Friday, May 1, 2026
HomeGeneralરસ્તામાં સામાન્ય ચોર પકડાય તો ટોળુ કેમ તેની ઉપર તુટી પડે છે...

રસ્તામાં સામાન્ય ચોર પકડાય તો ટોળુ કેમ તેની ઉપર તુટી પડે છે ?

- Advertisement -

પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): રસ્તામાં સામાન્ય અકસ્માત થાય અથવા સામાન્ય ચોરી કરતા ચોરને લોકો પકડી પાડે તો સાદી સમજ એવી છે કે આ મામલે પોલીસને જાણ કરી મામલો પોલીસને સોંપવો જોઈએ પણ મોટા ભાગના કિસ્સામાં લોકો જ તેને જાહેરમાં ફટકારવા લાગે છે. આવી અનેક ઘટનાનો હું સાક્ષી રહ્યો છુ અને અણસમજને કારણે હિસ્સો પણ બન્યો છુ, પણ આપણે આવુ કેમ કરીએ છીએ તે અંગે વિચાર કરતા નથી, મને લાગે છે જયારે જાહેરમાં આપણને જે ઘટના સાથે વ્યકિતગત નીસ્બત નથી છતાં કુદી પડીએ છીએ તેની પાછળ માત્ર તે ઘટના કારણભુત નથી આપણા મનમાં ચાલતા અનેક પ્રકારના દ્વંધ અને ગુસ્સાનું તે પ્રતિક્રિયા છે. આપણે ઘણી બધી ઘટનાઓથી નારાજ છીએ, જેમાં આપણી નોકરીની સમસ્યા, આર્થિક તંગી, સહિત ઘરના વિવિધ પ્રશ્નો છે, આપણને લાગે છે આપણા પ્રશ્નનો અંત જ આવતો નથી આ બધી સ્થિતિમાંથી આપણે જયારે પસાર થતાં હોઈએ ત્યારે રસ્તામાં કોઈને અકસ્માત નડી જાય અથવા કોઈ નાનો ચોર પકડાઈ જાય ત્યારે આપણે પણ તેને મારતા ટોળામાં જોડાઈ આપણો વ્યકિતગત ગુસ્સો તેની ઉપર ઉતારી દઈએ છીએ.



બીજા કારણ એવુ છે કોઈ અકસ્માત કરે કોઈ ચોરી કરે અથવા કોઈ પણ પ્રકારના કાયદો તોડે ત્યારે તેને પકડી તેની સામે કોર્ટની કાર્યવાહી કરવાનું કામ પોલીસ અને કોર્ટનું છે, પરંતુ આપણે વર્ષોથી જે સાંભળતા આવ્યા છીએ તેની એટલી માનસીક અસર આપણને થઈ છે કે આપણા અજાગૃત મને સ્વીકારી લીધુ છે પોલીસ અને કોર્ટ ગુનેગારને સજા આપી શકતી નથી. જયારે સમાજનો મોટો વર્ગ આવુ માનવા લાગે ત્યારે જંગલનો કાયદો અસ્તીત્વમાં આવે જાતે ન્યાય તોળવા બેસી જાય છે. ગુજરાતમાં 2002માં જે કોમી તોફાનો થયા ત્યાર બાદ ઈન્ડીયન મુઝાહીદન દ્વારા 2002ના તોફાનનો બદલો લેવા 2008માં અમદાવાદમા સિરિયબ બ્લાસ્ટ કર્યા તેની પાછળ તેમની પણ આ જ માનસીકતા હતી કે કોર્ટ 2002ના તોફાન માટે જવાબદારને સજા આપી શકશે નહીં જેના કારણે તેમણે કાયદો હાથમાં લીધો અને બ્લાસ્ટ કર્યા આમ કોર્ટમાં ન્યાય મળતો નથી અથવા ન્યાય મેળવામાં વર્ષો નિકળી જાય છે તેવી માનસીકતા કાયદો તોડવાની બાબતને પ્રોત્સાહન આપે છે.

ગુજરાત હાઈકોર્ટના સિનિયર કાઉન્સીલ અને ગરીબોના મસિહા સ્વર્ગસ્થ ગીરીશ પટેલ સાથે 2014માં એક વ્યકિતગત કારણસર હાઈકોર્ટમાં મુલાકાત થઈ, થોડા મહિના તેમની નજીક રહેવાનો સદ્દનસીબ મળ્યુ વર્ષોની પ્રેકટીસ પછી તેઓ એવુ દ્રઢપણે માનવા લાગ્યા હતા કે દેશની અદાલતમાં ન્યાય મેળવવામાં એટલો વિલંબ થાય છે કે જયારે ન્યાય મળે ત્યારે તે ન્યાયનો અર્થ રહેતો નથી, ગીરીશ પટેલની પ્રેકટીસ દરમિયાન તેમણે પોતાના કુલ કેસમાંથી 80 ટકા કેસ મફત લડી આપ્યા છે એટલે તેમને ત્યાં વંચીતો, શોષીતો અને પછાતોની ન્યાયની અપેક્ષાએ કતાર લાગી રહેતી હતી, અનેક વખત એવુ થતુ કે કોર્ ખેડુતનો કેસ તેમણે મફતમાં લડી આપ્યો તો કેસ જીત્યા પછી ખેડુત પાસે ફિ આપવાના પૈસા તો ના હોય પણ પોતાના ખેતરમાં થયેલી શેરડીનો ભારો તેમના ઘરે મુકી જતો. ગીરીશ પટેલે કહેલો એક કિસ્સો મને યાદ છે, તેઓ એક ગરીબ મજુરે કંપની સામે કરેલો કેસ લડી રહ્યા હતા ફિનો તો પ્રશ્ન જ ન્હોતો, કેસ વર્ષો સુધી હાઈકોર્ટમાં ચાલ્યો અને મજુરની તરફણેમાં ચુકાદો આવ્યો, ગીરીશ પટેલે એટલે ફાઈલ ઉપર મજુરનો જે ફોન નંબર લખેલો હતો તેની ઉપર ફોન કર્યો અને કેસ જીતી ગયા તેવી જાણકારી આપી પણ સામે છેડે રહેલી વ્યકિત એટલી ગુસ્સામાં હતી તેમણે ગીરીશ પટેલને ગાળો ભાંડી, આખરે જયારે તેમણે પુછયુ કે ભાઈ કેમ ગાળો બોલો છો તો જવાબ મળ્યો તમે જેનો કેસ લડતા હતા તે મારા બાપા હતા તે તો દસ વર્ષ પહેલા મરી ગયા હવે કોર્ટે ન્યાય કર્યો તેનો શુ અર્થ છે



આમ ન્યાય મેળવવામાં વિલંબ થાય છે તેમાં કોઈ શંકા નથી, 2008માં થયેલા બોમ્બ ધડાકાનો ચુકાદો આવતા 14 વર્ષ પસાર થઈ ગયા, જેમણે બોમ્બ ધડાકા કર્યા તેમને મહત્તમ સજા થવી જોઈએ તેની કોઈ જ ચર્ચાને અવકાશ નથી પણ 14 જેલમાં રહ્યા પછી 29 આરોપીઓ સામે કોર્ટ પુરાવા નથી તેમ કહી કોર્ટે તેમને છોડી મુકવાનો આદેશ કર્યો, આમ ન્યાય મેળવવામાં તો વિલંબ થયો પણ જેઓ નિર્દોષ છે અથવા તેમની સામે પુરાવા નથી તે નક્કી કરવા માટે પણ કોર્ટે 14 વર્ષ લીધા, આમ જેઓ નિર્દોષ છુટયા તેમની જીંદગીના 14 વર્ષ કોણ પાછા આપી શકશે અથવા તેમના આ વર્ષોની કેવી રીતે ભરપાઈ થશે તે અંગે આપણી પાસે કોઈ વ્યવસ્થા નથી. ગુનેગારને પણ તેના ગુનાની તરત સજા મળવી જોઈએ અને જેઓ નિર્દોષ છે તેમને પણ કારણવગર જેલમાં રહેવુ પડે નહીં તેવી વ્યવસ્થાની આપણને જરૂર છે તે અંગે આપણે વિચાર સુધ્ધા કર્યો નથી.

- Advertisement -

મેં જોયુ છે કે જયારે કોઈ પણ ઘટનામાં ન્યાયની માંગણી ઉઠે છે તે ન્યાયની ચીચીયારીઓને પાછળ છુપી બદલાની ભાવના પણ હોય છે જેની કયારેય આપણે નોટીસ કરતા નથી ન્યાય અને બદલો બંન્ને અલગ બાબત છે છતાં ન્યાયની માગણી થાય ત્યારે તેમા અજાણતા તેમા બદલાનું મીશ્રણ થાય છે, આપણે જે ન્યાયની વ્યવસ્થા સ્વીકારી છે તેમાં બદલાને કોઈ સ્થાન નથી કાયદામાં દરેક ગુનામાં માટે અલગ અલગ સજાની જોગવાઈ છે, પરંતુ મોટા ભાગના કિસ્સામાં જયારે ન્યાયની માગણી બુંલદ બને છે ત્યારે ત્યારે મેં સાંભળ્યુ છે આરોપીને ફાંસી આપોના નારા લાગે છે આમ ન્યાય બાજુ ઉપર રહી જાય છે તેનું સ્થાન બદલો લઈ લે છે, જો કોઈએ ફાંસી લાયક ગુનો કર્યો છે તો અચુક ફાંસીની સજા થવી જોઈએ પરંતુ આપણે મોટા ભાગના કિસ્સામાં ફાંસીની સજાની માગણી કરીએ છીએ, મહાત્મા ગાધીની નથ્થુરામ ગોડસેએ હત્યા કરી ત્યારે બાદ દેશભરમાં ફાંસીની સજા કરો તેવી માગણી ઉઠી હતી, પરંતુ ગાંધીના સંતાનોએ પોતાના પિતાની હત્યાને ફાંસી થવી જોઈએ નહીં તેવો મત વ્યકત કર્યો હતો તેઓ ન્યાય ઈચ્છતા હતા પણ તેમની ન્યાયની માગણીમાં બદલાની ભાવના ન્હોતી.




- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular