નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ આમ આદમી પાર્ટી (આપ)ના વેજલપુરના ઉમેદવાર કલ્પેશ પટેલ (ભોલા)નો દારુ પાર્ટી કરતો અને હુક્કા પીતો વીડિયો અને ફોટોઝ હાલ વાયરલ થવા લાગ્યા છે. જ્યાં એક તરફ આમ આદમી પાર્ટી દ્વારા સ્વચ્છ છબી ધરાવતા ઉમેદવારો જાહેર કર્યા હોવાનો દાવો કરાઈ રહ્યો છે અને હાલમાં જ જ્યારે તેમણે ત્રીજી યાદી જાહેર કરી છે ત્યારે આપના ઉમેદવારના આ પ્રકારની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી છે. જોકે આ ફોટોઝ તેમણે સોશિયલ મીડિયા પર ઘણા સમય પહેલા જાહેર કર્યા હતા જે ફોટોઝ વીડિયો હાલ વાયરલ થવા લાગ્યા છે.

ગુજરાતમાં દારુ પીનારાઓની સંખ્યા ઘણી છે, જેમાં કાયદેસર અને ગેરકાયદે દારુ પીનારાઓનો પણ સમાવેશ થાય છે. જોકે દારુ પીવો અને વેચવો ગુજરાતમાં ગેરકાયદે છે સિવાય કે તેની કાયદેસરની પરમીટ હોય. હાલમાં જ ગુજરાતમાં ચૂંટણીનો માહોલ છે ત્યારે દારુની રેલમછેલ કરવાવાળાઓની સામે કાયદાની પણ ચાંપતી નજર છે કારણ કે હાલમાં જ લઠ્ઠાકાંડને કારણે સરકારની છબી લોકો સામે ઉપસીને આવી ગઈ હતી. દારુનીતિને લઈ દિલ્હીમાં પણ આમ આદમી પાર્ટી પર વિવિધ આક્ષેપો કરવામાં આવ્યા છે ત્યારે ગુજરાતમાં આપ દ્વારા જાહેર કરાયેલા વિધાનસભા ચૂંટણીના ઉમેદવારો પૈકીના એક એવા વેજલપુરના ઉમેદવારનો દારુ પાર્ટી કરતો વીડિયો અને તસવીરો હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.








