‘બદલાતા સમય સાથે માણસ બદલાઈ રહ્યો છે, માણસ સંવેદન બાબતે બુઠ્ઠો થઈ રહ્યો છે!’આવું બુદ્ધિજીવીઓ અને વિદ્વાનો માની રહ્યા છે. ચાલો માની લઈએ કે, સાવ ખોટું નથી તો સાવ સાચું પણ નથી જ!બદલાતા સમય સાથે માણસની સંવેદનાઓ વ્યક્ત કરવાનાં માધ્યમો બદલાયા છે પણ એથી કાંઈ ફિલિંગ્સ સાવ મરી પરવારી નથી. હા, એટલે કાગળ લખવાનો જે રોમાન્સ હતો એ કદાચ અમારી પેઢી નથી જાણતી પણ સામેવાળી વ્યક્તિ તમારો વ્હોટ્સેપ મેસેજ વાંચી લે છે, એ પછી એ જવાબ ટાઈપ કરે ત્યાં સુધી સ્ક્રીન પર જે ‘Typing…’લખાયેલું આવતું હોય છે એ રોમાન્સ પત્રથી જુદો છે પણ ઓછો નથી. મેસેજ ચેટિંગમાં ‘બ્લૂ ટિક’ બહુ બધા જવાબોની શક્યતા રજૂ કરતી હોય છે તો આ જનરેશન એ બ્લૂ ટિકની મજા માણી રહી છે. એથી કંઈ પેલો પત્રવ્યવહાર ઓછો મૂલ્યવાન સાબિત નથી થતો. તો ચેટિંગની આખી પરંપરા પણ કાંઈ માત્ર સામાજિક બગાડ સાબિત નથી થતી. પોતાની જાતને અને પોતાની લાગણીઓને રજૂ કરવાનું આ એક અનોખું માધ્યમ છે.

કોઈ પોતાના ગમતીલા માણસને કાગળ લખે અને પછી જવાબ આવવાની રાહ જુએ. ટપાલી રસ્તામાં જેટલીવાર મળે એટલીવાર એને ઊભો રાખીને પોતાનો કોઈ કાગળ આવ્યો કે નહીં એ વિશેની તપાસ કરતા રહેવાનું. કાગળ આવ્યા પછી એ કાગળમાં પોતાનો કોઈ ઉલ્લેખ છે કે નહીં એ સતત જોતા રહેવાનું એ વાતનો રોમાન્સ અને રોમાંચ એક આખી પેઢીએ માણ્યો છે. અચ્છા, તમે કદાચ માનશો નહીં પણ આ રોમાન્સ અને રોમાંચ અત્યારની પેઢીમાં પણ અકબંધ છે. ફેસબુક પર ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલવી. એ મોકલ્યા પછી સતત ફોન ચેક કરતા રહેવાનું કે, એણે ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકારી કે નહીં. એ માટે સતત નોટિફિકેશન જોતા રહેવાનું, જેને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હોય એની ટાઈમલાઈન સતત જોતા રહેવાની કે મારી ફ્રેન્ડ રિકવેસ્ટ એણે ખરેખર જોઈ જ નથી કે જોઈને અવગણીને એણે પોતાની કોઈ બીજા જ પ્રકારની પોસ્ટ મુકી છે! તાલાવેલી એ જ છે, રાહ જોવાની આખી વાત પણ એ જ છે. ગમતી વ્યક્તિની પાછળ એક સમયે ચૂપચાપ જાસૂસી કરવાની એક મજા હતી. એ ક્યાં જાય છે, કોને મળે છે, એને શું ગમે છે. એને કશું કહેવાનું નહીં, બસ દૂર ઊભા ઊભા એને જોયા કરવાની. એનું હસવાનું, એનું બિન્દાસ ફરવાનું, એનું તાળીઓ આપવાનું, બોર વીણવાનું, વડવાઈના હિંચકે એનું બેફામ હિંચકવાનું કે નદીમાં પાણી સાથે બેફિકર બનીને ન્હાવાનું. આ બધું એક આખી પેઢી વડલાની, ઝાડીઓની, સાયકલની, દિવાલોની અને પ્રસંગોની આડશમાં જોઈને રાજી રહેતી. પ્રેમનો આ પણ એક પ્રકાર હતો કે, સામાવાળાને કહેવાનું પણ નહીં અને કોઈ અપેક્ષા વગર પણ બસ એને ગમાડ્યા કરવાના. તમે માનશો?