Friday, September 22, 2023
HomeGujaratનરેન્દ્ર મોદીનો મુખ્યમંત્રી અને વડાપ્રધાન તરીકેનો પહેલો દિવસ કેવો હતો

નરેન્દ્ર મોદીનો મુખ્યમંત્રી અને વડાપ્રધાન તરીકેનો પહેલો દિવસ કેવો હતો

- Advertisement -

સાડા બાર વર્ષ માટે ગુજરાતના મુખ્યમંત્રી પદે રહેલા નરેન્દ્ર મોદી સત્તાના રાજકારણમાં વીસ વર્ષ પુરા કરી રહ્યા છે. નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના માળખામાંથી 1984-1985માં ભાજપમાં આવી ગયા હતા. જો કે સક્રિય રાજકારણમાં તેમનો પ્રવેશ 2001માં મુખ્યમંત્રી થયા ત્યારે થયો. એ અગાઉ કોઈ સરકારમાં તેઓ કોઈ હોદ્દા પર કે ચૂંટાયેલા પ્રતિનિધિ રહ્યા નહોતા. ફેબ્રુઆરી 2002માં તેઓ રાજકોટથી પેટાચૂંટણીમાં વિજેતા થઈ પહેલી વાર ચૂંટાયેલા પ્રતિનિધિ થયા હતા. એના વીસ વર્ષ 2022માં પુરા થશે. આપણે એની પણ ઉજવણી કરવાની જ છે. માત્ર યાદ એટલું રાખવાનું કે એમાં ‘ગોધરા’ શબ્દ ક્યાંય આવવો ન જોઇએ. ભારતીય જનતા પક્ષમાં અટલ બિહારી વાજપેયી અને લાલ કૃષ્ણ અડવાણીની રાજકીય કારકિર્દી પચાસ વર્ષ એટલે કે પાંચ દાયકા સુધી વિસ્તરી હતી. જો કે બહુમતી સમય તેઓ વિરોધપક્ષે રહ્યા હતા. તેમની સરખામણીએ નરેન્દ્ર મોદી પહેલા દિવસથી જ સત્તામાં છે. ઉલ્લેખનીય છે કે તેઓ ઑક્ટોબર 2001માં ગુજરાતના મુખ્યમંત્રી થયા હતા. આજકાલ કહેતા એ ઘટનાને વીસ વર્ષ થયા.

ભારતના અન્ય રાજ્યોની વાત કરીએ તો જ્યોતિ બસુ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પદે 1977 થી 2000 એમ તેવીસ વર્ષ રહ્યા. પવનકુમાર ચામલિંગ સિક્કિમના મુખ્યમંત્રી પદે 1994 થી 2019 સુધી એટલે કે લગભગ સાડા ચોવીસ વર્ષ રહ્યા. નવીન પટનાઇક ઓરિસ્સાના મુખ્યમંત્રી પદે માર્ચ 2000થી છે એટલે કે સત્તામાં આ સમયે તેમનું બાવીસમું વર્ષ ચાલી રહ્યું છે. આમ વીસ વર્ષ ઉપરાંતના સમય સુધી બંધારણીય હોદ્દા પર રહ્યા હોય એ ક્રમમાં નરેન્દ્ર મોદી ચોથા છે. પરંતુ તેમને પહેલા ક્રમે મુકવા પડે એમ છે. કેમ કે આ વીસ વર્ષમાં સાત વર્ષ ઉપરાંતના સમયથી વડાપ્રધાન પદે હોય એવા તેઓ એકમાત્ર છે. મુખ્યમંત્રી પદે રહેતા જ્યોતિ બસુને 1996માં વડાપ્રધાન પદ સંભાળવાની દરખાસ્ત થઈ હતી પરંતુ તેમના માર્ક્સવાદી સામ્યવાદી પક્ષના પોલિટ બ્યૂરોએ એ દરખાસ્ત નકારી કાઢી હતી.

- Advertisement -

નરેન્દ્ર મોદી રોજના અઢાર – અઢાર કલાક કામ કરે છે એવું કહેવામાં આવે છે. ફોટા બી બતાવવામાં આવે છે. તોય પુરું થતું નથી તે અમેરિકા જતી વખતે ઓવરહેડ લેમ્પના અજવાળે બોઇંગ પ્લેનમાં ફાઇલો જોવી પડે છે. ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે સરકારની માલિકીના નાનકડા એરોપ્લેનમાં ફાઇલો-દફતર ચકાસતા હતા કે નહીં એ ખબર નથી. કેમ કે એવી તસવીરો સોશિયલ મીડિયા પર મુકવાનો ત્યારે રિવાજ નહોતો.

મુખ્યમંત્રી પદે કેશુભાઈ પટેલના અનુગામી બનેલા નરેન્દ્ર મોદીએ 7 ઑક્ટોબર 2001ના રોજ હોદ્દા અને ગુપ્તતા જાળવવાના શપથ લીધા ત્યારે રવિવારની બપોર થઈ ગઈ હતી. સામાન્યપણે રવિવારની અઠવાડિક રજાના કારણે સચિવાલય બંધ રહેતું હોય. પરંતુ આ દિવસ ખાસ હતો. નવા મુખ્યમંત્રીને શપથવિધિ પછી સચિવાલયમાં આવકારવાના હોઈ મુખ્યમંત્રીનું કાર્યાલય અને કેટલાક વિભાગોની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. શપથવિધિ પછી મહેમાનોને વિદાયમાન આપી સચિવાલય આવેલા તેમણે પહેલા દિવસથી નહીં, પહેલા કલાકથી જ કામગીરી આરંભી દીધી હતી.

એ સમયે વડોદરા સ્થિત ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કોર્પોરેશનના કર્મચારીઓ સાગમટે હડતાલ પર ઉતર્યા હતા. પ્રોડક્શન પ્લાન્ટને ઠપ કરી દઈ ખાતરના ઉત્પાદનની કામગીરી ખોરવી નાખી હતી. તેમની કેટલીક માગણીઓ હતી જે તેમણે કર્મચારી યુનિયનના આગેવાનો દ્વારા સરકાર સુધી પહોંચાડી હતી. એક માગણી થોડી રાજકીય પ્રકારની હતી. તે એ કે જી. એસ. એફ. સી. ના ચેરમેન પદે રહેલા ડૉ. કે. ડી. જેસવાણીને હોદ્દા પરથી દૂર કરવામાં આવે. ડૉ. કે. ડી. જેસવાણી ઉર્ફે ડૉ. ખુશીરામ ડુંગરમલ જેસવાણી દસમી લોકસભામાં 1991 થી 1996 સુધી ખેડા લોકસભા બેઠકના ભારતીય જનતા પક્ષના સંસદસભ્ય રહ્યા હતા. એ પછીની ચૂંટણી હારી ગયા બાદ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની સરકારે તેમને આગળ જણાવ્યું એ હોદ્દા પર નિમણૂક આપી હતી. વ્યવસાયે સર્જન ડૉક્ટર હતા પણ કંપનીની વહીવટી બાબતો સાથે તાલમેલ નહોતા મેળવી શકતા. ભ્રષ્ટાચારના પણ આક્ષેપો હતા એટલે કેશુભાઈએ યુનિયન આગેવાનોને રવિવાર હોવા છતાં ગાંધીનગર મળવા બોલાવ્યા હતા.

દરમિયાન ગાંધીનગરમાં સરકાર બદલાઈ ગઈ. નવા મુખ્યમંત્રી લેખે નરેન્દ્ર મોદીનું આગમન થયું. આ ફેરફાર અણધાર્યો હતો એટલે કૃષિ અને ઉદ્યોગ વિભાગના અધિકારીઓએ મળવાની તૈયારી બતાવી પરંતુ યુનિયનના હોદ્દેદારો માત્ર મુખ્યમંત્રીને જ મળવા માગતા હતા. નરેન્દ્ર મોદીએ તેમને મુલાકાત તો આપી પણ સાથે સાથે શરત મુકી કે તમે પહેલા હડતાળ સમેટી લો અને પૂર્વવત કામે ચઢી જાઓ તો જ આ પ્રશ્નને હું હાથ પર લઈશ. બલકે અઠવાડિયા પછી હું જ વડોદરા આવીને તમને મળીશ. આમ નરેન્દ્ર મોદીએ શાસનની શરૂઆત પખવાડિયા – મહિનાથી ચાલી આવતી જી. એસ. એફ. સી. ની હડતાળને સમેટીને કરી હતી અને એ પણ કામ ચાલુ કરી દેવાની શરતે. સરકાર બદલાઈ ગઈ હતી એટલે ચાલી આવતી પરંપરા પ્રમાણે બોર્ડ – નિગમના જૂના ચેરમેન – હોદ્દેદારોએ સામે ચાલીને રાજીનામા મોકલી આપ્યા હતા. એ ક્રમમાંડૉ. જેસવાણીનું રાજીનામું માગવાનો પ્રશ્ન જ ન આવ્યો. આમ હડતાળ અને રાજકીય સંકટ બન્ને ઉકલી ગયા. આજે પત્રકાર – રાજકીય વિશ્લેષક તરીકે જાણીતા હરિ દેસાઈ પણ એ સમયે ગુજરાત સરકારે રચેલા એન. આર. જી. ફાઉન્ડેશનના (બિનગુજરાતી પ્રભાગ) અધ્યક્ષ હતા. એમણે પણ પોતાનું રાજીનામું મોકલી આપ્યું અને એ પછી ડૉક્ટરેટ મેળવી હરિ દેસાઈમાંથી ડૉ. હરિ દેસાઈ થયા.

વચન આપ્યા મુજબ અઠવાડિયા – દસ દિવસની અંદર નરેન્દ્ર મોદી વડોદરાના જીએનએફસી પ્લાન્ટ પર પહોંચ્યા અને કર્મચારીઓ ઇચ્છતા હતા એવી સમાધાનની ફોર્મ્યૂલા ઘડી કાઢી. જો કે આ બધું વાંચતી વખતે એટલું યાદ રાખવું પડે કે એ બે હજાર એકનું વર્ષ હતું અને નરેન્દ્ર મોદી પણ 2001ના હતા. એ પછી એ ગુજરાતમાં રહ્યા અને જેટલી વાર ચૂંટણીઓ આવી એટલી વાર સચિવાલયથી લઇને એસ. ટી. બસના ડ્રાઇવર, કન્ડક્ટરો હડતાળ પર જવાની ધમકી આપતા રહ્યા જેને તેઓ કદી તાબે ન થયા.

સાડા બાર વર્ષ ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા પછી મે 2014માં તેઓ વડાપ્રધાન થયા. રાષ્ટ્રપતિ ભવનમાં સાંજે શપથવિધિ સંપન્ન થયા પછી એ પ્રસંગે આવેલા દેશ-વિદેશના મહેમાનો સાથે ડિનરમાં જોડાવાનું હતું. જોડાયા અને સૌને વિદાયમાન પણ આપી. પછી? પછી શું. મોડી રાત થઈ હતી તોય નરેન્દ્ર મોદી સાઉથ બ્લોક સ્થિત વડાપ્રધાન કાર્યાલય પહોંચ્યા. અહીં પહેલેથી ત્રણ કાગળો તેમના માટે તૈયાર હતા જેની પર તેમની સહી જરૂરી હતી. એક – વડાપ્રધાન તરીકે વિધિવત ઑફિસનો ચાર્જ સંભાળી રહ્યાનું ડેક્લેરેશન. બે – વડાપ્રધાનના પ્રિન્સીપાલ સેક્રેટરી તરીકે સિનિયર નિવૃત્ત સનદી અધિકારી ન્રિપેન્દ્ર મિશ્રાની નિમણૂક. તેમની નિમણૂક સાથે સંકળાયેલો એક નિયમ દૂર કરવો જરૂરી હતો. ન્રિપેન્દ્ર મિશ્રા ‘ટ્રાઈ/ TRAI’ એટલે કે ટેલિકોમ રેગ્યુલરેટરી ઑફ ઇન્ડિયાના ચેરપર્સન રહી ચુક્યા હતા. આ હોદ્દા પર રહેલી વ્યક્તિ તેની આ નિમણૂકના નિયમ પ્રમાણે એ પછી કેન્દ્ર સરકાર કે કોઈ રાજ્ય સરકારમાં અન્ય કોઈ હોદ્દો સ્વીકારી શકતી નથી. આ નિયમને દૂર કરવા વટહુકમ લાવવો જરૂરી હતો જે માટે રાષ્ટ્રપતિને વિનંતી કરવી પડે. તો જ ન્રિપેન્દ્ર મિશ્રાની પ્રિન્સીપાલ સેક્રેટરી તરીકેની નિમણૂક શક્ય બને. એ પત્ર પર સહી થઈ ગઈ – નરેન્દ્ર મોદી, હિન્દી ભાષામાં.

સહી માટે અપાયેલો ત્રીજો પત્ર લાંબા ગાળાની અસર ઉપજાવનારો હતો જેના રાજકીય અર્થ પણ કાઢી શકાય. એ પત્ર મુજબ કેન્દ્ર સરકારે તત્કાળ અમલ થાય એ રીતે નિર્ણય કર્યો કે હવે પછી તે વ્યક્તિ લેખે માત્ર ગાંધીજી સાથે સંકળાયેલા દિવસની કોઈ ઉજવણીમાં જ હિસ્સેદાર રહેશે, અન્ય ક્યાંય નહીં. એટલે કે બીજી ઑક્ટોબરનો તેમનો જન્મ દિવસ અને ત્રીસ જાન્યુઆરીએ આવતો શહીદ દિવસ – મહાત્માને સ્મરવાનો દિવસ. આ નિર્ણય 26મી મે 2014ના રોજ વડાપ્રધાન બન્યાની સાંજે જ લેવો નરેન્દ્ર મોદી માટે જરૂરી હતો. એમ ન કરે તો બીજે જ દિવસે 27મી મેની સવારે ભારતના વડાપ્રધાને પ્રોટોકોલ પ્રમાણે યમુના નદીના કિનારે આવેલા શાંતિવન જવું પડે – ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂની પચાસમી પૂણ્યતિથિએ શ્રધ્ધાંજલિ આપવા. સંઘ બિરાદર નરેન્દ્ર મોદીનો‘નેહરૂ પ્રેમ’ જાણીતો છે. દરેક મોકો ઝડપી લેવા માટે જાણીતા તેઓ આ મોકાની નજીક પણ જવા માગતા નહોતા. એટલે તો એમની ઓળખ સાથે ‘સરપ્રાઇઝ’ શબ્દ જોડાઈ ગયો છે. સાચું કહું છું હોં.

(‘ગુજરાતના રાજકારણના સાત દાયકાના રાજકીય પાત્રો અને કેટલોક ઘટનાક્રમ’ પુસ્તકના લેખન માટે નોંધેલી કેટલીક વિગતો, આધારરૂપ હકીકતો સાથે. –બિનીત મોદી)

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular