નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ Ahmedabad News: હાલ સોશિયલ મીડિયા પર અમદાવાદની ‘એમ્પ્યુટી ચા‘ની (Ampu Tea) લારી ખુબ વાયરલ થઈ રહી છે. આ ચા એટલા માટે વિખ્યાત થઈ રહી છે કારણ કે તેની માલિક નેહા ભટ્ટ (Neha Bhatt) એક પગ કપાઈ ગયો હોવા છતાં તેણે પગભર થવા ચાની લારી ખોલી સપનાની ઉડાન ભરવા પ્રયાસ કર્યો છે. નેહા ભટ્ટની આ પ્રવૃત્તિ ભલભલા મોટિવેશનલ સ્પીકરોને પણ મોટિવેટ કરે તેવી હોય લોકો તેની ખુબ સરાહના પણ કરી રહ્યા છે. પરંતુ હવે નેહા ભટ્ટને અમદાવાદ મહાનગરપાલિકાના (AMC) કર્મચારીઓનો કડવા અનુભવ થતા તે રડી પડી હતી. આ દૃષ્યો વાયરલ થતા સોશિયલ મીડિયા પર સરકારી તંત્ર પર ફિટકાર વરસી રહી છે. ત્યારે નેહા ભટ્ટ આ મામલે રજૂઆત કરવા માટે ગુજરાત વિધાનસભા પર પહોંચ્યા હોવાના અહેવાલ છે.
અમદાવાદમાં અકસ્માતમાં એક પગ ગુમાવ્યા બાદ પણ પગભર થવા માટે રિવરફ્રન્ટ ચા ટી સ્ટોલ શરૂ કરનારી યુવતી નેહા ભટ્ટ છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. જેના કારણે યુવતીની હિમંતને બિરદાવવા અને તેની ચાનો આનંદ લેવા માટે એમપ્યુટી ટી સ્ટોલ પર આવી રહ્યાં છે. પરંતુ ગઈકાલે નેહા ભટ્ટનો વધુ એક વીડિયો વાયરલ થયો હતો જેમાં નેહા ભટ્ટ તંત્રના કારણે રડતા જોવા મળી હતી. ઉપરાંત ટી સ્ટોલ દૂર કરવામાં આવતા તેણીએ અનેક આક્ષેપો પણ કર્યા હતા.
AMC વાળા પૈસા ખાઈ છે!
અમદાવાદના રિવરફ્રન્ટ સામે ટી સ્ટોલ શરૂ કરનારી વિકલાંગ નેહા ભટ્ટના વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે તેણી પોલીસ સમક્ષ પોતાની આપવિતી રજૂ કરી રહી છે. જેમા તે જણાવે છે કે તમે વિકલાંગ દીકરીને હેરાન કરી રહ્યા છો, પ્રેમથી કહ્યું હોત કે સી.એમ. સાહેબ આવવાના છે તો હું સામેથી જ જતી રહેતી ને, હું પણ રિસ્પેક્ટ કરૂં છું, હું કોઈનું ખરાબ નથી કરતી, આટલી બધી લારીઓ ચાલી રહી છે, કોઈને હટાવતા નથી, પરંતુ રોજ મને હેરાન કરો છો, પ્રેમથી કહ્યું હોત કે આજે સાહેબ આવવાના છે તો આજે નહીં કાલી આવી જાત, પૈસા ખાઈને આ લોકો લારીઓ ઉભી રાખે છે, મારી પાસે રેકોર્ડિંગ છે, તેમના માણસો કાલે કહીને ગયા કે લારી ઉભી ન રાખતા, AMC વાળા આવવાના છે, આજે એક પણ લારી નથી આવી.
આપઘાત ન કરવો પડે એટલે આ કરૂં છું!
વધુમાં યુવતી જણાવી રહી છે કે, હું સાબિતી વગર નથી બોલતી, વિકલાંગ દીકરીને હેરાન કરો છો, હું કંઈ કચરો છું અહીંનો, કે મને નાંખો ગાડીમાં, ગરીબ છું એટલે મહેનત કરું છું, મારા મા-બાપ સાથે બેસું છું અહીં, ચોરી નથી કરતી. ભીખ નથી માંગતી, કોઈને મારતી નથી, ગુજરાતની બધી પબ્લિક મને સપોર્ટ કરે છે, રોજના હજારો લોકો પરિવાર સાથે ચા પીવા આવે છે. 10 રૂપિયામાં ખાલી હું આપઘાત ન કરું, ડિપ્રેશનમાંથી બહાર નીકળું એટલે અહીં આવી છું.
કોણ છે નેહા ભટ્ટ
નેહા ભટ્ટ મૂળ ભાવનગર જિલ્લાના મહુવાના સામાન્ય પરિવારમાંથી આવતી યુવતી છે. આર્થિક પરિસ્થિતીના કારણે 12 ધોરણ પછી તેણીએ અભ્યાસ છોડવો પડ્યો હતો. ત્યારબાદ PTCનો કોર્સ કરી શાળામાં નોકરી મેળવી. નોકરી મળતા ભાડાના નાના મકાનના બદલે પોતાનું ઘર લેવાનું નક્કી કરીને બેન્કમાં લોન લેવા માટે અરજી કરી હતી. બેન્કમાંથી નેહાને ફોન આવતા તે અમદાવાદથી મહુવા ST બસમાં જઈ રહી હતી તે દરમિયાન બગોદરા પાસે બસનો અકસ્માત થયો. આ અકસ્માતમાં તેણી ઈજાગ્રસ્ત થતાં તેનો એક પગ કાપવો પડ્યો. જોકે જીવનના પડકારો સામે હારી જવાના બદલે તેણીએ રિવરફ્રન્ટ પર ‘એમ્પ્યુટી’ નામથી પોતાની ટી સ્ટોલ શરૂ કરી છે.
TAG: Ahmedabad News, AmpuTea Stall Rivorfront Ahmedabad, Amputee Neha Bhatt
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








