નવજીવન ન્યૂઝ. સાણંદ: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી મહિલાઓ સામેના ગુનાઓમાં વધારો થઈ રહ્યો છે. અપરાધીઓને જાણે પોલીસનો કોઈ ડર જ ન રહ્યો હોય તેમ મહિલાઓની હત્યાના કિસ્સા સામે આવી રહ્યા છે, ત્યારે અમદાવાદનાં સાણંદ તાલુકામાં વધુ એક આવો કિસ્સો સામે આવ્યો છે. સાણંદની નજીક આવેલા નિધરાડ ગામમાં રેલવે સ્ટેશન નજીક એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. સાણંદ પોલીસ દ્વારા મૃતદેહને સાણંદ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ મૃતક મહિલા છેલ્લા ઘણા સમયથી એક યુવાન સાથે રહેતી હતી. કોઈ કારણોસર બંને વચ્ચે તકરાર થઈ અને મહેન્દ્ર નામના આ યુવકે દંડા દ્વારા મહિલાને માર માર્યો હતો જેના કારણે તેનું અકાળે મૃત્યુ થયું હતું. આ ઘટનાના બીજા દિવસે પોલીસને મહિલાનો મૃતદેહ મળ્યો હતો. સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટમોર્ટમમાં પણ મહિલાને દંડા વડે માથાના ભાગમાં ઇજા પહોંચી હોવાને કારણે મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે.
સાણંદ પોલીસ દ્વારા આરોપી મહેન્દ્રની અટકાયત કરી લેવામાં આવી છે. સાણંદ એલસીબી પોલીસ ઈન્સ્પેકટર એચ બી ગોહિલે જણાવ્યુ હતું કે, “આરોપીની ધરપકડ બાદ તેને કબૂલ્યું હતું કે મૃતક મહિલાને તેણે જ માર માર્યો હતો, જો કે તેનો હત્યા કરવાનાઓ કોઈ ઇરાદો ન હતો. તે મહિલા સાથે ઘણા લાંબા સમયથી રહેતો હતો અને બંને વચ્ચે કોઈ બાબતે તકરાર થતાં તેણે મહિલાને દંડથી માર્યું હતું પણ તેનું મૃત્યુ થાય તેવો કોઈ ઇરાદો ન હતો.”
![]() |
![]() |
![]() |











