ડમ્પરના RTO રજિસ્ટ્રેશન નંબરમાં કરાયેલી ગંભીર છેડછાડનો FIRમાં ઉલ્લેખ
નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ અમદાવાદ શહેર જ નહીં રાજ્યભરમાં રોડ પર બેફામ દોડતા ડમ્પર અનેક વાહન ચાલકો અને રાહદારીઓનો જીવ લઈ ચૂક્યાં છે. આવી જ એક ઘટના શનિવારે સવારે અમદાવાદ શહેરમાં બની છે. મોપેડ પર જઈ રહેલાં 22 વર્ષીય એક યુવાન પર ડમ્પરના ટાયર ફરી વળતાં તેનું સ્થળ પર મોત નિપજ્યું છે. આ મામલે એમ ટ્રાફિક પોલીસે અકસ્માત સર્જનારા ડમ્પર ચાલક સામે ગુનો નોંધી ધરપકડ કરી છે.
શહેરના રસ્તા પર બેફામ દોડતાં ડમ્પરો પૈકીના એક ડમ્પરે શનિવારે સવારે સાતેક વાગે અમદાવાદના જુહાપુરા રોયલ અકબર ટાવર પાસેના રોડ પર અકસ્માત સર્જયો છે. આગળ-પાછળ નંબર પ્લેટ નહીં લગાવેલા તેમજ પાછળની બૉડી પર લખેલા નંબરમાં છેડછાડ કરેલા એક ડમ્પરે એક આશાસ્પદ યુવાનનો જીવ લઈ લીધો છે. આ મામલે મૃતક મુસ્તકીમના કાકા ડૉક્ટર મોહંમદ ઈકબાલ શેખે એમ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ડમ્પર ચાલક વિરૂદ્ધ ફરિયાદ આપી છે. ફરિયાદમાં જણાવાયું છે કે, ભત્રીજો મુસ્તકીમ સીદીક શેખ દવા લેવા માટે મોપેડ લઈને ઘરેથી નીકળ્યો હતો. યુવાન મુસ્તકીમ મેડિકલ સ્ટોર્સ પરથી દવા લઈને ઘરે પરત આવી રહ્યો હતો તે સમયે જુહાપુરા રોયલ અકબર ટાવર પાસે સરખેજ તરફથી વિશાલા સર્કલ તરફ આવતા એક ડમ્પરે મુસ્તકીમના મોપડેને અડફેટે લીધું હતું. મોપેડ પર ડમ્પરના ટાયર ફરી વળતા યુવાન મુસ્તકીમનું સ્થળ પર મોત નિપજ્યું હતું.
અત્રે નોંધનીય છે કે, ફરિયાદીએ ડમ્પરના આરટીઓ રજિસ્ટ્રેશનમાં કરાયેલી છેડછાડનો FIR માં ઉલ્લેખ કર્યો છે. ટ્રાફિક પોલીસે આ કેસમાં ડમ્પર ચાલકની ધરપકડ કરી છે. જોકે, પકડાયેલા આરોપી પાસે હેવી વાહન ચલાવવાનું લાયસન્સ છે કે નહીં તે અંગે ટ્રાફિક પીઆઈ પાસે Navajivan News ના પ્રતિનિધિએ પૂછેલા પ્રશ્નનો સ્પષ્ટ જવાબ ન હતો.








