરવા બાબતે પણ ખખડાવ્યા હતા અને કહ્યું હતું કે, જો પુછ્યા વગર ગામમાં આવ્યા તો એક પણ ગાડી પરત નહીં જાય. તમારી પાસે ચેકિંગ માટે અને દંડ ફટકારવા માટે સ્ટાફ છે પણ વીજ કનેક્શન માટે સ્ટાફ નથી તેવા બહાના હવે નહીં ચાલે.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular