Friday, May 1, 2026
HomeGeneralતે દિવસે હું અમદાવાદ સિવિલમા પહોંચ્યો, અચાનક બ્લાસ્ટ થયો અને હું જમીન...

તે દિવસે હું અમદાવાદ સિવિલમા પહોંચ્યો, અચાનક બ્લાસ્ટ થયો અને હું જમીન ઉપર ફસડાઈ પડયોઃ પ્રદિપ પરમાર કેબીનેટ મંત્રી

- Advertisement -

પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): સાંજના સવાસાત થયા હતા, ટેલીવીઝન ચેનલો ઉપર અમદાવાદમાં શરૂ થઈ ગયેલા સીરીયલ બ્લાસ્ટના સમાચાર આવવા લાગ્યા હતા, મને પણ મારા મિત્રો અને કાર્યકરોના ફોન આવવા લાગ્યા હતા, હું પણ મારી પાર્ટીના સિનિયર નેતાઓને ફોન કરી રહ્યો હતો, મગજ સુન્ન થઈ ગયુ હતું હજી એક વિસ્તારની જાણકારી મળે તો બીજી જ મિનીટે બીજા વિસ્તારની જાણકારી આવી રહી હતી, શુ કરવુ તેની ખબર જ પડી રહી ન્હોતી, આખા અમદાવાદ શહેરની સ્થિતિ મારા જેવી હતી, પોલીસ-ફાયલ બ્રીગેડ અને એમ્યુલન્સની સાયરનની ચીચીયારીઓ ડરાવી રહી હતી, મેધાણીનગર-અસારવા મારૂ કાર્યક્ષેત્ર હોવાને કારણે મારા વિસ્તારમાંથી પણ ફોન આવી રહ્યા હતા, હું પ્રદિપસિંહ જાડેજા સાથે ઘણા વર્ષોથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ સાથે પણ સંકળાયેલો હોવાને કારણે મને સિવિલ હોસ્પિટલમાં શુ સ્થિતિ હશે તેનો વિચાર આવ્યો, પણ ત્યારે બધાનો મોબાઈલ ફોન જામ થવા લાગ્યા કારણ એક સાથે બધા જ મોબાઈલ ફોન કરી રહ્યા હોવાને નેટવર્કનો પ્રોબ્લેમ આવી રહ્યો હતો.



મને વિચાર આવ્યો, અમદાવાદમાં જયાં પણ બ્લાસ્ટ થયા છે તેના ઈજાગ્રસ્તોને સિવિલમાં લાવવામાં આવશે, અમારી ત્યાં જરૂર હતી, મેં સિવિલ હોસ્પિટલ જવાનો નિર્ણય કર્યો મારી સાથે જે મિત્રો હતા મેં તેમને કહ્યુ ચાલો આપણે સિવિલ જઈએ, અમે સિવિલ પહોંચ્યા, ત્યાં પ્રદિપસિંહ જાડેજા પણ આવી ગયા હતા, અમે ટ્રોમા સેન્ટર પાસે ઉભા હતા, ત્યારે ઈજાગ્રસ્તોને લઈ એમ્યુલન્સો આવી રહી હતી, લોકોની સ્થિતિ જોઈ હ્રદય હચમચી જાય તેવી સ્થિતિ હતી,, હજી તો અમે સ્થિતિને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, ત્યારે સાયરન વગાડતી એક એમ્યુલન્સ આવી ઉભી રહી, ડ્રાઈવરે એમ્યુલન્સની થોડી રીવર્સ કરી અને ટ્રોમા સેન્ટરના દરવાજા તરફ પાછળનો દરવાજો આવે તેવી રીતે એમ્યુલન્સ ઉભી રાખી પાયલોટ અને પેરા મેડીકલ સ્ટાફ નીચે ઉતર્યો અને ઉતાવળે ઈજાગ્રસ્તે ટ્રોમા સેન્ટરમાં લઈ જવા સેટ્રેચર લઈ બહાર નિકળ્યા, હું એમ્યુલન્સ પાસે ઉભો રહી ઈજાગ્રસ્તની સ્થિતિ જોઈ રહ્યો હતો.

અને એક પ્રચંડ ધડાકો થયો, આગનો એક ગોળો નજરે પડયો અને હું જમીન ઉપર ફસડાઈ ગયો, ઘડાકો એટલો પ્રચંડ હતો મારા કાન બહેર મારી ગયા હું જમીન ઉપર જ પડયો હતો, લગભગ પાંચ મિનીટ થઈ હશે મારી આંખ ખુલી મેં આસપાસ નજર કરી હું ડરી ગયો જે એમ્યુલન્સ પાસે હું ઉભો હતો તે સળગી રહી હતી મારી ચારેતરફ લોહી પાણીની જેમ વહી રહ્યુ હતું અનેકના હાથ પગ સહિતના વિવિધ અંગે મારી આસપાસ રમકડાની જેમ વેરાયેલા પડયા હતા, હજી કેટલાંક લોકો સળગી રહ્યા હતા ચારે તરફ ઘડાકાને કારણે કાળાશ વેરાઈ ગઈ હતી, મને શુ થયુ છે તેની મને ખબર જ ન્હોતી, મેં ઉભો થવાનો પ્રયત્ન કર્યો પણ ઉભો જ થઈ શકયો નહીં, મારી નજર મારા મિત્ર મહેશ તરફ પડી મેં તેને બુમ પાડી તે દોડતો મારા સુધી આવ્યો, પણ તે મને એકલો કેવી રીતે ઉપાડે તેણે મારો હાથ પકડયો અને રીતસર મને ખેંચી તે ટ્રોમા સેન્ટર તરફ લઈ ગયો તેણે મને દિવાલનો ટેકો આપી બેસાડયો.



હું બેઠો ત્યાર મને ખબર પડી કે મારા જમણા પગમાં પાનીથી લઈ જાંઘ સુધીના ફુરચા ઉડી ગયા હતા, પગમાંથી પુષ્કળ લોહી વહી રહ્યુ હતા, હું કણસી રહ્યો હતો પણ ટ્રોમા સેન્ટરની સ્થિતિ પણ સારી ન્હોતી ઘડાકાને કારણે ત્યાં હાજર ડૉકટરની લાશ પણ મેં ત્યાં પડેલી જોઈ હતી, મારી સાથે રહેલા મિત્રો ડરી ગયા હતા કઈ રીતે મને કરે અને કયા સારવાર આપવી તેની ચર્ચા કરી રહ્યા હતા, ચારે તરફ આંધાધુધી હતી, હું દિવાલને ટોકી કણસી રહ્યો હતો ત્યારે જ એક બીજો ધડાકો થયો, મારુ હ્રદય ધબકાર ચુકી જાય તેવો ધડાકો હતો, તે મેં જોયુ તો ટ્રોમા સેન્ટરની બરાબર સામે એક ઝાડ નીચે પાર્ક કરેલીમાં ધડાકો થયો હતો ધડાકાની આગ એટલી વિશાળ હતી કે 100 ફુટ ઉંચુ ઝાડ પણ સળગવા લાગ્યુ હતું, હવે શુ થશે તેની કોઈને કલ્પના ન્હોતી, મને હવે સારવારમાં કયાં લઈ જવો તે પ્રશ્ન હતો પણ ટ્રોમા સેન્ટર બહાર જે રીતે ઘડાકા થઈ રહ્યા હતા તેના કારણે મને લાગ્યુ કે હવે આ સ્થળ સલામત નથી.

મેં મિત્રનો કહ્યુ મને શાહીબાગમાં આવેલી રાજસ્થાન હોસ્પિટલ લઈ જાવ, ત્યાં મારા મિત્રોનું ધ્યાન પડયુ ત્યાં દોડી આવેલી પોલીસની એક ગાડી નજીકમાં ઉભી હતી, પોલીસવાળા પરિચીત હતા તેમની મદદ માંગી , પોલીસવાળા મદદ આવ્યા અને મને પોલીસની ગાડીમાં નાખી સિવિલના પાછળના દરવાજે રાજસ્થાન હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, ફરજ ઉપરના ડૉકટરોએ મારી તપાસ કરી મારા જમણા પગની બધી નસો ફાટી ગઈ હોવાને કારણે લોહી વહી રહ્યુ હતું સૌથી પહેલા મને વહેતુ લોહી બંધ થાય તેનું ઈજેંકશન આપ્યુ , ઘુટણની નીચેનો આખો ભાગ નિકળી ગયો હતો, સિનિયર ડૉકટરો આવ્યો તેઓ પણ મારી સ્થિતિ જોઈ અચંબીત થઈ ગયા, મારા મિત્રોને ડૉકટરે કહ્યુ અમે પ્રયત્ન કરીએ છીએ પણ જો તેમને બચાવવા હશે તો પગ પણ કાપવો પડશે.



ડૉકટરની સલાહ માનવા સિવાય કોઈ વિકલ્પ ન્હોતો, મને ઓપરેશન થીયેટરમાં લઈ જવામાં આવ્યો અનેક ભાગમાં સર્જરી કરવામાં આવી, મારી કપાઈ ગયેલી નસો ફરી જોડવામાં આવી , મને રૂમમાં લાવવામાં આવ્યો હું પથારીમાં પડયો હતો, પણ ટીવી ઉપર આવી રહેલા સમાચાર જોઈ અંદાજ આવ્યો હતો કે હું કેટલી મોટી ઘટનામાંથી બહાર નિકળ્યો, મારો પગ કામ કરશે કે નહીં તેની હજી ખબર ન્હોતી, ચાલીસ દિવસ પછી મને ડૉકટરે પહેલી વખત જમીન ઉપર પગ મુકવાનું કહ્યુ બહુ કળતર થઈ રહ્યુ હતું મેં ખુબ મહેનત કરી પગ જમીન ઉપર ટેકવ્યો, ડૉકટરના ચહેરા ઉપર ખુશી હતી, તેમની સર્જરી અને મારા મિત્રો પરિવારની પ્રાર્થના સફળ રહી, ડૉકટરે કહ્યુ તમે ચાલી શકશો પણ સમય લાગશે, હું પહેલાની જેમ ફરી ચાલતો થઉ તેના માટે પુરા બે વર્ષ લાગ્યા, ગુજરાતનો હું પહેલો અને છેલ્લો મંત્રી છુ જેણે 2008ના બોમ્બ ઘડાકા નજરે જોયા અને તેનો ભોગ પણ બન્યો.

- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.





Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular