Wednesday, September 9, 2026
HomeGujaratઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે AK 47નું પણ સેટિંગ કરી લીધું, આતંકવાદી બતાવવાનો સેટઅપ...

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે AK 47નું પણ સેટિંગ કરી લીધું, આતંકવાદી બતાવવાનો સેટઅપ | શતરંજ-23

- Advertisement -

પ્રશાંત દયાળ (શતરંજ-23, નવજીવન ન્યૂઝ): વિનય અને મહેશ પણ રામને એટીએસના લૉકઅપમાં મૂકી ઘરે જતા રહ્યા હતા. સતત બે રાતના ઉજાગરા હતા, એટલે ઘરે જઈ તેઓ સૂઈ ગયા હતા. બપોરના બાર વાગ્યા હશે, વિનયના ફોન ઉપર સતત ઘંટડી રણકતી હતી. તેણે સાંભળી પણ ખરી. પણ ઊંઘ એટલી આવતી હતી કે તેણે ફોન ઉપાડવાને બદલે કે કટ કરવાને બદલે ફોન ઊંચકી પોતાના ઓશીકા નીચે મૂકી દીધો, થોડી વારમાં વિનયની પત્ની હાથમાં કૉર્ડલેસ ફોન લઈ તેને ઉઠાડવા માટે આવી. તેણે તેને ઉઠાડવા માટે બેચાર વખત હલાવ્યો, પણ તે પાછો પડખું બદલી સૂઈ જતો હતો. એટલે તેની પત્નીએ ફોન ઉપર પોતાનો હાથ આડો મૂકતાં કહ્યું : “અરે ડીસીપી સાહેબ વાત કરવા માગે છે.” ડીસીપી શબ્દ કાને પડતાં તે પથારીમાં એકદમ સફાળો જાગી ગયો. તેણે તરત કૉર્ડલેસ ફોન હાથમાં લેતાં કહ્યું : “સર.” સામેથી વછરાજાનીનો શાંત અવાજ સંભળાયો. “વિનય, મને ખબર છે… તું અઠવાડિયા પછી આવ્યો છે, થાકેલો પણ છે. પણ તને એક કામ બતાવવાનું છે. એકાદ વાગ્યા સુધીમાં ઑફિસે પહોંચી જા.” વિનયે ‘સર સર’ કહી ફોન મૂક્યો. તેણે ઘડિયાળ સામે જોયું તો સવા બાર થવા આવ્યા હતા. તેણે મોબાઇલ ફોન લીધો અને પોતાની સરકારી ગાડીના ડ્રાઇવરને અડધો કલાકમાં ઘરે આવી જવાની સૂચના આપી. બાદમાં તેણે તેની પત્નીને કહ્યું : “જલદી ચા મૂક.” તે હાથમાં ટૂથબ્રશ લઈ સીધો નાહવા જતો રહ્યો. નાહતી વખતે તે વિચારી રહ્યો હતો, કયું કામ હશે જે આજે બતાડવાનું છે! તેને યાદ ના આવ્યું, તે પોતાના મગજને વધારે પરેશાન કરવા માગતો પણ ન હતો… તે તૈયાર થઈને બહાર આવ્યો ત્યાં સુધીમાં ચા આવી ગઈ હતી. તે ચા પી રહ્યો હતો, ત્યાં ડૉરબેલ વાગી. તેણે પત્નીને કહ્યું : “ડ્રાઇવર હોય તો મારી બૅગ અને વેપન તેને આપી દે.” તે ડ્રાઇવર જ હતો, ડ્રાઇવર ગાડી સુધી પહોંચે તે પહેલાં વિનય દોડતો ગાડી સુધી પહોંચી ગયો.

સરકારી ગાડી ક્રાઇમ-બ્રાન્ચ તરફ દોડવા લાગી. તેણે રસ્તામાં ડ્રાઇવરને પૂછ્યું : “કોઈ નવો કેસ છે?” ડ્રાઇવરે પોતાની અજ્ઞાનતા પ્રદર્શિત કરી અને કંઈક યાદ આવ્યું હોય તેમ કહ્યું : “હા સાહેબ. હું નીકળ્યો ત્યારે પત્રકારો અને ટીવીવાળા આવી રહ્યા હતા.” ફરી તેણે શું બન્યું હશે તે યાદ કરવાનો પ્રયત્ન કર્યો પણ થાકને કારણે કંઈ યાદ આવી રહ્યું ન હતું. ક્રાઇમ-બ્રાન્ચ પહોંચતાં, દરવાજા ઉપર તેણે પત્રકારોના જાણીતા ચહેરા જોયા. જેમાં આદેશ, મોહન સહિતના ઘણા હતા. કેટલીક ચૅનલો પ્રેસ-કૉન્ફરન્સ લાઇવ કરવાની હતી, જેના કારણે ઓબી વાન પણ લાગી ગઈ હતી. વિનય ગાડીમાં ઊતરતાં સંત્રીએ સલામ પણ કરી, પણ તેની તરફ ધ્યાન આપ્યા વગર તે સીધો અંદર ગયો. વછરાજાનીની ચેમ્બર બહાર રહેલા કમાન્ડોને તેણે ઉતાવળે પૂછ્યું : “અંદર કોઈ છે?” તેણે ના પાડતાં તે સીધો અંદર દાખલ થયો. તેને જોતાં વછરાજાની ખુરશીમાંથી ઊભા થઈ ગયા. તેમણે પોતાનો જમણો હાથ લાંબો કર્યો. વિનયે પણ ‘જયહિંદ’ કહી તેમની સાથે હાથ મિલાવ્યો. તેમણે વિનયને અભિનંદન આપતાં કહ્યું : “વેલ ડન વિનય, આખરે નિઝામને લઈ આવ્યો. તું વર્ષમાં ભલે ત્રણ-ચાર કામ કરે છે, પણ કૉંક્રીટ હોય છે. તારે માટે મને ઘણા ફરિયાદ કરે છે કે વિનય રોજ ઑફિસ આવતો નથી. ગાયબ થઈ જાય છે, પણ તેમને હું કાયમ કહું છું કે ઘોડા અને ગધેડામાં અંતર હોય છે. ઘોડાઓની કિંમત રેસમાં જ થાય. તેને રોજ ના દોડાવાય.” વિનયે થૅંક્સ તો કહ્યું, પણ તેને હજી કેમ બોલાવ્યો છે, તેની ખબર ન હતી. તેણે પૂછ્યું : “નિઝામને આજે અરેસ્ટ બતાવવાનો છે.” વછરાજાનીએ હસતાં હસતાં કહ્યું : “ના ના ભાઈ, આ તો તું પેલા જુનેદ ઍન્ડ કંપનીને લઈ આવ્યો હતો, તેમને રાત્રે અરેસ્ટ બતાવી દીધા. એ કામ તો તારું હતું, તો ક્રેડિટ તો તને મળવી જોઈએ ને?” વિનય વાત સમજી ગયો. ‘સર’ કહી તે બહાર નીકળ્યો.

- Advertisement -

બહાર તેને આદેશ અને મોહન મળી ગયા. તેમને તેણે પૂછ્યું : “સાહેબ શું બતાવવાના છે?” વિનયે તેની ટેવ પ્રમાણે હોઠ ખોલ્યા વગર સ્માઇલ આપ્યું અને પોતાના ખભા ઉછાળી, ‘જાણતો નથી’ તેવું કહ્યું. આદેશ કંઈ બોલ્યો નહીં. પણ મોહનથી રહેવાયું નહીં. “એવું ના કરો. કંઈક તો હિન્ટ આપો.” વિનયે જવાબ આપ્યો : “પાંચ-દસ મિનિટમાં તો તમને ખબર પડી જશે.” આદેશ તરફથી અન્અપેક્ષિત સવાલ આવ્યો : “સાહેબ, તમે રજા ઉપર હતા?” તરત વિનયે કહ્યું : “ના ના, અહીંયાં તો હતો.” તરત પેટાપ્રશ્ન આવ્યો : “ઓકે. આ તો એટલે પૂછ્યું કે, તમે, રાવ સાહેબ અને નાયર સાહેબ પણ ન હતા. મને લાગ્યું કે કોઈ મોટું ઑપરેશન હશે.” આદેશના સવાલનો મોટા ભાગના અધિકારીઓને ડર લાગતો કારણ કે તે બિટ્‌વીન ધ લાઇન્સ સારી રીતે સમજતો. તેનાં ઑબ્ઝર્વેશન શાર્પ હતાં. અધિકારીઓ દેખાતા નથી, તે વાત બીજા પત્રકારોના ધ્યાનમાં આવી ન હતી. વિનયે સિફ્તપૂર્વક જવાબ આપ્યો : “તેમની મને ખબર નથી; હું તો શહેરમાં જ હતો.”

થોડી વારમાં પ્રેસ-કૉન્ફરન્સ શરૂ થઈ. વિનય જેવો પ્રેસ-કૉન્ફરન્સ માટે ડીસીપી વછરાજાનીની ચેમ્બરમાં દાખલ થયો કે તરત તેની નજર વછરાજાનીના ટેબલ ઉપર ડિસ્પ્લે માટે મુદ્દામાલમાં બતાવેલી ચલણી નોટો અને એ.કે.૪૭ રાઇફલ ઉપર પડી. તે ચમકી ગયો. પણ તેની કોઈને ખબર ના પડે તેમ પોતાના ચહેરા ઉપરના હાવભાવ બદલી નાખ્યા. વછરાજાનીએ તેને પોતાની બાજુમાં રહેલી ખાલી ખુરશી ઉપર બેસવાનો ઇશારો કરતાં તે બેસી ગયો. કૅમેરા અને માઇકો ગોઠવાઈ ગયાં હતાં. વછરાજાનીએ કૅમેરામેનની ભાષામાં કહ્યું : “રોલ કૅમેરા.” બધા હસી પડ્યા. વછરાજાનીએ મોહન સામે જોતાં પૂછ્યું : “તમારા ધંધામાં ચાલુ ને?” મોહને કહ્યું : “અરે સાહેબ, તમે કોઈ પણ ધંધામાં ચાલો.” ત્યારે જ એક કૅમેરામેનનો અવાજ સંભળાયો : “સાઇલન્સ, રોલ કૅમેરા.” તરત વછરાજાનીએ ટેબલ ઉપર મૂકેલી પ્રેસનોટ ઉપર એક નજર કરતાં કહ્યું : “ઇન્સ્પેક્ટર વિનય છેલ્લા એક મહિનાથી એક ગુપ્ત માહિતી ઉપર કામ કરી રહ્યા છે. તેમને ઇન્ફર્મેશન મળી હતી કે, પાકિસ્તાની આંતકવાદી સંગઠન અને લશ્કર-એ-તોઇબા એ ગુજરાતમાં ભાંગફોડ કરવા માટે એક નવી યોજના બનાવી છે, જેમાં ૨૦૦૨નાં તોફાનોમાં જે મુસ્લિમોને નુકસાન થયું છે તેવા લોકોની લાગણીઓને ભડકાવી તેમને ઉશ્કેરી, તેમનો ઉપયોગ કરશે.” આ માહિતી ઉપર કામ કરતાં માલૂમ પડ્યું કે, ૨૦૦૨નાં તોફાનોમાં જમાલપુરમાં રહેતા જુનેદ નામની વ્યક્તિના પિતા માર્યા ગયા હતા અને તેનું ઘર પણ સળગાવી દીધું હતું. અગાઉ અમદાવાદના કુખ્યાત લતીફનો સાગરિત જે હાલમાં પાકિસ્તાનમાં છે તેણે જુનેદનો સંપર્ક કર્યો હતો. જુનેદ અને દીકરા મકસૂદને પહેલાં સાઉદી બોલાવ્યા અને ત્યાંથી પાકિસ્તાન ટ્રેનિંગ કૅમ્પમાં લઈ જવામાં આવ્યા હતા.

જ્યાં તેમને વારંવાર ૨૦૦૨નાં તોફાનોનો વીડિયો બતાવવામાં આવતો હતો. જ્યારે તેઓનું બ્રેઇનવૉશ થયું ત્યારે હથિયારો ચલાવવાની તાલીમ અને બૉમ્બ બનાવવાનું શિખવાડવામાં આવ્યું હતું. તેમને સાઉદીના રસ્તે ફરી ભારત મોકલવામાં આવ્યા હતા. તેમની મદદમાં મુંબઈના મુઝાબિલ અને જાહીદ નામની વ્યક્તિઓ પણ આવી હતી. પણ આ લોકો કોઈ ઘટનાને અંજામ આપે તે પહેલાં વિનયની સમય સૂચકતાને કારણે ચારેય પકડાઈ ગયા. તેમની પાસેથી ૬૨ લાખ રોકડા અને એક એ. કે. ૪૭ રાઇફલ મળી આવ્યાં હતાં.’

- Advertisement -

વછરાજાનીએ બોલવાનું બંધ કરતાં તરત આદેશે સવાલ પૂછ્યો : “સર, તેઓ ઑફિશિયલી પોતાના જ પાસપૉર્ટ ઉપર વિમાનમાર્ગે અમદાવાદ આવ્યા હતા, તો તેમની પાસે આટલા રોકડા રૂપિયા અને રાઇફલ કઈ રીતે આવ્યાં? કારણ ઍરપૉર્ટ સિક્યૉરિટીમાં તો પકડાઈ જાય.” “ગુડ ક્વેસ્ચન. અમે પણ ઇન્ટરોગેશનમાં તેમને આ સવાલ પૂછ્યો હતો. પણ બહુ રીઢા છે, તેમને પૈસા અને હથિયાર કોણે આપ્યાં હજી કહેતા નથી. જોકે બધું જ બોલશે.” તેના પછી સવાલો પૂછાતા રહ્યા. અચાનક વછરાજાની ઊભા થઈ ગયા અને કહ્યું : “થૅંક્સ ભાઈઓ, બધું આજે જ પૂછી નાખશો? આવતી કાલ માટે તો કંઈ બાકી રાખો.” પ્રેસ-કૉન્ફરન્સ તો પૂરી થઈ હતી. પણ વિનયને લાગ્યું કે સાહેબ જે કંઈ કહી રહ્યા હતા, તેમાંથી પંચાણું ટકા વાતની તો તેને પોતાને જ ખબર ન હતી. તેમણે જ્યારે જુનેદને પકડ્યો ત્યારે રૂપિયા મળ્યા હતા પણ એ. કે. ૪૭ તો મળી ન હતી! તે ક્યાંથી આવી હશે?

તે બહાર ઊભો રહી આ બધા પ્રશ્નો વિચારી રહ્યો હતો. ત્યાં જ વછરાજાનીનો વહીવટદાર મંગળ આવ્યો. તેણે સાહેબ બોલાવે છે તેવું કહેતાં, તે પાછો વછરાજાનીની ચેમ્બરમાં ગયો. વછરાજાની ચહેરા ઉપર રિલૅક્સ લાગતા હતા. તે વિનયનો ચહેરો જોઈ તેના સવાલો સમજી ગયા. તે બેસવાનો ઇશારો કરતા રહ્યા. “આ મિયાંઓને મોઢું બંધ રાખવાની ટ્રેનિંગ-કૅમ્પમાં તાલીમ મળે છે. જો તેં ઇન્ટરોગેશન કર્યું હતું તો ના જ બોલ્યા હોત.” મનમાં વિનય પણ તે વાત સાથે સંમત થતો હોય તેવો તેનો ચહેરો હતો. વાત આગળ વધારતાં તેમણે કહ્યું : “કેસ મજબૂત કરવા માટે ક્યારેક ખોટું કરવું પડે. નહીંતર ડિફેન્સ લૉયર આપણો પરસેવો પાડી દે. આ તો સારું છે કે, હમણાં કોર્ટો પણ આપણું સાંભળે છે, નહીંતર આ બધા બીજા દિવસે બહાર હોય.” વિનય કંઈ બોલ્યો નહીં.

વછરાજાનીને કંઈ યાદ આવ્યું હોય તેમ એ. કે. ૪૭ રાઇફલની વાત કાઢતાં કહ્યું : “દરેક કેસમાં આપણે નાઇન એમએમ પિસ્તોલ કે રિવૉલ્વર બતાવતા. ક્યારેક તો કંઈક મજબૂત લાગવું જોઈએ ને? એટલે આ વખતે એ. કે. ૪૭ બતાવી.” વિનય માની શકતો ન હતો કે પોલીસ કેવી રીતે એ. કે. ૪૭ લાવે? પણ વછરાજાની પાસે તેનો જવાબ હતો. તેમણે કહ્યું : “અરે ભાઈ આપણે સેન્ટ્રલ આઇબીવાળાની ઓછી સેવા કરીએ છીએ? મેં ઘોષને ફોન કર્યો હતો. તેમણે કહ્યું કે, વ્યવસ્થા થઈ જશે. આમ પણ કાશ્મીરી બોર્ડર ઉપર જે કંઈ હથિયારો પકડાય છે, તે બધાં કંઈ થોડાં રેકર્ડ ઉપર બતાવવામાં આવે છે? તેમાંથી એકાદ હથિયાર આપણને આપ્યું હશે.” વિનયને ડીસીપીની દૂરંદેશીની કાબેલિયત ઉપર માન થતું હતું. વછરાજાનીએ કહ્યું  : “જોજે વિનય, કન્વિક્શન માટેનો ફિટ કેસ છે.” વાત પૂરી થતાં તેણે ઘરે જવાની રજા લીધી. તે ઊભો થઈ રહ્યો હતો. ત્યારે વછરાજાનીએ કહ્યું, “પેલા આંગડિયાવાળાને હવે આ કેસમાં બોલાવતો નહીં. બિચ્ચારા સીધા માણસો છે, સર!” કહી વિનય બહાર નીકળ્યો.

- Advertisement -

તે બહાર નીકળી રહ્યો હતો ત્યારે તેની પાસે મંગળ આવ્યો. દરવાજાની બહાર આવી એક પ્લાસ્ટિક બૅગ હાથમાં પકડાવતાં કહ્યું : “સાહેબે આપવાનું કહ્યું હતું. દસ છે.” વિનયને હિસાબ સમજાયો નહીં. તેણે તેની સામે જોતાં કહ્યું : “જુનેદવાળા કેસના?” વિનયના મનમાં રોમાંચ થઈ ગયો. તે કંઈ પણ બોલ્યા વગર પોતાની સરકારી ગાડીની વચ્ચેની સીટમાં બેઠો. તેનાથી રહેવાયું નહીં. તેણે પ્લાસ્ટિક બૅગનું મોઢું ખોલી, અંદર નજર કરી તો એક એક હજારનાં દસ બંડલ હતાં. વિનય ઘરે પહોંચ્યો. ગાડીમાંથી ઊતરતા પહેલાં તેણે ખિસ્સામાં હાથ નાખી પાંચ હજાર રૂપિયા કાઢ્યા અને ડ્રાઇવરને આપતાં કહ્યું : “ઑપરેશનમાં બહાર હતો માટે આપવાના રહી ગયા.” ડ્રાઇવરે પૈસા લીધા અને માથે અડાડી પોતાના ખિસ્સામાં મૂક્યા. તેણે ડ્રાઇવરને સૂચના આપી : “આજે આવવાનો નથી.” પોલીસ-અધિકારીઓની કારમાં ફરજ બજાવતા ડ્રાઇવર, ઑપરેટર, ગનમૅન વગેરેને તેમનો જ અધિકારી દર મહિને તેની ઉપરની આવકમાંથી કંઈક આપતા હોય છે. તે રકમ નાની હોવા છતાં નાના પોલીસવાળા માટે મોટી હતી.

બીજી તરફ એટીએસની ઑફિસ એકદમ શાંત હતી. નિઝામ, રૂપા અને રામને અમદાવાદ લઈ આવ્યાં પછીનો કાર્યક્રમ ઘડાઈ રહ્યો હતો. જોકે હવેની યોજનામાં ક્રાઇમ-બ્રાન્ચને બાકાત રાખવામાં આવી હતી. ક્રાઇમ-બ્રાન્ચની ભૂમિકા નિઝામને અમદાવાદ લાવવા સુધીની જ હતી. એસીપી દિનેશ નાયર આગળના ઑપરેશનનો હિસ્સો થવા માગતા હતા, પણ તેમને ખબર ન હતી કે તેમની ભૂમિકા સમાપ્ત થઈ ગઈ છે. ઇન્દ્રસિંહ જાડેજા ઑફિસમાં આવ્યા ત્યાર બાદ તેમણે પોતાનું રૂટિન કામ પતાવી કૉન્સ્ટેબલને સૂચના આપી. થોડી વારમાં હાથકડી અને બુરખો પહેરેલી હાલતમાં બે પોલીસવાળા લૉકઅપમાંથી રામને લઈ આવ્યા. ઇન્દ્રસિંહે તેમને તેનો બુરખો અને હાથકડી ખોલી નાખવાની સૂચના આપી અને પોલીસને બહાર જતા રહેવાનું કહ્યું. પોલીસ જતાં ઇન્દ્રસિંહ ઊભા થયા અને રામના ખભે હાથ મૂકતાં કહ્યું : “અચ્છા કામ કિયા, અબ તૂ ગૅંગ સંભાલ લેના.” રામ બે હાથ જોડી ઊભો હતો, તેણે ડરતાં ડરતાં પૂછ્યું : “સા’બ, નિઝામ કા ક્યા કરેંગે?” ઇન્દ્રસિંહે કંઈ મોટી ઘટના નથી તેવું દર્શાવવા કહ્યું : “કુછ નહીં ભાઈ. અરે રાજસ્થાનવાલે નિઝામ સે નારાજ હૈ, પોલિટિકલ પ્રેશર ભી બહુત ઉસકો પકડને કે લિયે. એક-દો સાલ જેલમાં જાયેંગા… ઔર ક્યા?” પછી રામની આંખમાં જોતાં કહ્યું : “તેરે પાસ મોકાએ બડા હો જા, વો બહાર આયે તબતક લોગ ઉસે ભૂલ જાય ઐસા કામ કર દે.”

રામનું ધ્યાન વારે ઘડીએ ઇન્દ્રસિંહના ટેબલ ઉપર પડેલી પિસ્તોલ તરફ જતું હતું, ઇન્દ્રસિંહની આવી આદત હતી કે તે પોતાની નાઇન એમએમ પિસ્તોલ ટેબલ ઉપર મૂકતા હતા. કદાચ તે પોતાનો રુઆબ બતાવતા હતા અથવા કોઈ અજ્ઞાત ડર હતો કે તેમની ઉપર ગમે ત્યારે હુમલો થાય… એટલે વેપનને હાથવગું રાખતા હતા. ઇન્દ્રસિંહે રામને સમજાવતાં કહ્યું, “દેખ, કલ તેરે કો રાજસ્થાન પોલીસ લે જાયેંગી, વહાં તુઝે અરેસ્ટ દિખા દેંગે, ઔર જલદી યે જમાનત હો જાયેગી. નિઝામ કો મૈં યહાં અરેસ્ટ દિખા દૂં, જમાનત નહીં હોને દૂંગા. યહાં કી કોર્ટ મેં અપના સેટિંગ હૈ.” રામને બધું યોગ્ય લાગી રહ્યું હતું. નિઝામ સાથે દગો કરી રહ્યો હોવાનો થોડો કચવાટ પણ હતો, પણ તેને લાગતું હતું કે નિઝામની હાજરીમાં તેનું નામ ક્યારેય મોટું નહીં થાય. ઇન્દ્રસિંહે કૉન્સ્ટેબલોને બોલાવી સૂચના આપી કે “રામને જમાડી દો… સિમરનમાંથી મંગાવજો.” પોલીસ તેને ફરી લૉકઅપ તરફ લઈ ગઈ. શાહીબાગમાં નૉનવેજ માટે સિમરન જાણીતી રેસ્ટોરન્ટ હતી.

(ક્રમશ:)

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular