નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાનો સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. તેવામાં અમદાવાદ એરપોર્ટ પર વધુ એક વિદેશી યુવક ડ્રગ્સ સાથે ઝડપાયો છે. તાજેતરમાં જ અમદાવાદ એરપોર્ટ પર કેન્યાથી આવેલી યુવતીના પેટમાંથી 50થી વધુ ડ્રગ્સની કેપસ્યૂલ સાથે ઝડપાઇ હતી. જો કે તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું.
અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી તાંઝાનિયાના મુસાફરના બેગમાંથી ડીઆરઆઇના અધિકારીઓને 14 કરોડનું હેરોઇન મળી આવ્યું હતું. ડ્રગ્સ પકડાઈ નહીં તે માટે બેગમાં પાર્ટીશન બનાવીને સંતાડવામાં આવ્યું હતું. ડ્રગ્સ લઈને આવેલો મુસાફર પકડાઈ જતાં તેને એરપોર્ટ પર લેવા આવેલા સાગરીતો પણ નાસી છૂટ્યા હતા. ડીઆરઆઇના અધિકારીએ મુસાફરની ધરપકડ કરી હતી. આ ડ્રગ્સને મુંબઈ અને દિલ્હી મોકલવાનું હોવાનું સામે આવ્યું હતું.
તાંઝાનિયાના મુસાફરના બેગમાંથી મળી આવેલું ડ્રગ્સ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના અધિકારીઓએ બ્રાઉન પાવડરની ફિલ્ડ ડ્રગ આઇડેન્ટિફીકેશન ટેસ્ટ કીટ દ્વારા તપાસ કરતા તે ડ્રગ્સ હોવાનું સામે આવ્યું હતું. બ્રાઉન કલરના પાવડરની પ્રાથમિક તપાસમાં તે હેરોઈન ડ્રગ હોવાનું સામે આવ્યું હતું. મુસાફરની બેગમાંથી કુલ 2 કિલો ડ્રગ્સ રીકવર કર્યું હતું. તાન્ઝાનિયાના યુવકે ડ્રગ્સ ટ્રાફિકિંગ સાથે સંકળાયેલો હોવાનું સ્વીકાર્યું હતું . યુવકે કબુલાત કરતાં દેશમાં નારકોટીકસ ડ્રગ્સ ઘુસાડવાના ગુનામાં NDPS એક્ટ 1985 હેઠળ તેની ધરપકડ કરવામાં આવી હતી .
![]() |
![]() |
![]() |











