નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ અમદાવાદમાં સફાઈ કર્મચારી દ્વારા છેલ્લા કેટલાક મહિનાઓથી પોતાની પડતર માગને લઈને એએમસી સામે વિરોધ નોંધાવી રહ્યા છે. ત્યારે આજે ફરીએકવાર તંત્ર સામે પોતાની માગણીઓ લઈને વિરોધ પ્રદર્શન નોંધાવ્યું હતું. આ દરમિયાન કેટલાક કર્મચારીઓએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે કેટલાકની તબિયત લથડી હતી. જેમને સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
અમદાવાદના ઘુમા અને બોપલ વિસ્તારને એએમસીમાં સમાવેશ કરવામાં આવ્યા બાદ નગરપાલીકાએ 53 જેટલા સફાઈ કર્મચારીઓનું લિસ્ટ કોર્પોરેશનને આપવામાં આવ્યું હતું. 53 કર્મચારીઓને 2 સપ્ટેમ્બરના રોજ રોજિંદા કર્મચારી તરીકે નિમણૂક કરતાં આજે વિવાદ થયો છે. કેટલાક કર્મચારીઓને નિમણૂક કરવામાં ન આપવા સફાઈ કર્મચારી દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
બોપલ વિસ્તારમાં સફાઈની કામગીરીને લઈને કેન્દ્રીય ગૃહ અમિત શાહની સૂચના બાદ AMCના ત્રણ ડેપ્યુટી કમિશનરની કમિટીએ નગરપાલીકાએ આપેલા રેકોર્ડ અનુસાર 53 સફાઈકર્મચારીઓને રોજિંદા કર્મચારી તરિકે નિમણૂક આપતા વિવાદ વકર્યો હતો. જેના કારણે ત્રણ સફાઈકામદારે વિરોધ પ્રદર્શન દરમિયાન ફેનાઈલ ગટગટાવ્યું હતું. જેના કારણે તબિયત લથડતા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હાલમાં ત્રણેની સારવાર ચાલુ છે.








