દિલ્હી અને મુંબઈથી ટ્રાન્સપોર્ટમાં 1008 બીયરના ટીન મગાવનાર સૂત્રધાર અમદાવાદમાંથી રંગે હાથ ઝડપાયો
નવજીવન ન્યૂઝ, અમદાવાદ: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં યેનકેન પ્રકારે વિદેશી દારૂ-બીયર ઘૂસાડવામાં આવે છે. ખોટા જીએસટી નંબરનો ઉપયોગ કરી ટ્રાન્સપોર્ટમાં વિદેશી શરાબ મગાવવાનું એક અલગ જ નેટવર્ક છેલ્લાં લાંબા સમયથી ચાલી રહ્યું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચના પીઆઈ એમ. એલ. સાળૂંકે (PI M L Salunke)ની ટીમે પોર્ટર એજન્સીના ડ્રાઈવરની મદદથી જુદાજુદા ટ્રાન્સપોર્ટમાં આવેલો 1.81 લાખની કિંમતનો બીયર જપ્ત કર્યો છે. બીયરનો જથ્થો મગાવનાર અમદાવાદના સૂત્રધારો પૈકી એકને રંગે હાથ પકડી પાડ્યો છે.
એક પકડાયો, 4ને વૉન્ટેડ
અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમો ભૂતકાળમાં અનેક વખત ટ્રાન્સપોર્ટમાં આવેલો લાખો રૂપિયાનો વિદેશી દારૂ પકડી ચૂકી છે. જો કે, આ વખતે ક્રાઈમ બ્રાંચે દારૂની હેરફેર કરનારી સિન્ડીકેટના સૂત્રધાર હિતેશ લખવારા (ઉ.23, રહે. લખવારા સોસાયટી, મોટેરા, અમદાવાદ)ને ઝડપી લીધો છે. ક્રાઈમ બ્રાંચ ખાતે નોંધાયેલી ફરિયાદમાં હિતેશ લખવારાના ભાગીદાર અશરફ, મુંબઈથી ટ્રાન્સપોર્ટમાં દારૂ મોકલનાર રૂષભ ગાલા ઉર્ફે રમેશ, મોટેરાનો દિલીપ ઠાકોર અને રાજકોટના પ્રિયેશ સોલંકી ઉર્ફે આશિષ સહિતના શખસોને ફરાર દર્શાવાયા છે.
પોલીસથી બચવા આરોપી શું કરતો હતો ?
ટ્રાન્સપોર્ટમાં ખોટા જીએસટી નંબરના આધારે દારૂના પાર્સલ મગાવનાર આરોપી સુધી પોલીસ પહોંચી ન શકે તેનું આરોપી હિતેશ ખાસ ધ્યાન રાખતો હતો. જુદીજુદી ટ્રાન્સપોર્ટમાં અલગ અલગ નામે પાર્સલમાં દારૂ મગાવ્યા બાદ તેની ડિલિવરી લેવા આરોપી જતો ન હતો. બે-ચાર દિવસ બાદ પોર્ટર નામની એપ્લિકેશન પર ટ્રાન્સપોર્ટમાંથી પાર્સલ મગાવી નિર્ધારિત સ્થળે પહોંચે તે પહેલાં જ પોર્ટરના ડ્રાઈવર સાથે ગોઠવણ કરી રસ્તામાંથી દારૂ ભરેલા પાર્સલ હિતેશ અને તેનો સાથી અશરફ મેળવી લેતા હતા.
પોર્ટરના ડ્રાઈવરની મદદથી આરોપી પકડાયો
હિતેશ લખવારાને ઝડપી લેવા માટે ક્રાઈમ બ્રાંચની ટીમે પોર્ટર એજન્સીના ડ્રાઈવર સાથે ગોઠવણ કરી લીધી હતી. પોર્ટરમાં પાર્સલ મગાવવા માટે બુક કરાવીને હિતેશ સથવારા રસ્તામાંથી બીયરનો જથ્થો મેળવી લેવાની રાહ જોતો હતો ત્યારે પોલીસ ટીમ પહોંચી ગઈ હતી. બીયરના જથ્થા સાથે ઝડપાયેલા હિતેશની પૂછપરછમાં તેણે સરખેજ, ઠક્કરનગર અને પીપળજ વિસ્તારમાં આવેલા ટ્રાન્સપોર્ટમાં પડેલા બીયરના પાર્સલોની કબૂલાત કરતા પોલીસે તે પણ કબજે લીધા હતા.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








