પ્રશાંત દયાળ(નવજીવન ન્યૂઝ.અમદાવાદ): મારી વ્યકિતગત વાત કરૂ તો મને શાળા અને કોલેજનું શિક્ષણ કયારેય આકર્ષી શક્યુ નહીં, મને સતત એવું લાગ્યા કરતું હતું કે હું સ્કુલ અને કોલેજમાં જે શિક્ષણ મેળવી રહ્યો છું તે મને કામ તો આપશે પણ તે મારૂ ગમતુ કામ હશે કે નહીં તેની મને ખબર ન્હોતી. બાળક નાનુ હોય ત્યારે તેના જુદા પ્રશ્ન હોય છે, તે કિશોર થાય ત્યારે તેના પ્રશ્ન બદલાય છે અને તે યુવાનીમાં પગ મુકે ત્યારે તેની સામે પ્રશ્નની કતાર ઉભી હોય છે. મારા વર્ગ ખંડના શિક્ષક અને મારા માતા પિતા મારે પાસે કાયમ એવી અપેક્ષા રાખતા તે હું તમામ પરિક્ષામાં સારો દેખાવ કરૂ, પણ જે દોડનો મારે હિસ્સો જ બનવું ન્હોતું તેવી દોડમાં હું કેવી રીતે સારો દેખાવ કરી શકું, એટલે મારૂ મુલ્યાંકન કાયમ મારા પરીક્ષાના માર્કને આધારે થવા લાગ્યું, આવું મોટા ભાગના વિધ્યાર્થીઓ સાથે થાય છે, પરિક્ષામાં અવ્વલ નંબર લાવનારને બધા જ માન આપે છે, જ્યારે ઓછા માર્ક લાવનાર માટે એક જુદો જ ચોકો હોય છે, પણ મારી જીંદગીમાં એવા શિક્ષક પણ આવ્યા જેમણે મને વર્ગખંડમાં શિક્ષણ આપવાને બદલે બહાર દુનિયા બતાડી અને કયાં રસ્તા મારે જવુ તેવુ પસંદ કરવાની મોકળાશ આપી.
જયારે આપણે શિક્ષક તેવો શબ્દ પ્રયોગ કરીએ ત્યારે તે સ્કુલ- કોલેજનો શિક્ષક જ હોય તેવુ જરૂરી નથી, આપણી આસપાસ અનેક એવા લોકો પણ છે જેઓ શિક્ષણ સાથે સીધી રીતે સંકળાયેલા નથી, છતાં તેમની પાસે પોતાના અનુભવ અને વ્યવહાર દ્વારા બોલ્યા વગર પણ તાલીમ આપવાની કળા છે, આવા જ મારી જીંદગીમાં આવેલા અનેક શિક્ષકો પૈકી અશ્વીની ભટ્ટ છે, મને અફસોસ એટલે જ છે કે તેઓ મને બહુ મોડા મળ્યા અને મળ્યા પછી વહેલા જતા રહ્યા, હું વાંચન અને સાહિત્યનો માણસ નહીં, હું નક્કર પત્રકારત્વનો માણસ રહ્યો છું, 1995માં હું અભિયાનમાં જોડાયો જયારે તેના માલિક મુંબઈના અવિનાશ પારેખ અને તંત્રી કેતન સંઘવી હતા, ગુજરાતમાં અભિયાનની ઓફિસ અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા અશ્વીની ભટ્ટના બંગલામાં ઉપરના માળે હતી. આ એંક સંજોગ હતો, અશ્વીની ભટ્ટ અને તેમના પત્ની નીતિ ભાભીને મળવાનો.
અશ્વીની ભટ્ટ અને નીતિભાભીને હું પહેલી વખત મળ્યો, પણ મને પહેલી વખતમાં જ એવું લાગ્યું કે હું તેમને વર્ષોથી ઓળખુ છું, મારો વ્યવહાર અને દેખાવ રફ, છતાં તેમણે મને કહ્યા વગર પોલીસ કરવાનું કામ કર્યુ, આ દંપત્તી મારા માટે એવા શિક્ષક સાબીત થયા કે તેમણે મને સારા પત્રકારની સાથે સારો માણસ બનવવામાં મદદ કરી, નીતિભાભી એવા શિક્ષક જેમની સાથે લડી શકાય અને રીસાઈ પણ શકાય અને પછી બંન્ને એકબીજાને સોરી કહ્યા વગર માફ પણ કરી દે, આપણને વર્ગખંડમાં ઉત્તમ શિક્ષકની જરૂર નથી તેવું પણ કહેતો નથી, વર્ગખંડમાં પણ પોતાના વિષય અને વિદ્યાર્થીઓને પ્રેમ કરી શકે તેવા શિક્ષકની જરૂર છે, પરંતુ જીંદગી વર્ગખંડના પુસ્તક પ્રમાણે ચાલતી નથી, કારણ જીંદગીનો કોઈ એક અભ્યાસક્રમ નથી, જ્યારે વિદ્યાર્થી વર્ગખંડની બહાર પગ મુકે છે ત્યારે જ તેની ખરી પરિક્ષાની શરૂઆત થાય છે, આ વખતે જ તેને શિક્ષકની ખરી જરૂર હોય છે, પણ મોટા કિસ્સામાં ત્યારે તેની પાસે કોઈ હોતુ નથી.
હું અમદાવાદમાં વર્ગખંડની અંદર અને વર્ગખંડની બહારના એવા બે શિક્ષકોને ઓળખું છું કે જયારે તેઓ પોતાના વિદ્યાર્થીઓ સાથે કયાંક બહાર મળી જાય તો વિદ્યાર્થી કોણ અને શિક્ષક કોણ તે નક્કી કરવું મુશ્કેલ બની જાય છે, સામાન્ય રીતે મોટા ભાગના શિક્ષકો વિદ્યાર્થીઓના વ્યકિતગત જીંદગીના પ્રશ્નમાં પડવાનું ટાળે છે, પરંતુ ગુજરાત વિદ્યાપીઠમાં પત્રકારત્વ પ્રાધ્યાપક ડૉ. અશ્વીન ચૌહાણ અને એચ કે આર્ટસ કોલેજના પ્રાધ્યાપક સંજય ભાવે બીજા શિક્ષક કરતા જુદા પડે છે. તેઓ પોતાના વિદ્યાર્થીઓ ઉત્તમ પરિણામ લાવે તેવા પ્રયત્ન વર્ગખંડમાં કરે છે, પરંતુ તેની સાથે તેઓ બહારની દુનિયામાં સારા માણસ બને તેની નીસ્બત રાખે છે અને તે દિશામાં પ્રયત્ન પણ કરે છે, તેમની કોલેજનો સમય પુરો થાય ત્યાર પછી તેમની સાથે તેમના વિદ્યાર્થીઓ કોઈને કોઈ પ્રશ્ન સાથે તેમની સાથે જ હોય જ હોય છે, માત્ર તેમણે કોલેજ પુરતી વિદ્યાર્થીઓને આ મોકળાશ અને તક આપી નથી, કોલેજના સમય ઉપરાંત અને રજાના દિવસોમાં પણ વિદ્યાર્થી તેમના ઘરે જઈને પણ તેમને પરેશાન કરી શકે છે.
સ્કૂલ કોલેજનો સમય પાંચ-સાત કલાકનો હોઈ શકે છે, પણ કોઈ શિક્ષકને કલાકોમાં વહેંચી શકાય નહીં કારણ શિક્ષક ચોવીસ કલાક માટે શિક્ષક હોય છે અને તેમણે મુત્યપુર્યત શિક્ષક જ રહેવાનું હોય છે. શ્વીન ચૌહાણ અને સંજય ભાવેનો મને અનેક વખત ફોન આવે અમારા ફલાણા વિદ્યાર્થીના જીવનમાં આવી સમસ્યા છે આપણે તેમને કેવી રીતે મદદ કરી શકીશું, આ પ્રાધ્યાપકો વિદ્યાર્થીના જીવનની રોજમરોજની જીંદગીમાં રસ લે છે તેમની નીસબત માત્ર વર્ગ પુરતી સિમીત નથી, મને પણ વર્ગખંડની બહારના શિક્ષકો યાદ રહ્યા છે કારણ તેમણે મને જીવતા શીખવાડયું છે, મેં અનેક એવા શિક્ષકો પણ જોયા છે જયારે વિદ્યાર્થીઓ પોતાના વ્યકિતગત પ્રશ્ન તેમની પાસે લઈ જાય ત્યારે તેઓ પોતાની જાતને તેનાથી દુર રાખવાનો પ્રયત્ન કરે છે કારણ તેઓ માને છે તેમને પગાર વર્ગખંડ માટે મળે છે, વર્ગખંડ બહાર વિધ્યાર્થીઓ સાથે શુ બને છે અને તેઓ શુ કરે છે તે તેમની નીસબત નથી, પણ જેઓ વર્ગખંડની બહાર જીવતા શીખવાડે તેવા શિક્ષકો વિદ્યાર્થીની નજરમાં કયારેય નિવૃત્ત થતાં અને મૃત્યુ પામતા નથી.
![]() |
![]() |
![]() |











