નવજીવન ન્યૂઝ. અમદાવાદ : અમદાવાદમાં (Ahmedabad) ચોમાસાની વિધિવત રીતે શરૂઆત થતા જ જર્જરિત ઈમારતો પડવાની (Building Collapse) શરૂઆત થઈ ચૂકી છે. છેલ્લા થોડા સમયથી ગુજરાતના જુદા-જુદા જિલ્લામાં મકાન ધરાશાયી થતા નિર્દોષ લોકોને બેદરકારી તેમજ મજબૂરીના કારણે જીવ ગુમાવવાનો વારો આવી રહ્યો છે. ત્યારે આજે વધુ એક વાર અમદાવાદના મીઠાખળી ગામમાં ત્રણ માળનું એક જર્જરિત મકાન ધરાશાયી થતા પરિવારના 4 લોકો મકાનના કાટમાળમાં દટાયા હતા . ઘટનાને પગલે બૂમાબૂમ થતા આસપાસના રહીશો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઘટના સ્થળે દોડી આવેલા લોકોએ તાત્કાલીક બચાવ કામગીરી શરૂ કરી ચાર જેટલા લોકોને મકાનની કાટમાળ નીચેથી હેમખેમ રીતે બહાર કાઢ્યા હતા. જયારે એક આધેડ કાટમાળ નીચે દટાયા હોવાને કારણે તેમને ફાયર વિભાગની ટીમે બહાર કાઢ્યા હતા. હાલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત આધેડને સારવાર અર્થે SVP હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન આધેડનું મૃત્યુ નિપજ્યું હોવાના અહેવાલો મળી રહ્યા છે. ઘટનાને પગલે સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર આજરોજ સવારે 5:00 વાગ્યાની આસપાસ અમદાવાદના મીઠાખળી ગામ ખાતે આવેલા મુખીવાસમાં એક મકાન જમીનદોસ્ત થયું હતું. મળતી વિગતો અનુસાર જર્જરિત હાલતમાં રહેલું ત્રણ માળનું મકાન વરસાદના કારણે ધરાશાયી થયું હતું. મકાનમાં રહેલા પરિવારના લોકો આરામથી ઉંઘી રહ્યા હતા દરમિયાન પત્તાના મહેલની માફક મકાન ધરાશાયી થતા તમામ લોકો કાટમાળમાં દટાઇ ગયા હતા. મકાન ધરાશાયી થતા અવાજ અને બુમાબુમ સાંભળી આસપાસના રહીશો ઘટના સ્થળે મદદ માટે દોડી આવ્યા હતા અને કાટમાળમાંથી દબાયેલા લોકોને બહાર લાવવાની કામગીરીમાં જોડાયા હતા. આ ઘટનાની જાણ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમને કરવામાં આવતા તેઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. પરંતુ આ ઘટનામાં કમનસીબે એક આઘેડ ગંભીર રીતે ઘાયલ થતા સારવાર હેઠળ તેમનું મોત થયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ મકાન વર્ષો જૂનું હોય હાલ જર્જરિત હાલતમાં હતું. આ મકાન બાબતે અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા કોઈ નોટિસ આપવામાં આવી હતી કે નહીં તે માહિતી હાલ મળી નથી. પરંતુ એક વાત ચોક્કસ છે કે જર્જરિત ઈમારત હોવા છતાં પરિવારના લોકો મજબૂરી વશ તેમાં રહેતા હતા. આ મજબૂરી અને બેદરકારીના કારણે જ આ દુર્ઘટનામાં આઘેડનો જીવ ગયો છે તેમ કહી શકાય.
મૃતકનું નામ
વિનોદ ભાઇ ભીખા ભાઈ દાતણીયા ઉંમર 60 વર્ષ
ઈજાગ્રસ્તોના નામ
ગોરવ મુકેશ ભાઇ દાતણીયા
કિશન ભાઇ મુકેશ ભાઇ દાતણીયા
તનિષા બેન કિશન ભાઇ દાતણીયા
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








