જયેશ શાહ (નવજીવન.કચ્છ) : એક તરફ જયાં ગુજરાત વિધાનસભામાં વિપક્ષ કોંગ્રેસ દ્વારા ખેડૂતોને વીજળી આપવા અંગે ગૃહને માથે લીધું હતું તેવામાં ઉર્જા મંત્રી તેમનાં વિભાગનાં સચિવ સહિતની ટીમ સાથે આવતીકાલે ગુરુવારે તાબડતોડ દિલ્હી જઈ રહ્યા છે. તેઓ દિલ્હીમાં પાવર મિનિસ્ટ્રીમાં ગુજરાતમાં વીજ સપ્લાય અંગે બેઠક કરવા જઈ રહ્યા છે. વિપક્ષના હંગામા વચ્ચે ચાલુ વિધાનસભા દરમિયાન ગુજરાત સરકારનો ઉર્જા વિભાગે દિલ્હીની વાટ પકડતા રાજ્યમાં વીજ સંકટ ઉભું થયું હોવાની પણ ચર્ચા ઉઠી છે.
સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે, ઉર્જા ગુજરાત સરકારનાં મંત્રી મંત્રી કનુ દેસાઈ, ઉર્જા વિભાગનાં અધિક મુખ્ય સચિવ મમતા વર્મા, GUVNLનાં એમડી જયપ્રકાશ શિવહરેની સાથે એક ટેક્નિકલ ટીમનો કાફલો આવતીકાલે ગુરુવારે દિલ્હી જઈ રહ્યો છે. ઉર્જા મંત્રી દેસાઈની અધ્યક્ષતામાં આ પ્રતિનિધિ મંડળ કેન્દ્રના પાવર મંત્રાલય સાથે બેઠક કરવાનું છે. જેમાં ગુજરાતમાં પાવર સપ્લાય અંગે વિશેષ ચર્ચા કરવામાં આવશે.
વિધાનસભામાં ઉર્જા મંત્રીનાં રશિયા-યુક્રેન યુદ્ધને લીધે વીજળીની ઓછી હોવાનાં નિવેદન બાદ દિલ્હી મુલાકાતને સૂત્રોએ મહત્વપૂર્ણ ગણાવીને રાજ્યમાં વીજ સંકટ ગંભીર હોવાનો દાવો કરી રહ્યા છે.
આઠની સામે પાંચ કલાક વીજળી મળે છે, જ્યોતિગ્રામ યોજનામાં પણ ઓછી વીજળી
ગુજરાતનાં તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાજ્યનાં ખેડૂતો માટે જ્યોતિગ્રામ યોજના હેઠળ ચોવીસ કલાક વીજળી આપવાની શરૂઆત કરવામાં આવી હતી. પરંતુ તેમાં વીજળી ન મળતી હોવાનાં આક્ષેપ થઈ રહ્યા છે. જે યોજનાને સરકાર અને વડાપ્રધાન મોદી સિદ્ધિ તરીકે કાર્યક્રમોમાં વખાણી રહ્યા છે તેમાજ વીજળીનું ગાબડું પડતા સરકાર અને ભાજપની થીંક ટેન્ક ચોંકી ઉઠી છે. અધૂરામાં વિધાનસભામાં વિપક્ષના વીજળી પુરવઠા અંગેનાં હંગામાએ પણ મિડિયામાં ખાસ્સું એવું ધ્યાન આકર્ષિત કર્યું છે. અને લોકોમાં વીજ પુરવઠા અંગેનો મામલો ધ્યાનમાં આવ્યો છે. રોડ શોનાં ભવ્ય પ્રદર્શન બાદ રાજ્યમાં વીજ સંકટની ચર્ચાએ વિધાનસભાની ચૂંટણીમાં વિપક્ષને મુદ્દો મળી ગયા હોવાનું ધ્યાનમાં આવતા ભાજપનું પ્રદેશ સંગઠન પણ વાત વધે તે પહેલા શાંત થઈ જાય તેવી કવાયતમાં છે.
![]() |
![]() |
![]() |











