Monday, April 20, 2026
HomeGeneralકેસુડાના ફૂલોમાંથી બનેલા રંગો પંચમહાલની આ મહેનતુ મહિલાઓના જીવનમાં હોળી પહેલા દિવાળી...

કેસુડાના ફૂલોમાંથી બનેલા રંગો પંચમહાલની આ મહેનતુ મહિલાઓના જીવનમાં હોળી પહેલા દિવાળી લાવ્યા, જાણો કેવી રીતે

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગોધરા: ધૂળેટીનો તહેવાર નજીક છે ત્યારે પંચમહાલ જિલ્લામાં હાલોલ તાલુકાનાં સખીમંડળની બહેનોએ કેસુડા-ગલગોટાનાં ફૂલો, પાલક, બીટ અને ગુલાબમાંથી કુદરતી રંગો બનાવીને હોળી રમવા માટે કેમિકલયુક્ત રંગોના બદલે સલામત એવા ઓર્ગેનિક કલર્સના વિકલ્પો પૂરા પાડ્યા છે. ડિસ્ટ્રીક્ટ લાઈવલીહૂડ મેનેજર આદિત્ય મીણા જણાવે છે કે વાળ, ત્વચા, આંખો અને પર્યાવરણને નુકસાન પહોંચાડતા કેમિકલયુક્ત રંગોનાં બદલે ઓર્ગેનિક કલર્સની માંગ મેટ્રો શહેરો સહિત સમગ્ર દેશમાં મોટા પાયે વધી છે. આ ફૂલો અને નેચર સાથે જોડાયેલા રંગો તેમના જીવનમાં હોળી પહેલા દિવાળી જેવો પ્રકાશ લઈને આવ્યા છે અને તેઓ તેનાથી આજીવિકા ઊભી કરી રહ્યા છે.



પંચમહાલ જિલ્લામાં કેસુડાનાં વૃક્ષો સારા પ્રમાણમાં થાય છે. કેસુડાના ફૂલોમાં રહેલા તત્વો તેને ત્વચા સંબંધી રોગોનાં ઈલાજ સહિત ત્વચાને સ્વસ્થ રાખવા માટે અતિ ઉપયોગી છે અને તેથી જ પ્રાચીન કાળથી કેસુડાના ફૂલો અને તેમાંથી બનાવેલા રંગોથી હોળી રમવાની પરંપરા રહી છે. જેથી હોળીના સમયગાળા દરમિયાન સખીમંડળની મહિલાઓ કેસુડા જેવી સ્થાનિક પેદાશોમાંથી આવક રળી શકે અને લોકોને કુદરતી રંગોનો વિકલ્પ પૂરો પાડી શકે તે માટે આ પ્રવૃતિ હાથ ધરવામાં આવી છે. હાલોલ તાલુકાના મસવાડના 3 સખી મંડળો રીતીક મહિલા મંડળ, અભિલાષા મિશન મંગલમ સ્વસહાય જૂથ અને વૃષ્ટિ મિશન મંગલમ સ્વસહાય જૂથની બહેનોએ સેન્ટર ફોર એન્વાર્યમેન્ટ એજ્યુકેશન (સીઈઈ) અને એલબીસીટીનાં સહયોગથી તાલીમ મેળવી ‘પંચમ’ બ્રાન્ડ હેઠળ આ રંગો અને સાબુ સહિતની બનાવટોનું વેચાણ શરૂ કર્યું છે.

- Advertisement -


જિલ્લા સેવાસદન ગોધરા ખાતે પણ તેનાં એક વેચાણકેન્દ્રનો કલેક્ટર સુજલ મયાત્રાનાં હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. આ બહેનોને તાલીમ સહિતનું માર્ગદર્શન પૂરુ પાડતા સીઈઈના કોમ્યુનિટી મોબલાઈઝર ખ્યાતિબેન પરમારે જણાવ્યું હતું કે પર્યાવરણ અને શરીરને બિનહાનિકારક એવા ઓર્ગેનિક કલર્સનું બજાર સતત મોટું થઈ રહ્યું છે ત્યારે સ્થાનિક કુદરતી પેદાશોનો ઉપયોગ કરી આવા રંગોનાં ઉત્પાદન થકી સખીમંડળની મહિલાઓને આવક મળે તે હેતુથી છેલ્લા બે વર્ષથી આ પ્રકારની તાલીમ આપવામાં આવી રહી છે, જેમાં દર વર્ષે અલગ-અલગ સખીમંડળની બહેનોને રંગોનાં ઉત્પાદન, પેકેજિંગ, માર્કેટિંગ સહિતની તાલીમ આપવામાં આવે છે. આ ઉપરાંત, કેસુડાના ફૂલોમાંથી ઓર્ગેનિક સાબુ તેમજ બેધિંગ બેગ્સ પણ બનાવવામાં આવે છે, જેની માંગ સારી છે. આ ઉત્પાદનો માટે રો મટીરીયલ એવા કેસુડાના ફૂલો મંડળના બહેનો પાસેથી જ 25 રૂ. પ્રતિ કિલોના હિસાબે ખરીદવામાં આવે છે. ગયા વર્ષે 200 કિલો કરતા વધુ ઓર્ગેનિક કલર્સ અમદાવાદ, પૂણે, જયપુર, કોલકાતા જેવા શહેરોમાંથી ખરીદવામાં આવ્યો હતો અને રૂ. 30 હજાર કરતા વધુના મૂલ્યનું વેચાણ થયું હતું. આ વર્ષે પણ 100 કિલો કરતા વધુ જથ્થામાં રંગ માટેનાં ઓર્ડર આવ્યા છે અને પાછલા વર્ષની સરખામણીએ વધુ સારૂ વેચાણ થવાની આશા છે. તેમણે ઉમેર્યું હતું કે તાલીમ મળ્યા બાદ રૂ. 5 હજાર જેટલું રોકાણ કરીને આ ઉદ્યમ શરૂ કરી શકાય છે.



10 કિલો જેટલા કેસુડાના ફૂલોમાંથી 700 ગ્રામ જેટલો કલર બને

કેસુડાના ફૂલોમાંથી કેસરી, ગલગોટામાંથી પીળો, બીટ-ગુલાબમાંથી ગુલાબી અને પાલકમાંથી લીલો રંગ બને છે. સખીમંડળનાં શારદાબેન પરમાર જણાવે છે કે રંગ બનવવા માટે કેસુડાના ફૂલોમાંથી તેમની પાંદડીઓ અલગ કરવામાં આવે છે. ત્યારબાદ તેને ઉકાળીને ગાળીને પલ્પ બનાવી સૂકવવામાં આવે છે. તેની મેડિસીનલ પ્રોપર્ટીઝ જળવાઈ રહે તે માટે તેને એક દિવસ સૂર્યપ્રકાશમાં અને ત્યારબાદ થોડા દિવસ છાંયડામાં સૂકવવામાં આવે છે. તેનાં કાળા મૂળ જેવા ભાગને કાઢી નાંખી તેમાં હળદર ઉમેરી બારીક દળી, છાણીને રંગ તૈયાર થાય છે. 10 કિલો જેટલા કેસુડાના ફૂલોમાંથી આ પ્રક્રિયાનાં અંતે 700 ગ્રામ જેટલો કલર બને છે. જ્યારે પાલક, ગલગોટા, બીટ, ગુલાબને ક્રશ કરી તેમનાં પલ્પને સૂકવી દળીને રંગ બનાવવામાં આવે છે.

- Advertisement -


- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular