નવજીવન ન્યૂઝ.કચ્છ: ભચાઉમાં નોકરી કરતા અને ગાંધીધામમાં રહેતા DySPના ઘરે થયેલી ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. જે ઝડપથી પોલીસે કાર્યવાહી કરી તે ખરેખર અભિનંદનને પાત્ર છે. બસ, આવી જ ત્વરિત કાર્યવાહી પોલીસ સ્ટેશનમાં આવતા અમારા તમારા જેવા સામાન્ય લોકો માટે કરશો તો તમારો ઉપકાર અમે જીંદગીભર નહીં ભૂલીએ.
ભચાઉનાં SDPO એવા નાયબ પોલીસ અધિક્ષક કે.જી. ઝાલા ઉર્ફે કિશોરસિંહ ઘનશ્યામસિંહ ઝાલા પરિવાર સાથે બહાર ગયા હતા ત્યારે તેમનાં ઘરે ત્રીજીથી ચોથી માર્ચ દરમિયાન ચોરીની ઘટના બની હતી. પોલીસમાં થયેલી સત્તાવાર ફરિયાદ પ્રમાણે, સોના ચાંદીનાં દાગીના, ભગવાનની મૂર્તિઓ, મોંઘો આઈ-ફોન, ટેબલેટ, રોકડ વગેરે મળીને કુલ ચાર લાખ બે હજારનો મુદામાલ ચોરાયો હતો. વાત ડેપ્યુટી એસપી કક્ષાનાં કલાસ વન પોલીસ અધિકારીની હતી, એટલે પહેલા તો ફરિયાદ વિના જ ચોરને શોધવા પોલીસ એક્ટિવ થઈ હતી પરંતુ ચારેક દિવસ સુધી મેળ ન પડતા છેવટે ફરિયાદ દાખલ કરી.
બે પોલીસ ઇન્સ્પેક્ટર, એક સબ ઇન્સ્પેક્ટર, ગાંધીધામના બંને ડિવિઝનના સ્ટાફ સહિત જિલ્લા કક્ષાની પોલીસની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ (આ વાત પોલીસે સત્તાવાર પ્રેસ નોટમાં કબુલી છે !)ને લગાવી ટેક્નિકલ સર્વેલન્સથી માંડીને હ્યુમન સોર્સનો ઉપયોગ કરી પોલીસે ચોરી કરનારને ઝડપી લીધો હતો. અન્ય ત્રણ આરોપી હજુ પોલીસની પહોંચથી બહાર છે અને ચાર લાખના મુદ્દામાલમાંથી માત્ર બાર હજાર રિકવર થયા છે. પણ મહત્વનું એ નથી. પોલીસની પ્રોમ્પ્ટ કાર્યવાહી વખાણવા લાયક છે. બસ માત્ર અપેક્ષા એટલી છે કે આવી જ કાર્યવાહી, ચોરીની અન્ય ઘટનાઓમાં પણ થાય. ફરીથી એક વાર ગાંધીધામની પોલીસને ખૂબ ખૂબ અભિનંદન.
![]() |
![]() |
![]() |











