વિશાલ મિસ્ત્રી (નવજીવન ન્યૂઝ.રાજપીપળા):
ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન નાંદોદના ધારાસભ્ય પી.ડી.વસાવાએ ગુજરાતમાં બેરોજગારી અને સરકારી કચેરીઓમાં વર્ષોથી ખાલી પડી રહેલી જગ્યાઓ મુદ્દે ગુજરાત સરકારને આડે હાથે લીધી હતી.પોતાની રજુઆત દરમિયાન વિધાનસભા અધ્યક્ષે એમને અધવચ્ચે કહ્યું કે બસ તમારી 2 જ મિનીટ બાકી છે, દરમિયાન પી.ડી.વસાવાએ કહ્યું કે, હજુ તો મેં શરૂઆત જ કરી છે. દરમિયાન વિધાનસભા ગૃહમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.
નાંદોદના ધારાસભ્ય પી.ડી.વસાવાએ ગુજરાત વિધાનસભામાં જણાવ્યું હતું કે મારા વિસ્તારની જુદી જુદી સરકારી શાખાઓમાં મંજુર થયેલા મહેકમ કરતા ઘણી જગ્યાઓ વર્ષોથી ખાલી છે. જેથી પ્લાન એસ્ટીમેન્ટ જેવા અગત્યના કામો દરમિયાન સરપંચો અને પ્રજાને શોષાવું પડે છે. નાંદોદ, ગરુડેશ્વર, તિલકવાડામાં વર્ષોથી ટી.ડી.ઓની જગ્યાઓ ખાલી છે, એટલે લોકોના કામો અટવાઈ પડે છે. અમારા સમયમાં વિવિધ ભરતીઓ જિલ્લાના મુખ્ય મથકે થતી હતી, જ્યારે હાલમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા થતી ભરતીઓમાં વિલંબ થાય છે, જેથી ઉમેદવારોને શોષાવું પડે છે. બેરોજગારોના ભરતી મેળામાં એમ.એ થયેલા ઉમેદવારને ખાનગી કંપની રોજમદારની નોકરી આપે છે, મજૂરોને પણ 300 રૂપિયા રોજ મળે છે જ્યારે ખાનગી કંપની રોજમદારને 150 રૂપિયા જ રોજ આપે છે. સરકાર એમ કહે છે કે અમે હજારો બેરોજગારોને નોકરી આપી પણ હાલમાં ગુજરાતમાં બેરોજગરોનું માત્ર શોષણ થાય છે. બેરોજગારોના ભરતી મેળામાં જેટલો ખર્ચ કરો છો એ બંધ કરી બેરોજગારોને બેરોજગારી ભથ્થુ આપો ત્યારે શિક્ષિત બેરોજગારોને ખરી મદદ કરી ગણાશે. અમારા સમયમાં ગરથાણ પ્લોટની સમયસર મિટિંગ થતી હતી, જેમાં 100 થી 200 અરજીઓનો નિકાલ કરી પ્લોટ ફાળવતા હતા, જ્યારે હાલમાં તો એ મિટિંગ વર્ષમાં એકાદ વાર અથવા તો થતી જ નથી.
![]() |
![]() |
![]() |











