હરેશ ભટ્ટ (નવજીવન ન્યૂઝ.સુરત): સુરતના પાંડેસરા પોલીસ મથકની હદમાં માતા-પુત્રીની લાશ ફેંકી જનારા બન્નેને પોલીસે પકડી પાડ્યા. માતા-પુત્રીની હત્યા કરનારા હરસહાય ગુર્જરને ફાંસીની અને મદદ કરનારા હરિઓમ ગુર્જરને આજીવન કેદની સજા કોર્ટ ફટકારાઈ ચૂકી છે. ત્યારે આ ગુનાની તપાસ દરમિયાન પોલીસને અનેક આંટીઘૂંટીમાંથી પસાર થવું પડ્યું હોવાની વાત અત્રે પ્રગટ કરવામાં આવી છે. આંધ્રપ્રદેશથી એક દંપત્તિ આવ્યું અને કહ્યું આ પુત્રી અમારી છે. આ મુદ્દે પોલીસ મથક માથે લીધું મામલો થોડા સમય માટે ઉગ્ર બની ગયો આખરે ઘીના ઠામમાં ઘી પડી ગયું.
બહુ ચર્ચિત આ કેસ રાષ્ટ્રીય સ્તર પર ચેનલ્સના માધ્યમથી પહોંચી ગયો. પરિણામે આંધ્રપ્રદેશના એક દંપત્તિના ધ્યાન પર આ વાત આવી. એ દંપત્તિની પુત્રી પણ એ જ અરસામાં એટલે કે 2018ના વર્ષમાં ગુમ થઈ હતી. જેથી આંધ્રપ્રદેશના એ દંપત્તિએ આંધ્રપ્રદેશ પોલીસનો સંપર્ક કર્યો. ત્યાંથી પોલીસને સાથે લઈ આ દંપત્તિ સુરત પહોંચ્યું.
બીજી બાજુ બન્યું એવું કે આ દંપત્તિ પહોંચે એ પૂર્વે સુરત પોલીસે ડીએનએ ટેસ્ટ કરાવી પુત્રીના અસલી પિતાને શોધી લીધા હતા. જેથી પોલીસ જાણતી હતી કે આ પુત્રી આંધ્રપ્રદેશના દંપત્તિની નથી. પણ આ વાત આંધ્રપ્રદેશનું એ દંપત્તિ માનવા તૈયાર ન હતું. તેમણે તો બૂમબરાડા કરી પોલીસ સ્ટેશન માથે લીધું. થોડા સમય માટે મામલો ગરમાયો. આખરે આ વાત પહોંચી પીઢ, અનુભવી અને વહીવટી કૂશળતા ધરાવતા તત્કાલીન પોલીસ કમિશનર સતીશ શર્મા પાસે.
તેમણે વચ્ચેનો રસ્તો કાઢ્યો. આંધ્રપ્રદેશના દંપત્તિને સંતોષ થઈ જાય તે માટે પુત્રીનો ડીએનએ ટેસ્ટ કરાવી આંધ્રપ્રદેશના દંપત્તિ સાથે મેચ કરાવવાનો નિર્ણય પોલીસે લીધો. આખરે ડીએનએ ટેસ્ટ મેચ ન થતાં આંધ્રપ્રદેશની પોલીસે આ દંપત્તિને સમજાવ્યું અને એ રીતે આ દંપત્તિ આંધ્રપ્રદેશ તરફ રવાના થયું. આ તમામ પ્રક્રિયામાંથી પોલીસ હેમખેમ બહાર આવી તેમાં ક્રાઇમ બ્રાન્ચના મદદનીશ પોલીસ કમિશનર આર.આર. સરવૈયાનો અનુભવ, ધીરજ અને કુનેહ સાથે તત્કાલીન પોઈ બી.એન. દવેની ઝીણવટભરી રીતે કામ કરવાની પદ્ધતિ કામ લાગ્યા હતા. આ સિવાય પણ અનેક આંટીઘૂંટી આ કેસમાં આવી છે. અનેક વળાંકો આવ્યા છે. એ તમામમાંથી પોલીસ કેવી રીતે હેમખેમ બહાર આવી તેની વિગતો અત્રે પ્રગટ કરવામાં આવશે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












