Saturday, March 15, 2025
HomeGujaratમેડિકલ જગતના ચમત્કાર શેના પુરાવા આપે છે?

મેડિકલ જગતના ચમત્કાર શેના પુરાવા આપે છે?

- Advertisement -

સિદ્ધ થયેલાં પ્રયોગો પર વિજ્ઞાન ખડું છે,જેની સિદ્ધતા પુરવાર થઈ નથી વિજ્ઞાન તેને ધ્યાનમાં લેતું નથી. તેમાં પણ સ્વાસ્થ્ય સંબંધિત ઇલાજ અર્થે વિજ્ઞાનમાં જે શોધ-સંશોધન થાય છે તેના પ્રયોગો તો નિયમિત રીતે ચોક્સાઈપૂર્વક થાય છે. જોકે,તેમ છતાં મેડિકલ જગતમાં ઘણી એવી ઘટના છે જેનો કોઈ ઠોસ જવાબ વિજ્ઞાનને પણ મળતો નથી. તર્ક અને પ્રમાણના એરણ રહેલાં વિજ્ઞાન, ખાસ કરીને મેડિકલ જગતે પણ અમુક વખત સામાન્યજનની જેમ શ્રદ્ધા, વિશ્વાસ જેવી બાબતોને આધારે ચાલવું પડે છે. અને ક્યારેક આધ્યાત્મિક શક્તિના દ્વારા થતા હિલીંગનો સ્વીકાર ન ટકે પણ કરવો પડે છે. હાલમાં જ સામાન્ય જન માટે ચમત્કાર તરીકે લેખાવી શકાય તેવી એક ઘટના બેંગલુરુમાં બની હતી. એક વ્યક્તિ તેના મસ્તિષ્કના ઓપરેશન દરમિયાન ગિટાર વગાડતો હતો!મોટાભાગના મીડીયામાં આ કિસ્સાની ખાસ્સી એવી ચર્ચા પણ થઈ હતી. કારણ કે મસ્તિષ્કના કોઈ પણ ભાગમાં નાની સરખી સર્જરી પણ ક્રિટીકલ હોય છે,ત્યારે આ કિસ્સામાં તો દરદી ચાલુ ઓપરેશને ગિટાર વગાડતો હતો, જે કોઈ ચમત્કારથી કમ નથી. અલબત્ત આ કિસ્સામાં ડોક્ટરોએ જ દરદીના સફળ ઇલાજ અર્થે ગિટાર વગાડવાનું સૂચન કર્યું હતું! જેમની સર્જરી થઈ તે અભિષેક પ્રસાદ ગિટારવાદક જ છે અને તેઓ ન્યૂરોલોજિકલ ડિસઓર્ડરથી પીડાતા હતા. તેમની ફરિયાદ હતી કે જ્યારે તેઓ ગિટાર વગાડે છે ત્યારે તેમને જમણા હાથની ત્રણ આંગળીઓમાં દર્દ થતું હતું. આ બીમારીને ‘ડાયસ્ટોનિયા’ નામથી ઓળખાય છે અને અતિશય ગિટાર વાદનથી અભિષેકને આ બીમારી થઈ હતી. પહેલાં અભિષેકને લાગ્યું કે આ માનસિક સમસ્યા છે. પરંતુ પછીથી ડોક્ટરોએ તેનું નિદાન ન્યૂરોલોજીકલ ડિસઓર્ડર તરીકે કર્યું. આ સર્જરીની પ્રક્રિયા જાણીએ તો તેનો પૂરેપૂરો ખ્યાલ મળે કે તેમાં કેટલી કાળજીથી સર્જરી થઈ હશે. આ સર્જરીમાં મસ્તિષ્કના પ્રભાવિત થયેલાં હિસ્સો,જે યોગ્ય રીતે કાર્ય નથી કરતો તેને મેડિકલી બાળી નાંખવામાં આવે છે. આ સર્જરી અગાઉ અભિષેકના મસ્તિષ્કમાં એક ખાસ પ્રકારની ફ્રેમ લગાવવામાં આવી હતી, જેના સપોર્ટથી તેના મસ્તિષ્કમાં ચાર છિદ્ર કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ એમઆરઆઈ કરવામાં આવી અને તે હિસ્સાની ઓળખ કરીને તે મુશ્કેલી દૂર કરવામાં આવી.

- Advertisement -

મેડિકલ જગતમાં આ બીમારીનો ઇલાજ મોજૂદ છે. તેમ છતાં જવલ્લે જોવા મળતાં આ પ્રકારની સર્જરી ચમત્કારથી કમ નથી. અનેક સંયોગોનો મેળાપ થાય ત્યારે આવા કાર્ય પાર પડે છે. અભિષેકને થયેલી ‘ડાયસ્ટોનિયા’ બીમારીના ઇલાજની પ્રક્રિયા વિશે તો ડોક્ટર સમજાવી શકે છે,પરંતુ અમેરિકામાં એક દરદીને થયેલા કેન્સર અને એ કેન્સરનાં શ્રદ્ધાના બળે થયેલાં નિવારણ અંગે તો આજે પણ ડોક્ટર્સ અંચબામાં છે. અમેરિકાના એક નાના શહેર મિન્નેસોટામાં 56 વર્શીય ગ્રેગ થોમસને જ્યારે માથા અને ગળાનું કેન્સર ડિટેક્ટ થયું ત્યારે ડોક્ટરોએ તેમના પરિવારને ગ્રેગના અંતિમ સંસ્કાર તૈયારી આરંભી દેવાનું કહ્યું હતું. ગ્રેગ પણ આ વાસ્તવિકતાથી વાકેફ હતા. પોતાની આવી સ્થિતિ હતી તે દરમિયાન ગ્રેગ સ્થાનિક ચર્ચમાં રોજ પ્રાર્થના અર્થે જતા હતા. પોતાના અંતિમ દિવસો આ રીતે ગાળતા ગ્રેગે એક દિવસ ચર્ચની બિસ્માર ઇમારત જોઈને મનોમન સંકલ્પ કર્યો કે,ઈશ્વર માટે હું આટલું તો કરતો જ જઈશ અને તેમણે ચર્ચની ઇમારતને દૂરસ્ત કરવાનું કામ ઊપાડ્યું. અને જેમ જેમ ચર્ચનું કામ આગળ વધતું ગયું તેમ ગ્રેગને પોતાની જાતમાં શક્તિનો સંચાર થયો તેવો અનુભવ થયો!ડોક્ટરોએ સૂચવેલી દવાઓ પણ ગ્રેગે ત્યાગી દીધી. ગ્રેગે જ્યારે ચર્ચનું કામ પૂર્ણ કર્યું ત્યારે તેમના શરીરમાં કેન્સરના ટ્યુમરનો વ્યાપ ઘટી ચૂક્યો હતો!આ રીતે સમય પસાર થતો ગયો અને ડોક્ટરોએ ગ્રેગની સર્જરી કરીને તેમની અન્નનળીની ગાંઠ પણ કાઢી. આજે ગ્રેગ પૂર્ણપણે સ્વસ્થ છે અને તેઓને પ્રિકોશન અર્થે પણ કોઈ ટેસ્ટ કરાવવાની જરૂર રહી નથી. ગ્રેગ આને ઈશ્વરનો ચમત્કાર માને છે. પણ ડોક્ટરો આજ દિન સુધી ગ્રેગના શરીરમાંથી નાબૂદ થયેલાં કેન્સરનો ઠોસ જવાબ આપી શક્યા નથી.

ગ્રેગના કિસ્સામાં જે ચમત્કાર થયો,તે સંબંધિત અનેક કિસ્સાઓનો અભ્યાસ હાર્વર્ડ યુનિવર્સિટીના બ્રેઈન સર્જન ડો. એલન હમિલ્ટને કર્યો છે. તેમના મતે ડોક્ટરો અવારનવાર મેડિકલ મિરેકલથી રૂબરૂ થાય છે,પણ તેઓ ભાગ્યે જ તેના વિશે વાત કરે છે. ડો.એલન હમિલ્ટન મુજબ આધ્યાત્મિક શક્તિનો ક્યારેય મેડિકલ સ્કૂલે સ્વિકાર્ય કર્યો નથી,અને જે પ્રકારે ડોક્ટરો ટ્રેઈન થાય છે તેમાં તો આધ્યાત્મિક શક્તિનો છેદ જ ઊડી જાય છે. ડો.એલન હેમિલ્ટને આ વિશે ઊંડુ સંશોધન કર્યું છે અને તે આધારે ‘ધ સ્કાલપેલ એન્ડ ધ સોલઃ એનકાઉન્ટર વિથ સર્જરી, સુપરનેચરલ એન્ડ હિલિંગ પાવર ઓફ હોપ’ નામનું પુસ્તક પણ લખ્યું છે. આ પુસ્તકમાં ડો.એલને પોતાના અનુભવ અને તેના તારણો નોંધ્યા છે. આ પુસ્તકમાં ડો. એલન એવું ખાસ નોંધે છે કે તેઓ ક્યારેય અંધશ્રદ્ધાળુ રહ્યાં નથી, પણ સમયાંતરે થયેલાં વ્યક્તિના આંતરિક શક્તિના અનુભવથી તેમને ક્યારેય આસ્થા જેવી બાબત પર શંકા થઈ નથી. ડો.એલન અગાઉ વ્યક્તિની આંતરિક શક્તિના આધારે થતાં ઇલાજ સંદર્ભે ડો. બર્ની સિગલે પણ ખાસ્સું સંશોધન કર્યું છે. આ સંશોધનના આધારીત ડો. બર્ની લિખિત લવ, મેડિસિન એન્ડ મિરાકલ પુસ્તક તો ખૂબ જાણીતું બન્યું છે. ડો. બર્ની સિગલ પાસે પણ એવાં અનેક અનુભવ મોજૂદ હતા, જેમાં મેડિકલી ઇલાજ કરતાં વ્યક્તિની આધ્યાત્મિક અને આંતરીક શક્તિના જોરે ચમત્કારીક પરિણામ આવ્યા હોય. ડો. એલન અને ડો.બર્ની જે દાવા કરે છે, તે બેશક સામાન્ય કિસ્સાઓમાં સ્વીકાર્ય ન બને, પરંતુ જ્યારે તેના આધારે એક ટકા પણ પરિણામ પોઝીટીવ આવ્યું હોય તો તેના પર વિસ્તૃત સંવાદ થવો જોઈએ. ‘મુન્નાભાઈ એમબીબીએસ’ફિલ્મમાં આનંદ બેનરજી નામના કેરેક્ટરને જે રીતે મુન્નાભાઈ કોમામાંથી બહાર લાવે છે, તે એક પ્રકારની આસ્થાવાળી જ વાત હતી.

મેડિકલ જગતમાં થતાં ચમત્કારો વિશે સામાન્ય રીતે ડોક્ટરોનું મૌન ભલે હોય પણ આ ચમત્કારો કોઈ કુદરતી શક્તિ વડે થાય છે, તેનો સ્વીકાર તો ખુદ મેડિકલની કેટલીક જાણીતી સંસ્થાઓ કંઈક અંશે કરે છે. જેમ કે, 1998માં ‘અશોસિએશન ઓફ મેડિકલ કોલેજ’ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલાં એક અહેવાલમાં સ્પિરીચ્યુઅલિટી વિષયને અભ્યાસના એક ભાગ તરીકે સ્વીકાર કરવામાં આવ્યો હતો. તેમાં દરદીનો આધ્યાત્મિક ઇતિહાસ તપાસીને તે ઇલાજમાં કેટલી રાહત આપી શકે તે સમજણ વિકસવાનો પ્રયાસ હતો. ડ્યૂક યુનિવર્સિટી, હાર્વર્ડ યુનિવર્સિટી, લોયોલો યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઓફ શિકાગો દ્વારા પણ છેલ્લા બે દાયકામાં સ્પિરીચ્યુલિટી એન્ડ હેલ્થ વિષયનો મેડિકલના અભ્યાસક્રમમાં સમાવેશ કર્યો છે.

- Advertisement -

મેડિકલ જગતમાં જ્યારે કોઈ ચમત્કાર નોંધાય છે, ત્યારે તેને સ્પિરીચ્યુલિટી હિલિંગના ખાનામાં નાંખીને જોવાય છે. પરંતુ સ્પિરીચ્યુલિટી હિલિંગમાં મેડિકલ જગતની જેમ એક ને એક બે થતાં નથી. આધ્યાત્મિક ઢબે જ્યારે ઇલાજની વાત આવે છે ત્યારે તેમાં ધાર્મિક શ્રદ્ધા, આસપાસનો માહોલ અને દરદીની લાગણીસભર સંભાળ તેવી અનેક બાબતો સમાઈ જાય છે. આ ઉપરાંત, ડોક્ટરોનો મોટો સમૂહ મેડિકલ સિવાય કોઈ અન્ય ઢબે ઇલાજ ન થાય તેવું દૃઢપણે માને છે. તેઓ માને છે કે અમે જેમાં નિષ્ણાંત છીએ તે જ સેવા પૂરી પાડીએ છીએ, અન્ય રીતે સેવા આપવી તે દરદીને વધુ જોખમમાં મૂકવા જેવું છે. આ સિવાય મુખ્ય ઇલાજ સાથે વૈકલ્પિક સારવારની વ્યવસ્થા વધુ સમય પણ માંગી લે છે, જે ડોક્ટરો પાસે હોતો નથી. ડોક્ટરોનો એક સમૂહ તો કુદરતી શક્તિને જ નકારે છે. તે વિશે જાણીતા ફિલોસોફર આર. એફ. હોલેન્ડ તો એક ઉદાહરણ ટાંકીને તેનો છેદ ઉડાડે છે, તે ઉદાહરણ આ પ્રમાણે છેઃ એક કિશોર વયનો છોકરો તેના ઘરેથી કાર લઈને નીકળે છે. તેના ઘર પાસે આવેલાં ફાટક વિનાના રેલવે ક્રોસિંગ પાસે જ્યારે તે પહોંચે છે, ત્યારે તેના કારના આગળના ટાયર રેલવે ટ્રેકમાં ફસાઈ જાય છે. આ સમયે જે ટ્રેઈન આવે છે, તે કેટલાંક મીટરના અંતરે સંજોગોવાત્ બ્રેક મારે છે અને ટ્રેન રોકાય છે. છોકરાનો જીવ બચ્યો તે અંગે છોકરાની માતા ઈશ્વરનો આભાર માને છે. હોલેન્ડના મતે આમાં કોઈ જ કુદરતી કરિશ્મા કે ઈશ્વરનો હસ્તક્ષેપ નહોતો. સંજોગાવાત્ છોકરાનો જીવ બચ્યો, જેમ અન્ય કોઈ પણ ઘટના બને તેમ આ બની હતી.

જો કે આધ્યાત્મ અને હિલીંગ બાબતે તો ડોક્ટર્સ અને સંતો, શ્રદ્ધાળુઓ સતત આમને-સામને થતા આવ્યા છે. શ્રદ્ધાના જોરે પાણી પર જ્યાં પથ્થર તરી જાય છે, એ ભારત દેશ પુરતા જ આવા ચમત્કારો સિમિત નથી. વિદેશમાં પણ આવા કિસ્સાઓ બને છે, જ્યારે વિજ્ઞાન અને શ્રદ્ધા આમને-સામને આવી જાય છે. કોમ્પિલિકેટેડ સર્જરી દરમિયાન ઘણી વખત દરદીના આગ્રહને કારણે તેની આસ્થાના મંત્રોચ્ચારની ઓડિયો મૂકવામાં આવે છે, લાઈલાજ બિમારીમાં પ્રાર્થના હિલીંગ પાવર તરીકે કામ કરી જાય છે, એવું માનનારા અને અનુભનારા પૂર્વમાં તેમ પશ્ચિમમાં પણ છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular