Monday, April 20, 2026
HomeGujaratએક દિકરીનો પોતાના સ્વર્ગસ્થ પિતાને પત્ર-પપ્પા તમારી ઉપર શ્રધ્ધા રાખી હોત તો...

એક દિકરીનો પોતાના સ્વર્ગસ્થ પિતાને પત્ર-પપ્પા તમારી ઉપર શ્રધ્ધા રાખી હોત તો કેલેન્ડરમાં તમારી શ્રાદ્ધની તિથિ લખાઈ જ ના હોત

- Advertisement -

પ્રિય પપ્પા,

આજે તમારું શ્રાદ્ધ છે. તમને ભાવતી વાનગીઓ બની છે ઘરમાં. તમારી બર્થ ડે, ડેથ એનીવર્સરી અને તમારું શ્રાદ્ધ…આ ત્રણેય દિવસે આપણાં ઘરનું મેનુ એક જ હોય છે-ભીંડાનું શાક, વેઢમી, કઢી અને દાળવડા…! મને પહેલેથી વેઢમી બહુ ભાવી નથી. હવે તો જરાયે ભાવતી નથી અને એટલે જ તમારી બર્થ ડે હોય કે તમારું શ્રાદ્ધ…હું ધરાર વેઢમી ખાતી જ નથી. શાસ્ત્રો એવું કહે છે કે-શ્રાદ્ધમાં સંતાનો ખાય તો પિતાને પહોંચે….પપ્પા, તમારા જીવતેજીવત હું તમારા સુધી ન પહોંચી શકી તો હવે પહોંચીને શું કરીશ?

- Advertisement -

પપ્પા, ચિતા પર સૂતેલા માણસની સ્મૃતિ પણ એની સાથે બળીને ભસ્મ થઇ જાય કે ધુમાડા સાથે હવામાં ભળી જાય? તમને યાદ છે-આપણી વચ્ચેની બધી જ દલીલો? મને યાદ છે-અક્ષરે સ: ! એક દિવસ ગુસ્સામાં તમે કહેલું-હું નહીં હોઉં ત્યારે તમને સમજાશે..! તમે સાચું કહેલું. તમે નથી અને હવે ઘણું સમજાય છે. એ દિવસે તમને ચિતા પર સૂવડાવીને ઘરે આવ્યા પછી-ધારણાંઓ પર કોઇ જ નિર્ણયો નહીં લેવાનાં એવું નક્કી કરી દીધેલું મેં. કેટકેટલી ધારણાઓ બાંધી લીધેલી મેં તમારા માટે. માણસોને સમજવા માટે અનુભવ કામમાં આવે છે-ધારણાઓ નહીં જ. તમને યાદ છે-મારે લેપટોપ લેવું હતું-અને તમે કહેલું-અડધા પૈસા તમે આપશો અને અડધા મારે આપવાનાં. આખેઆખું લેપટોપ જ કેમ ન અપાવી શકો-એવા વિચારે તમે બહુ ક્રૂર લાગેલા. મારા લગ્ન પછી ખૂબ ભયાવહ એવા ડિવોર્સ શબ્દથી તમે જરાયે ડર્યા નહીં-છેક ત્યારે તમે થોડા-થોડા ઉકેલાયેલા. લાઇટબિલ, મેડિક્લેમ, હોમ લોન, કાર લોનની વચ્ચે વહેંચાયેલા તમને સમેટવાનો, તમને સમજવાનો પ્રયત્ન મેં ક્યારેય કર્યો જ નહીં. આજે મારું પેમેન્ટ અટવાય છે અને હપ્તાની તારીખ માથે હોય છે-ત્યારે તમે ખૂબ યાદ આવો છો. વિચારું છું-તમે હોત તો…!!

એક સવાલ પૂછું? સત્તર વર્ષની ઉંમરે પ્રેમમાં પડેલી ત્યારે-કે તમારી ધારણા પ્રમાણે ભણી નહીં ત્યારે આ છોકરી શું ઉકાળશે-એવો વિચાર તમને આવેલો? તમારા ગયા પછી તપેલી ઉભરાઇ ન જાય એનું ધ્યાન રાખી મેં ઘણું ઉકાળ્યું છે.

એક વાત કહું?-થોડા દિવસો ઘરથી-અમારાથી દૂર જઇને પણ તમારું મૂલ્ય સમજાવી શક્યા હોત ને…આમ ધુમાડામાં ઓગળી જવાની શું જરૂર હતી? તમારો અવાજ હવે ભૂલાઇ ગયો છે. તમારા અક્ષરો મારા પર્સમાં સચવાઇને પડ્યા છે-તમારા પાનકાર્ડની સાથે. તમારા અને મારા વધુ ફોટોગ્રાફ્સ જ નથી. મોબાઇલમાં હવે તમારો નંબર સેવ નથી- વર્ષોથી એને ડાયલ નથી કર્યો અને છતા હજી કડકડાટ મોઢે છે. તમારી જેમ મને એસીડીટીનો કોઠો છે. એસીડીટી થાય પછી તમારી જેમ જ ગુસ્સે થઇ જાઉં છું. હું જાડી નહીં જ થાઉં-કારણ કે મારા શરીરનો બાંધો મારા પપ્પા જેવો છે-આવું ઘણાંને કહેતી ફરું છું. મારી કેટલીક આદતો તમારા જેવી છે-એવું સ્વીકારવાનું હવે ગમે છે-પપ્પા.

- Advertisement -

આજે તમારા શ્રાદ્ધના દિવસે પત્ર લખું છું-આજે મારે કાગવાસ નથી મૂકવો. કબૂલાતો મૂકવી છે. તમારા વિશે બાંધી લીધેલી ખોટી ધારણાઓની કબૂલાત. તમને નહીં સમજ્યાની કબૂલાત. તમારા જતા રહ્યા પછી છાતીમાં સતત ફૂંકાયા કરતા એક વાવાઝોડાંની કબૂલાત.

માણસ જતો રહે પછી એને જીવતો રાખવાની આદત પડી ગઇ છે બધાને. હું પણ એ જ કરી રહી છું. ફોટોફ્રેમમાં મઢાવી લીધેલો માણસ લાંબુ જીવી શકતો હોય છે. સમયને રોકી શકાતો નથી એટલે માણસને રોકી લેવો સારો-આવું અનુભવે શીખી છું. ઉજ્જડ થઇ જવાની બીકે થોડી જડ થઇ ગઇ છું. તમે આવી શકો તો આવજો ક્યારેક-બેસીશું આપણે. ચંપલની જેમ ઇગો ઉતારી દઇશ સાઇડમાં. મારે જોવું છે-દલીલો વિનાની આપણી વાતો કેવી હશે એ.

બાકી, એ દિવસે તમે ચિતા પર સળગી રહ્યા હતા-ત્યારે શ્વાસમાં ગયેલા ધુમાડાને હજી છાતીમાં સાચવી રાખ્યો છે. ઘણીવાર રાત્રે ઊંઘમાં એક અદ્રશ્ય હાથ મારા માથા સુધી આવે છે. વાળમાં ફરે છે અને ભીની આંખોને થપથપાવીને હવામાં ગાયબ થઇ જાય છે. એ હાથ તમારો જ છે એની મને ખબર છે. તમે તો જીવો જ છો-મારામાં અને શ્રાદ્ધ તો મરેલાનું કરવાનું હોય ! સાચું કહું તો મારે મારું જ શ્રાદ્ધ કરવું જોઇએ-તમે ગયા પછી રોજ થોડું-થોડું મરતી રહી છું એટલે…!

- Advertisement -

બાકી, પપ્પા-તમારામાં જો પહેલેથી જ શ્રધ્ધા રાખી હોત-તો કેલેન્ડરમાં તમારા શ્રાદ્ધની તિથિ લખાઇ જ ન હોત !

– લિ,
તમારી દિકરી

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular