નવજીવન ન્યૂઝ, અમદાવાદ : અમદાવાદ એરપોર્ટ ખાતે આવેલી ગુજસેલ ઑફિસ (Gujsail Office) તેમજ શહેરની વિવિધ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારા શખસને સાયબર ક્રાઈમ બ્રાંચ અમદાવાદે (Cyber Crime Branch Ahmedabad) ઝડપી પાડ્યો છે. પકડાયેલો 40 વર્ષીય ભાવેશ પટેલ કન્સ્ટ્રકશન અને ઇવેન્ટ મેનેજમેન્ટના વ્યવસાય સાથે સંકળાયેલો છે. ધમકી આપવાના મામલામાં ભાવેશ પટેલના ઈ-મેઈલ આઈડીનો ઉપયોગ અન્ય કોઈ શખસે કર્યો હોવાની આશંકા ડીસીપી ડૉ. લવિના સિંહા (Dr Lavina Sinha) એ વ્યક્ત કરી છે. અત્રે નોંધનીય છે કે, પકડાયેલો આરોપી અને તેની પાર્ટનર એરપોર્ટ ખાતે ઈવેન્ટ મેનેજમેન્ટનું અનેક વખત કામ કરી ચૂક્યાં છે.
ગત 25 માર્ચના રોજ એરપોર્ટ ઓથોરિટી (Airport Authority) ને એક ધમકીભર્યો ઈમેઈલ મળ્યો હતો. જેમાં લખ્યું હતું કે, ‘જો અગાઉ પકડાયેલા આરોપી સૌરભ વિશ્વાસને મુક્ત કરવામાં નહીં આવે તો ગુજસેલ એરપોર્ટ અને શાળાઓમાં બોમ્બ બ્લાસ્ટ (Ahmedabad Bomb Threat Case) કરવામાં આવશે.’ આ મેઈલ બાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી અને સાયબર ક્રાઈમે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. તપાસ ટીમને આ મેઈલ ‘bhavesh4518’ નામના આઈડી પરથી મોકલવામાં આવ્યો હોવાની જાણકારી મળતા પોલીસ આરોપી સુધી પહોંચી હતી. આરોપીના મોબાઈલ ફોનની તપાસ કરતા રિસાયકલ બિનમાંથી ડિલીટ કરી દેવાયેલા મેઈલના પુરાવા હાથ લાગ્યા હતા.








