નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: નમો ઈ ટેબલેટ યોજના અંતર્ગત કોલેજના વિદ્યાર્થીઓને 1000 રૂપિયામાં ટેબલેટ આપવામાં આવે છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી વિદ્યાર્થીઓને 1000 રૂપિયા ભરી દીધા હોવા છતાં ટેબલેટ મળ્યા ન હોવાની ફરિયાદો સામે આવી હતી. તેવામાં વિધાનસભામાં સરકારે સ્વીકાર્યું છે કે નાણા વિભાગના ઠરાવમાં કરકસરની સૂચનાઓને કારણે આ વિદ્યાર્થીઓને ટેબલેટ આપી શકાયા નથી.
અમદાવાદ જિલ્લાના 1702 વિદ્યાર્થીઓ પાસેથી ટેબલેટ માટે 17.02 લાખ રૂપિયા ઉઘરાવી લીધા બાદ સરકારે માત્ર 50 ટકા જેટલા વિદ્યાર્થીને જ ટેબલેટ આપ્યા છે. છેલ્લા બે વર્ષમાં અમદાવાદ જિલ્લામાં માત્ર 882 વિદ્યાર્થીઓને ટેબલેટ આપવામાં આવ્યા છે. બાકીના વિદ્યાર્થીઓએ બે વર્ષ પહેલા રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં 820 વિદ્યાર્થીઓને ટેબલેટ આપી શકાયા નથી. કેટલાક વિદ્યાર્થીઓનો અભ્યાસ પણ પૂર્ણ થવા આવ્યો છે તેમ છતાં ટેબલેટથી વંચિત છે.
વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય લાખા ભરવાડે પુછેલા પ્રશ્નના લેખિત જવાબમાં શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે વર્ષ 2020માં 1702 વિદ્યાર્થીઓ પાસેથી ટેબલેટ ફી લેવાઇ હતી તે પૈકી 882 વિદ્યાર્થીને ટેબલેટ અપાયા છે. જ્યારે 820 વિદ્યાર્થીઓને ટેબલેટ અપાયા નથી. વિદ્યાર્થીઓને ટેબલેટ નહીં આપવાના કારણમાં તા.6-6-2020ના નાણા વિભાગના ઠરાવમાં કરકસરની સૂચનાઓને કારણે આ વિદ્યાર્થીઓને ટેબલેટ આપી શકાયા ન હોવાનું શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે સરકારી કાર્યક્રમ પાછળ બેફામ કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવતો હોય છે પરંતુ જ્યારે વિદ્યાર્થીઓ પૈસા ભર્યા હોવા છતાં તેમને ટેબલેટ આપવામાં આવ્યા નથી. ત્યારે જોવાનું રહ્યું કે વિદ્યાર્થીઓના અભ્યાસ પૂર્ણ થાય તે પહેલા સરકાર ટેબલેટમાં સફળ થશે કે નહીં?
![]() |
![]() |
![]() |











