નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ Ahmedabad News: અમદાવાદ બસ સ્ટેશનનું નવીનીકરણ કરીને ભલે સ્માર્ટ બનાવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોય, પરંતું આ બસ સ્ટેશનમાં યાત્રિકો કેટલા સુરક્ષિત છે તેને લઈને અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે. ગઈકાલે ગીતામંદિર બસ સ્ટેન્ડમાં (Gita Mandir Bus Stand) ટપોરીઓ (Anti Social Elements) દ્વારા એક મુસાફરને માર મારવામાં આવ્યો હતો. સાથે જ એસટી વિભાગના (GSRTC) સ્ટાફ જોડે અભદ્ર વર્તન કરવામાં આવ્યું હતું. જેના વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ (Video Viral) થઈ રહ્યા છે.
અમદાવાદના એસટી બસ સ્ટેશનમાં કેટલાક અસામાજીક તત્વો દ્વારા મુસાફરને માર મારવામાં આવ્યો હોવાની ઘટના બની હતી. બસ સ્ટેશન પર લગાવામાં આવેલા CCTV કેમેરામાં લુખ્ખાતત્વોની કરતુતો કેદ થઈ હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે, રાત્રિના સમય દરમિયાન બસ સ્ટેશનમાં રહેલા બે લોકો મુસાફરો અને એસટીના સ્ટાફ સાથે મારા-મારી કરી રહ્યા છે. બે ટપોરીઓ પૈકીના એકે મુસાફર પર પતરી વડે હુમલો કર્યો હતો.
જોકે મુસાફર પર હુમલો કરવામાં આવતા આસપાસના અન્ય મુસાફરો અને એસટી વિભાગનો સ્ટાફ એકત્રીત થઈ ગયો હતો. આ દરમિયાન ટપોરીની કરતૂતનો વીડિયો લઈ રહેલા એક સ્ટાફ પર ખુરશી ફેંકીને હુમલો કરવામાં આવ્યો હતો. ટપોરીઓની હરકતોના કારણે સ્થળ પર હાજર લોકોએ બંને ટપોરીને ઝડપીને પોલીસના હવાલે કર્યા હતા. પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કર્યા વગર જ છોડી મુકવામાં આવતા બંને ટપોરી ફરી બસ સ્ટેશનમાં ધુસી આવ્યા હતા અને કર્મચારી અને મુસાફરોને ધમકી આપવાનું શરૂ કર્યું હતું. આ બંને ટપોરીઓ બસ સ્ટેશનમાં આવેલી દુકાનો પરથી રૂપિયા 100નો હપ્તો ઉધરાવતા હોવાનો પણ સ્થાનિકો દ્વારા દાવો કરવામાં આવ્યો છે. ગત 25 એપ્રિલના રોજ પણ આ ટપોરીઓએ ગાળાગાળી કરીને તોડફોડ કરી હતી. અગાઉ એક વેપારી દ્વારા લુખ્ખા તત્વો સામે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તેમ છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન કરવામાં આવી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે.








