નવજીવન ન્યૂઝ.ભિલોડાઃ ભિલોડાના ધારાસભ્ય અને કોંગ્રેસના અગ્રણી નેતા ડો.અનિલ જોષીયારા કોરોનાની વધુ સારવાર માટે ચેન્નાઇની હોસ્પિટલમાં ખસેડાયા હતા. ગત રોજ કોરોના સામે જંગ હારી જતા આજ રોજ તેમના માદરે વતન ચુનાખાણ ગામે નશ્વર દેહ લાવવામાં આવ્યો હતો. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને આદિવાસી સમાજનું ઘરેણું ડો.અનિલ જોષીયારાના મોતને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસના રાહુલ ગાંધી, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સોશ્યલ મીડિયા થકી શોકાંજલિ અર્પી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સ્વ. ડો અનિલ જોષીયારાના વતન ચુનાખાણ પહોંચી પાર્થિવ દેહ પર પૂષ્પાંજલિ અર્પણ કરી સદ્દગતને અંતિમ વિદાય આપી પરિવારજનોને શાંત્વના પાઠવી હતી. ભિલોડા અને શામળાજી સજ્જડ બંધ પાળી લોકપ્રિય નેતા ડો.અનિલ જોષીયારાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન અને પૂર્વ આરોગ્ય મંત્રી તેમજ ભિલોડા વિધાનસભાના ધારાસભ્ય ડોક્ટર અનિલ જોષિયારાને શ્રદ્ધાજલિ આપવા માટે પહોંચ્યા હતા, જેમાં ડો. અનિલ જોષીયારાના અંતિમ દર્શન કરવા મંત્રી નરેશ પટેલ, શિક્ષણ રાજ્યમંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી કુબેર ડીંડોર, કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, અર્જૂન મોઢવાડિયા, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના આગેવાન મધુસુદન મિસ્ત્રી, વિધાનસભા વિરોધપક્ષના નેતા સુખરામ ભાઇ રાઠવા તથા સર્વે ધારાસભ્યો રાજેન્દ્રસિંહ, પૂંજા વંશ, જશુ પટેલ, અશ્વિન કોટવાલ અને અન્ય અગ્રણીઓએ પણ સદ્દગતના નશ્વર દેહને પુષ્પાંજલિ અને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાન, ગુજરાત સરકારના પૂર્વ આરોગ્ય મંત્રી અને ભિલોડા વિધાનસભાના ધારાસભ્ય સ્વ. અનિલ જોશીયારાની અંતિમ યાત્રામાં જોડાઈ શ્રદ્ધાંજલિ અર્પણ કરી પરિવાર સ્વજનોને સાંત્વના પાઠવી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે લખ્યું કે, પરમકૃપાળુ પરમાત્મા એમના દિવ્ય આત્માને શાંતિ અર્પે અને એમના પરિવાર સ્વજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે.

![]() |
![]() |
![]() |











