Tuesday, May 26, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદમાં રક્તરંજિત રાત: બહેરામપુરામાં 19 વર્ષીય બાઈક સવાર યુવકને રહેંસી નંખાયો, પેટમાં...

અમદાવાદમાં રક્તરંજિત રાત: બહેરામપુરામાં 19 વર્ષીય બાઈક સવાર યુવકને રહેંસી નંખાયો, પેટમાં છરીના ઘા ઝીંકી હત્યારો અંધારામાં ઓગળી ગયો!

- Advertisement -

નવજીવન ન્યૂઝ.અમદાવાદ: શહેરના કોટ વિસ્તારમાં ફરી એકવાર લોહીની હોળી ખેલાઈ છે. બહેરામપુરા વિસ્તારમાં શનિવારની રાત્રિ એક પરિવાર માટે કાળમુખી સાબિત થઈ હતી. માત્ર 19 વર્ષની કુમળી વયના એક યુવકને જાહેરમાં તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવતા ચકચાર મચી ગઈ છે. બાઈક પર જઈ રહેલા યુવકને આંતરીને અજાણ્યા હુમલાખોરે પેટના ભાગે જીવલેણ ઘા મારતા યુવક રસ્તા પર જ ઢળી પડ્યો હતો.

હીરાલક્ષ્મી ફ્લેટ પાસે બની લોહિયાળ ઘટના
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, બહેરામપુરા વિસ્તારમાં રહેતો 19 વર્ષીય હિમેશ પરમાર ગત રાત્રે પોતાના બાઈક પર જઈ રહ્યો હતો. જ્યારે તે હીરાલક્ષ્મી ફ્લેટ પાસેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે કોઈ અજ્ઞાત શખસે તેની સાથે તકરાર કરી હતી. વાત વણસતા ઉશ્કેરાયેલા શખસે હિમેશના પેટ અને શરીરના અન્ય ભાગો પર તીક્ષ્ણ હથિયાર (છરી જેવા સાધન) વડે આડેધડ ઘા ઝીંકી દીધા હતા. લોહીના ખાબોચિયામાં તરફડતા હિમેશને મૂકીને હુમલાખોર ત્યાંથી નાસી છૂટ્યો હતો.

- Advertisement -

સારવાર મળે તે પહેલાં જ દમ તોડી દીધો
ઘટનાની જાણ થતાં આસપાસના રહીશો દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં હિમેશને તાત્કાલિક એલ.જી. હોસ્પિટલ (LG Hospital) ખસેડ્યો હતો. જોકે, વધારે પડતું લોહી વહી જવાને કારણે અને ઘા ગંભીર હોવાથી સારવાર શરૂ થાય તે પહેલાં જ તેણે દમ તોડી દીધો હતો. યુવાન દીકરાના મોતના સમાચાર સાંભળીને પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

હત્યારો કોણ? પ્રેમ પ્રકરણ કે અંગત અદાવત?
બનાવની ગંભીરતા જોઈને કાગડાપીઠ પોલીસ અને ઝોન-6ના ઉચ્ચ અધિકારીઓ કાફલા સાથે દોડી આવ્યા હતા. ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે, “હત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે. મરનાર અને મારનાર વચ્ચે શું સંબંધ હતો કે પછી કોઈ લૂંટના ઈરાદે આ કૃત્ય થયું છે, તે દિશામાં તપાસ ચાલુ છે.” પોલીસે હાલ ઘટનાસ્થળના CCTV ફૂટેજ કબ્જે કર્યા છે અને શંકાસ્પદ લોકોની પૂછપરછ શરૂ કરી છે. હત્યારાનું પગેરું મેળવવા અલગ-અલગ ટીમો કામે લગાડવામાં આવી છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular