ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): લંડન મેટલ એક્સ્ચેન્જ પર નિકલ વાયદાની પ્રવાહિતા એટલી બધી ઘટી ગઈ છે કે હવે તો રોકાણકારો પણ કંટાળી ગયા છે. આસમાની સુલતાની ભાવ ઉછળકૂદને લીધે આવા રોકાણકારો પોતાના હાથમાના સોદા ધગધગતા કોલસાની માફક ફેંકી દેવા ઉતાવળા થયા છે. યુક્રેન યુદ્ધધગ્રસ્ત સ્થિતિમાં ભાવની અફડાતફડી થાય તે તો સમજયા, પરંતુ આ મહિને એલએમઇએ વારંવાર સોદા કાપી નાખવાની ફરજ પડી તે તો ઇતિહાસમાં ૧૯૮૫ પછી પહેલીજ વખત અને જવલ્લેજ બનતી ઘટના છે.
ચીનના એક અબજપતિએ ધરખમ મંદીનો ખેલો પાડીને બજારની કૂકરી ગાંડી કરી નાખી, તેમાંથી તેને ઊભારવા ચીન સરકારે સહાય કરવાનો નિર્ણય ગત સપ્તાહે લીધો હતો. સાથે સરકારે એવું પણ કહ્યું કે એકવખતની પ્રતિસ્થિત સંસ્થા એલએમઇએ તેની શાખ ગુમાવી દીધી તે તો જિંદગીમાં ક્યારેય નહીં ભૂલે. જગતના સૌથી મોટા નિકલ અને સ્ટીલ ઉત્પાદક ચીનની ૪.૧ અબજ ડોલરની નેટવર્થ ધરાવતી કંપની ટેસિંગશાન હોલ્ડિંગ ગ્રૂપના સ્થાપક એક્સાંગ ગૂંગડાએ, નિકલના ભાવ તેમના મંદીના સોદા કરતાં બમણા વધીને ૧ લાખ ડોલર ઉપર જતાં રહ્યા ત્યાર પછીના વર્તમાન નિકલ સટ્ટામાં ૮ અબજ ડોલરની નુકશાની કરી નાખી છે. હવે અહી એક પ્રશ્ન થઈ રહ્યો છે કે શું હોંગકોંગની માલિકીની એલએમઇ સંસ્થા ચીનના નિકલ ખેલાડીને બચાવવા કોઈ મધ્યસ્થી કરશે?
એલએમઇમાં આ ફિયાસ્કો થયો તેનાથી અસંખ્ય ટ્રેડરો ભડક્યા છે. આવા ભૂરાંટા થયેલા રોકાણકારો હવે તેમના સોદા અન્ય એક્સચેન્જમાં સ્થળાંતરીત કરવા ઉતાવળા થયા છે. હાલમાં તેમને કોઈ સરળ અને ઝડપી વિકલ્પ સુજતો નથી. ટ્રેડરો હવે ઈચ્છે છે કે એલએમઇ પર ભાવ એટલે સુધી નીચે જવા જોઈએ, જેથી ટ્રાન્સપોર્ટ ખર્ચ, ઇન્સ્યુરન્સ આયાત જકાત અને અન્ય ફી મળીને નિર્ધારિત થતાં શાંઘાઇ ફ્યુચર્સ એક્સચેન્જ (શિફિ)ના નિકલ વાયદાના ભાવ સાથે સરભર થઈ જાય. ગુરુવારે શિફિ નિકલ વાયદો અપર સર્કિટ કરતાં વધુ ૧૭ ટકા ઊછળીને ટન દીઠ ૨૩૩,૭૧૦ યુઆન (૩૬,૬૬૬.૧૪ ડોલર) બોલાયો હતો.
આમ જોવા જઈએ તો એલએમઇના ભાવ શિફિ સાથે સરભર થવાની નજીક પહોંચી ગયા છે. બુધવારે એલએમઇ નિકલ વાયદો ૧૪.૯૭ ટકા ઝંપ કરીને ડેઇલી અપર સર્કિટ લિમિટ પર ૩૨,૩૭૪ ડોલરે પહોંચી ગયો હતો. એક સપ્તાહના ટ્રેડિંગ બંધ પછી બુધવારે ખુલેલા બજારમાં ક્ષણવારમાં ભાવમાં મોટી અફડાતફડી થવા લાગી, આને લીધે બજારની તમામ વ્યવસ્થાનું પુન:નિરીક્ષણ કરવાનો સમય આવી ગયો છે. ૮ માર્ચ અગાઉ માત્ર બે જ ટ્રેડિંગ સત્રમાં ભાવ ૨૫૦ ટકા ઊછળી ૧૦૧,૩૬૫ ડોલરની ઊંચાઈએ ઇન્ટ્રાડેમાં ક્વોટ થયા અને આખરે ૮૭,૦૭૦ બંધ થયા હતા. એક્સ્ચેન્જ દ્વારા ઊંચા ભાવના અબજો ડોલરના સોદા રદ્દ કરવા, અને કામકાજ અટકાવી દેવા જેવા શ્રેણીબધ્ધ પગલાઓ લેવાયા છતાં, ભાવ ઊંધેકાંધ પડ્યા.
વિક્રમ ઊંચા ભાવથી અત્યાર સુધીમાં નિકલમાં ૭૦ ટકાનું ગાબડું પડ્યું છે, તેમ છતાંય ભાવ માર્ચના આરંભ કરતાં વર્તમાન ભાવ ૩૦ ટકા ઊંચા છે. બુધવારે લંડન ટાઈમ પ્રમાણે સવારે ૧૦.૨૫ વાગ્યે સોદાનો આરંભ થયો, પણ ભાવ સીધાજ ૧૫ ટકાની અપર સર્કિટ આસપાસ ખૂલ્યા અને ૨૬૦૦ કોન્ટ્રેક્ટનાં હાથબદલા પણ થયા. દરમિયાન ચીનની તેશીંગશાન ગ્રુપે પોતાની બેંક સાથે સોદા માટે એવી ગોઠવણી કરી કે જેથી વધારાં કોઈ માર્જિન કોલ ભરવાના ના આવે. એલએમઇ પર હજુ મંદિવાળાના સંખ્યાબંધ વેચાણના ગાંસડા પોટલા વગર કાપ્યે ખડકાયેલા પડ્યા છે, જેની કાપણી (પુન:ખરીદી) બાકી છે. બજારમાં એવો પણ ભય પ્રવર્તે છે કે એક તરફ બજારમાં પુરવઠો વધી રહ્યો છે બીજી તરફ જો મંદિવાળાના ઊભા ઓળીયાના વેચાણ કપાશે તો સ્થિતિ વધુ વણસી શકે છે. ૮ માર્ચે જ્યારે તમામ કોમોડિટી બજારમાં વ્યાપક વેચવાલી નીકળી ત્યારે, તેજી-મંદિવાળા વચ્ચે ખટરાગ ઊભો થયો છતાં એ સમયે આવા ઓળીયા ખાસ વધ્યા ન હતા. પણ સપ્તાહ લાંબા સોદા બંધ રહ્યા ત્યારે મંદિવાળા બજાર ખૂલવાની રાહ જોઈને જ બેઠા હતા. સમસ્યા એ પણ હતી કે રશિયા આખી દુનિયાને ૨૦ ટકા નિકલ સપ્લાય કરે છે, અને તેના પર વેપાર પ્રતિબંધના ભયે ભાવ આસમાને પહોંચી ગયા હતા.
(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
![]() |
![]() |
![]() |











