તોફિક ઘાંચી (નવજીવન ન્યૂઝ. અમદાવાદ) : આપણે પોલીસની વાત કરીએ ત્યારે તરત રસ્તા ઉપર પૈસા ઉઘરાવતા પોલીસનું ચિત્ર આપણી આંખ સામે આવી જાય છે, પરંતુ પોલીસ રોજબરોજના કામમાં કેટલી જહેમત ઉઠાવે છે તે સામાન્ય માણસોને ખ્યાલ નથી હોતો. રોજ ખૂંખાર આરોપીઓ સાથે પોલીસને સંઘર્ષ કરવાનો હોય છે, તેમાં ઘણી વાર તકરાર પણ થાય છે. આવી જ એક ઘટના આજે સામે આવી છે. જેમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચે (Ahmedabad Crime Branch) બિહારથી (Bihar) એક આરોપીને ઝડપી પડ્યો છે. આ આરોપી પર અમદાવાદનાં (Ahmedabad) એક વ્યક્તિની હત્યા કરવાનો કેસ થયો હતો. હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગત 21 એપ્રિલના રોજ સુરેશ મહાજન નામનો એક વ્યક્તિ બહાર જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો, પરંતુ લાંબા સમય સુધી તે ઘરે પરત ન આવતા પરિવારજનોએ નરોડા પોલીસ સ્ટેશન ખાતે જાણવા જોગ અરજી કરી હતી. આ અરજી કર્યા બાદ પણ સ્થાનિક પોલીસને સુરેશ મહાજનને શોધવામાં સફળતા મળી ન હતી. જેના કારણે અમદાવાદ પોલીસ કમિશનરે આ કેસની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાંચને સોંપી હતી. ત્યાર બાદ હવે અમદાવાદ ક્રાઇમ બ્રાંચે એક આરોપીની બિહારમાંથી ધરપકડ કરી લીધી છે.
આરોપીની ધરપકડ બાદ પોલીસ પૂછપરછમાં સામે આવ્યું હતું કે, સુરેશ મહાજન અને તેની સાથે કામ કરતાં રણજીત નામના વ્યક્તિને કામ બાબતે તકરાર થતી હતી. જેનો બદલો લેવા માટે રણજીત સુરેશ મહાજનને કોઈ બહાને રાજસ્થાન લઈ ગયો હતો અને કારમાં જ ચિક્કાર દારુ પીવડાવી દીધો હતો, ત્યાર બાદ દારૂના નશામાં રહેલા સુરેશ મહાજનને રણજીત કુશ્વાહ, સુરજ પાસવાન, અનુજ પ્રસાદ અને અરવિંદ મહોતોએ માથાના ભાગે હથોડી મારીને અને ગળું દબાવીને હત્યા કરી દીધી હતી. હત્યા કર્યા બાદ આરોપીઓએ સુરેશના મૃતદેહને ઉયદયપુર નજીક એક નાળામાં ફેંકી દીધો હતો. હાલ પોલીસ આ મૃતદેહને પણ કબ્જે કરીને રાજસ્થાનની હોસ્પીટલમાં પોસ્ટમોર્ટમ કરાવ્યુ હતું. હાલ એક આરોપીને પકડી લેવામાં આવ્યો છે અને અન્ય આરોપીઓને પકડવા માટે પોલીસ પ્રયાસ કરી રહી છે.
ક્રાઇન બ્રાચના DCP ચૈતન્ય માંડલીકે (DCP Chaitanya Mandlik) પત્રકાર પરીષદને સંબોધીને જણાવ્યું કે, “કોન્સટેબલ વિષ્ણુપ્રસાદને ખાનગી માહીતી મળી હતી કે, સુરેશ મહાજન ગુમ થવા પાછળ તેની કંપનીમાં જ કામ કરતા રણજીત અને તેના સાથીઓનો હાથ છે અને આ તમામ આરોપીઓ હાલ બિહારમાં છુપાઈને બેઠા છે. આ બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચના PSI વી. આર. ગોહિલ અને તેમની ટીમ દ્વારા બિહારના નક્સલી વિસ્તારોમાંથી (Naxalite area) એક અરવિંદ મહોતો નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે.”
આ સમગ્ર ઓપરેશન અંગે વધુ વિગતો મેળવવા PSI વી. આર. ગોહિલ સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, “અમે જે વિસ્તારમાં આરોપીને પકડવા ગયા હતા, તે વિસ્તાર નક્સલી વિસ્તાર હતો. જેમાં જીવનું પણ જોખમ હતું અને આ વિસ્તારની સ્થાનિક ભાષા પણ અમારા માટે એક પડકાર હતો. તેમ છતાં અમને એક સ્થાનિક ડ્રાઈવરની મદદ મળી ગઈ હતી. જેના કારણે અમે આરોપી સુધી પહોંચી શક્યા હતા. આ વિસ્તારનો પડકાર એવો હતો કે આ સમગ્ર વિસ્તારમાં કાર ચાલતી ન હતી, મોટા ભાગે ટુ વ્હીલર અથવા તો રિક્ષા જ ચાલતા હતા. તેવામાં જો અમે કાર લઈને જઈએ તો અમે લોકોના ધ્યાને આવી જઈએ. પરંતુ અમને સ્થાનિક વ્યક્તિની મદદ મળતા અમારા માટે કામ થોડા અંશે સરળ થયું હતું. તેમ છતાં 8થી 10 દિવસના ઓપરેશ બાદ અમે એક આરોપીને પકડી લીધો છે અને અન્ય આરોપીઓને પણ નજીકના સમયમાં પકડી લેવામાં આવશે.”
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796