નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ અમદાવાદમાં બે જુથો માત્ર એક બોટલના કારણે બાખડી પડ્યા હતા અને તેમના વચ્ચે પથ્થરમારો થઈ જતા તંગદીલી ભર્યો માહોલ બન્યો હતો. એટલો મોટો હોબાળો ઊભો થયો કે પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચને મામલો કાબુમાં કરવા વચ્ચે પડવું પડ્યું હતું. બાબત એવી હતી કે બે ચાલીના જુથો વચ્ચે ચાલીની બહાર પડેલી એક દારુની બોટલ ફેંકવા મામલે બોલાચાલી થઈ અને પછી તે ઝઘડો આક્રમક બની ગયો હતો.
અમદાવાદના ભુદરપુરામાં દારુની પડેલી બોટલ કોને નાખી ક્યાંથી આવી તેને લઈ બે જુથો વચ્ચે ઝઘડો થયો હતો. ઉલ્લેખનીય છે કે હાલમાં જ ગુજરાતમાં લઠ્ઠાકાંડ થયો ત્યારે પોલીસ સફાળી જાગી પરંતુ છત્તાં દારુને નાથવામાં કેટલી સફળ રહી તે સહુ જાણે છે. જો પોલીસની કાર્યવાહી હાલ સચોટ રીતે થઈ રહી છે તો આ બોટલ ક્યાંથી અને કેવી રીતે અહીં સુધી પહોંચી. બે જુથો વચ્ચે આ અથડામણનું કારણ શું ફક્ત આ બોટલ જ હતી કે પછી તેના પડદા પાછળ તંત્રની કામગીરી પણ પ્રશ્ન ઊભા કરી રહી છે?
ભુદરપુરામાં જ્યાં આ ઘટના બની ત્યાં પોલીસે તુરંત કાર્યવાહી હાથ ધરી મામલાને શાંત કર્યો છે. જોકે આગામી પ્રશ્નો સામે પોલીસ કેવી રીતે લડે છે તે જોવું રહ્યું. કારણ દારુની બોટલ અહીં સુધી કેવી રીતે આવી તે પ્રશ્ન હજુ પણ ઊભો જ છે. બંને જુથો વચ્ચેનો ટકરાવ અહીં તંગદીલીનો માહોલ ઊભો કરી ગયો છે.