આજે પણ આ વાત એટલી જ જીવંત છે. હવે ગમતા પાત્રની પાછળ સાયકલ લઈને દોડવું નથી પડતું. મોબાઈલની સ્ક્રીન પર એની ટાઈમલાઈન ફોલો કરતા રહેવાની, એણે મુકેલા દરેક ફોટો પર ‘લવ’ કે ‘વાઉ’ રિએક્ટ કરવાનું, દરેક ફોટો નીચે કમેન્ટ કરતા રહેવાની, અથવા લાઈક, કમેન્ટ વગર પણ એ દરેક ફોટો જોયા કરવાનો જેમાં તમારી ગમતી વ્યક્તિનું હોવાપણું છલકાતું હોય. પ્રેમ અને પીડા આ બે એવી વસ્તુ છે જેને માપવાનું કોઈ પ્રમાણમાપ નક્કી નથી થયું. જો કોઈ ચોક્કસ પ્રમાણમાપ નક્કી થયું હોત તો તો જગતના બહુ બધા સંબંધોનું ઢાંકેલું સત્ય બહાર પડી જાત. કોઈપણ સંબંધ બાબતે અને વ્યક્તિ બાબતે સૌની પોતપોતાની તિવ્રતમ લાગણીઓ હોય છે જેને એકબીજાની લાગણીઓ સાથે કંપેર ન કરી શકાય. સમય સાથે કશું સ્થિર નથી, કોઈ વ્યક્તિ માટેની લાગણી પણ નહીં! તો પછી એક પેઢી અને તેની રીતભાતના આધારે બીજી પેઢીની સમજ અને સંવેદના માપવી એ મૂર્ખામી છે. જરૂરી નથી કે, જે રસ્તા પરથી લોકો ઠેબા ખાઈ ખાઈને પસાર થયા છે એ રસ્તાના ઠેબા બીજી પેઢી ખાય જ, એને ઠેકી શકવાની સમજ જો નવી પેઢીમાં છે તો એને પૂરી આઝાદી છે. એક સમયે કોઈ વાળમાં ગુલાબનું ફૂલ મુકવા આંગળીઓ તલપાપડ હતી અને શરમ સંકોચથી કશું કરી શકતી નહોતી, કંઈક આવી જ હાલત આજની પેઢીની પણ છે. ગમતી વ્યક્તિના ફોટો નીચે કમેન્ટ લખવા કે એ ફોટોમાં ‘લવ’ રિએક્ટ કરવા આંગળીઓ કર્સરને વિનવી વિનવીને થાકી જાય પણ શરમ સંકોચ કશું થવા જ નથી દેતાં!
સમય બદલાય છે પણ સંવેદનાઓ શાશ્વત રહે છે. એને વ્યક્ત કરવાનાં માધ્યમ બદલાય છે પણ વ્યક્ત કરનારાની મનોદશા નથી બદલાતી. પ્રેમ પ્રેમ જ છે, એ ઈશ્ક, મહોબ્બત કે લવ એવા કોઈપણ નામના વાઘા પહેરે પણ એનો ગુલાબી રંગ અકબંધ રહે છે. સંવેદનાઓ ચામડીનાં પડની અંદર, છલકાતી આંખોની અંદર, અધૂરાં રહી ગયેલા સ્પર્શની અંદર, અડકતાં અડકતાં રહી ગયેલા બે હોઠની વચ્ચે, ટકરાયેલા બે શ્વાસની અંદર, કોઈના પાછું વળીને જોયાની ક્ષણની અંદર કે કોઈ ગલીના નાકે બિન્દાસ ફેંકાયેલાં સ્મિત પર, કોઈની છૂટી પડેલી લટની અંદર, કોઈ દુપટ્ટામાં ગુંચવાયેલી બે આંગળીઓ વચ્ચે, નીચી નમી રહેલી લાંબી પાંપણોની અંદર, ચેટિંગની બ્લૂ ટિકની અંદર, કોઈ પ્રોફાઈલ પિક્ચર પર ફરી રહેલાં કર્સરની અંદર, એકબીજાના એંઠા કૉફીના કપની કિનારી પર, અંધારામાં સ્પર્શનાં શોધાયેલાં સરનામા પર, અધૂરી સિગારેટના કશની અંદર, ચોળાયેલા ટીશર્ટની સુગંધમાં અને કોઈ જુનાં પુસ્તકનાં પાના વચ્ચે સુકાઈને સચવાયેલાં ગુલાબની પાંદડીઓમાં પ્રેમ અકબંધ છે, અખંડ છે, પાણીદાર છે અને તલપાપડ છે!








