નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: ગુજરાતમાં આજે 14મી વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ થયો હતો. સત્રના બીજા દિવસે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ બજેટ રજૂ કરશે. આજે સદનમાં રાજ્યપાલના સંબોધન સાથે સત્રનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તેમજ શોક દર્શક ઉલ્લેખ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકરને શ્રધ્ધાંજલી આપવામાં આવશે. રાજ્યપાલ સંબોધન વખતે જ વિરોધ પક્ષે હોબાળો મચાવી આક્રમક મૂડ બતાવ્યો હતો. રાજ્યની 14મી ગુજરાત વિધાનસભાના પ્રારંભ સાથે જ આવતીકાલે બજેટ રજૂ કરવામાં આવશે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને કર ઘટાડો કે કર વિહોણું બજેટ રજૂ થઈ શકે છે તેવી શક્યતાઓ છે. તેની સાથે લોકોને ઘણી નવી યોજનાઓ પણ બજેટમાં જોવા મળી શકે છે. સરકાર શિક્ષિત, ખેડૂતો, વેપારી અને બેરોજગાર વર્ગના રોષને ધ્યાનમાં રાખીને તેમને ખુશ કરવાના સંપૂર્ણ પ્રયાસ કરી શકે છે. આ બજેટ સત્ર કુલ 26 બેઠકોમાં મળશે જેનું સમાપન તારીખ 31 માર્ચના રોજ થશે.
બજેટ સત્રમાં વિપક્ષની ભૂમિકામાં કોંગ્રેસ આકરા તેવર બતાવે તેવી શક્યાતાઓ વધારે છે. જેમાં કોંગ્રેસ મુખ્યત્વે પેપર લીક કાંડ, રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પર આક્ષેપ અને ગોડસે વાદી વિચારધારાના ફેલાવા સાથે જ ખેડૂતોના પ્રશ્નો પણ સરકાર સામે ઉઠાવી શકે છે. શિક્ષિત બેરોજગારોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. તે તેમજ પૂર્વ મુખ્યમંત્રી પર કથિત આક્ષેપો મામલે કોંગ્રેસ સરકારને ઘેરે તેવી પુરી શક્યાતાઓ છે. ઉલ્લેખનિય છે કે તાજેતરમાં જ રાજકોટમાં પોલીસના કથિત કાંડ સામે આવ્યા બાદ મુખ્યમંત્રી રૂપાણી પર સહારા જમીન મામલે કોંગ્રેસના વિરોઘ પક્ષના નેતા સુખરામ રાઠવાએ આરોપ મુક્યા હતા. ઉપરાંત હત્યાઓ, ગુનાખોરી વગેરે મામલે જેથી કોંગ્રેસ આ મામલે સરકારને ઘેરશે તેવી શક્યાતાઓ પ્રબળ છે.
બજેટ રજૂ કરતા પહેલા જ નાણામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું કે, બજેટ રાહત આપનાર અને મહિલાઓ, માછીમારો, ખેડૂતો, નોકરીયાત વર્ગ તેમજ યુવાનો માટે ખુબ સારૂ રહેશે. આવતીકાલે ગુરૂવારના દિવસે તેઓ બજેટ સત્રમાં બજેટ રજૂ કરશે.
રાજ્યના બજેટમાં નવી યોજનાઓ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિતની બાબતો પર જોર મુકવામાં આવે તેવા અહેવાલ છે. સાથે જ લેન્ડ ગ્રેબિંગ, કૃષી મહેસૂલ વિભાગના સુધારા વિધેયકો પણ પસાર કરવામાં આવશે. આ તમામ બાબતો વચ્ચે સરકાર પર દબાણ વિપક્ષનું રહેશે. કારણ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારનુ પ્રથમ બજેટ છે, અને તે પહેલા જ રાજ્યમાં કેટલાક મોટા આક્ષેપો બહાર આવ્યા છે. જેથી વિપક્ષને સરકારને ઘેરવામાં સરળતા રહેશે. ટૂંકમાં કહીએ તો બજેટ સત્ર તોફાની રહે તેવા એંધાણ છે.
બજેટ સત્ર કુલ 26 બેઠકમાં મળવા જઈ રહ્યું છે. આજે 2 માર્ચથી શરૂ થેયેલુ સત્ર 31 માર્ચે સમાપ્ત થશે. આ સત્ર દરમિયાન કુલ 9 રજાઓ આવશે ત્યારે કોઈ કામગરી કરવામાં આવશે નહી. સાથે જ કોરોનાની સ્થિતની ધ્યાને રાખી ગૃહમાં વિશેષ વ્યવસ્થાઓ પણ કરવામાં આવશે. સોશિયલ ડિસ્ટન્સ સાથે જ સભ્યોની બેઠક વ્યવસ્થા કરવામાં આવશે અને કોરોના ટેસ્ટ ફરજિયાત નહીં પણ રસીના બંને ડોઝના સર્ટીફિકેટની ચકાસણી પ્રવેશ પહેલા કરવામાં આવશે.








