અરિંધમ મિત્રા આમ તો બંગાળી છે પણ પિતા દિલ્હી ખાતે આયોજન પંચમાં સેવા આપતા હોવાને કારણે તેમનો ઉછેર દિલ્હીમાં જ થયો હતો. તેમણે દિલ્હીથી કેમિકલ એન્જિનિયર તરીકેની ઉપાધિ મેળવી હતી. દેશના પાટનગરમાં રહેતા હોવાને કારણે ઊંચી ઉડાનનાં સપનાં આંખોમાં વસાવ્યાં હતાં. ગામડામાં રહેનારો યુવાન સારી મોટરસાઈકલની ઇચ્છા રાખે અને શહેરનો યુવાન કારની ખેવના કરે તે સ્વાભાવિક હતું. અરિંધમ ઈજનેર હોવાને કારણે નોકરી મેળવતા વાર લાગી નહીં પણ તેને નોકરીને કારણે સતત દિલ્હી-મુંબઈ વચ્ચે પ્રવાસ કરવો પડતો હતો, પરંતુ તેની મહેનત રંગ લાવી. ૧૯૯૮માં અરિંધમ મિત્રને તેમની કંપનીએ ગુજરાતમાં જનરલ મેનેજર તરીકે મૂક્યા અને તેઓ પોતાનાં વૃદ્ધ માતા મમતા, પત્ની મધુમિતા અને પુત્ર અનિરુદ્ધ સાથે અમદાવાદ રહેવા માટે આવી ગયા.
આમ તો નોકરી માટે અમદાવાદ અનેક વાર આવ્યા હતા પણ કાયમી વસવાટ માટે અમદાવાદ આવવાનો પહેલો પ્રસંગ હતો. શહેરના વસ્ત્રાપુરમાં એક ફ્લેટમાં પોતાના પરિવાર સાથે એક નવી જિંદગીની શરૂઆત કરી હતી. હજી આ શહેરને અને તેના લોકોને ઓળખવાના હતા, કારણ કે આખા પરિવાર માટે બધું જ અજાણ્યું હતું. ટોળામાં એકલા પડવાનો અહેસાસ ડરામણો હોય છે. તે દિવસ અરિંધમ કોઈ કામ માટે ઘરેથી નીકળ્યા હતા અને રસ્તાની બાજુ ઉપર ચાલી રહ્યા હતા અને તેમને આજે પણ યાદ નથી કે કયું વાહન આવી તેમને અથડાયું. વાહન અથડાતાં તેમની આંખ સામે અંધારું છવાઈ ગયું. તે થોડા સ્વસ્થ થયા ત્યાં સુધી તેમને ટક્કર મારનાર વાહનચાલક ત્યાંથી ચાલી નીકળ્યો હતો. પોતે રસ્તા ઉપર નિઃસહાય પડ્યા હતા. લોકો તેમને જોઈ પોતાનું વાહન લઈ જતા રહેતા પણ જ્યાં અકસ્માત થયો તેની બાજુમાં આવેલી દુકાનવાળા ભલા હતા. તેમણે આવી મદદ કરવાની તૈયારી દર્શાવી એટલે અરિંધમ મિત્રાએ પોતાના ઘરનો નંબર આપી પોતાની પત્ની મધુમિતાને સ્થળ ઉપર બોલાવી લીધી.

આ શહેરમાં તે અજાણ્યા હતા પણ તેમણે સાંભળ્યું હતું કે, શહેરમાં વી.એસ. નામની મોટી હોસ્પિટલ આવેલી છે એટલે અરિંધમે મધુમિતાને વી.એસ. લઈ જવાની સૂચના આપી અને તે વી.એસ. હોસ્પિટલ પહોંચ્યા હતા. અરિંધમ માટે શહેર નવું હતું પણ હોસ્પિટલના ડૉક્ટર માટે તે એક દર્દી હતા. તે કોણ હતા, ક્યાંથી આવ્યા હતા તે બધા પ્રશ્નો તેમના માટે ગૌણ હતા. અરિંધમના મણકામાં ખૂબ મોટું નુકશાન થયું હતું, તેના કારણે કમ્મરથી માથા સુધીનો ભાગ જાણે નકામો થઈ ગયો હતો. ક્યારે ફરી પહેલાંની જેમ ચાલી શકશે તે કહેવું ડૉક્ટર માટે મુશ્કેલ હતું, છતાં ડૉક્ટર માટે પહેલી અગ્રતા હતી અરિંધમને બચાવવાની અને તેમાં તેમને સફળતા મળી ગઈ હતી.
જીવ તો બચી ગયો પણ હોસ્પિટલના બિછાને પડેલા અરિંધમની આંખની કીકી સિવાય કોઈ અવયવ કોઈની મદદ વગર હલી શકતું નહોતું. આ સ્થિતિમાં લાચારી હતી પણ અરિંધમ હિંમત હાર્યા નહોતા. તે હોસ્પિટલમાં હોવાને કારણે તેમનો નાનો પુત્ર અનિરુદ્ધ રોજ તેમને મળવા આવતો હતો અને તે પોતાના પિતા પાસેથી જતા પહેલાં એક વાત સાંભળીને જતો હતો. અનિરુદ્ધ વાર્તા સાંભળતાં-સાંભળતાં જે રીતે હસતો હતો તે જોઈ અરિંધમને લાગ્યું કે તેમની પોતાની પાસે જીવન જીવવાનું કોઈ બહાનું છે. તે ઓછામાં ઓછું પોતાના પુત્રના ચહેરા ઉપર સ્મિત તો લાવી શકે છે.
ઈશ્વરને કોઈએ ક્યારેય જોયો નથી પણ તે ક્યારે કોના દ્વારા આપણી સાથે વાત કરશે તે કહેવું મુશ્કેલ છે. એક જુનિયર ડોક્ટરે અરિધમને કહ્યું હતું કે, “મિસ્ટર મિત્રા, તમારે એક લડાઈ લડવાની છે. જે લડાઈ તમારી જાત સાથે જ લડવાની છે. તમે લડાઈની શરૂઆત કરો તો કોઈ ચોક્કસ મુકામે પહોંચશો.” મિત્રાએ મનોમન નક્કી કર્યું કે તે ફરી ચાલતો થશે. બસ આ સંકલ્પે તેમની આંગળીઓમાં સંચાર કર્યો અને બે મહિનામાં જ તેમણે કોઈની મદદ લઈ ઊભા થવાની શરૂઆત કરી હતી. જેમ કોઈ કંપની પોતાના વેચાણનો ટાર્ગેટ નક્કી કરે તેમ અરિંધમે પોતાના માટે એક પ્રોગ્રામ બનાવ્યો. જેમાં ત્રણ મહિનામાં કેટલાં ડગલાં માંડવાં. છ મહિનામાં કયાં કામ જાતે કરવાં વગેરે નક્કી કર્યું અને તે પ્રમાણેની શરૂઆત કરી હતી.
અરિંધમ મિત્રાએ આ શહેરમાં આવીને જોયેલાં સપનાં વિખરાઈ ગયાં હતાં પણ તેમણે નક્કી કર્યું હતું કે, જીવનમાં જે નકારાત્મક ઘટનાઓ બને છે તેની તરફ લક્ષ આપવું નહીં. આગળ વધવું હોય તો હકારાત્મક થવું પડશે, કારણ કે તેમની ઉપર વૃદ્ધ માતા, પત્ની અને પુત્રની જવાબદારી હતી. જહાજનો કેપ્ટન હારીને જહાજ હંકારવાનું બંધ કરે તો જહાજ મધદરિયે ડૂબી જાય. એક અકસ્માતે જીવનનો દૃષ્ટિકોણ બદલી નાખ્યો હતો અને વ્હીલચેરના સહારે નવી જિંદગી શરૂ થઈ હતી. એક અપંગ તરીકે નવી જિંદગીની શરૂઆત સાથે અરિંધમને પહેલી વખત ખ્યાલ આવ્યો કે આપણા સમાજે ક્યારેય અપંગો માટે વિચાર સુધ્ધાં કર્યો નથી. મોટી મોટી ઈમારતો બને છે પણ તે ઈમારતમાં જો કોઈ અપંગ વ્યકિત કામ માટે જવા માગે તો તેની કોઈ જોગવાઈ નથી. આ જોગવાઈઓ સાવ સામાન્ય હતી પણ તે અંગે કોઈને વિચાર આવ્યો નહોતો. જેમ કે ઈમારતમાં પગથિયાંની સાથે જો ખાસ પ્રકારનો ઢાળ હોય તો અપંગ વ્યકિત વ્હીલચેરમાં બેસી અથવા વોકરની મદદથી ત્યાં જઈ શકે. આથી અરિંધમ મિત્રાએ ઉન્નતિ જેવી સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે મળી મોટી ઈમારતોનું નિર્માણ કરનારા આર્કિટેક્ટો સાથે મળી તેમને અપંગના પ્રશ્નો સમજાવવાની શરૂઆત કરી. આર્કિટેકટોએ તેમની વાત સમજી અપંગની મુશ્કેલીઓ ધ્યાનમાં રાખી, નવી ઈમારતોનું નિર્માણ કરવાનું શરૂ કર્યું. મિત્રાએ માત્ર અપંગોની વાત ના કરી પણ વૃદ્ધોની મુશ્કેલીઓ અંગે પણ વાત કરી. જેમ કે કોઈ વૃદ્ધ પાંચ નંબરના પ્લેટફોર્મ ઉપરથી ટ્રેન પકડવા માગતો હોય તો કેવી રીતે ત્યાં સુધી પહોંચે, કારણ કે આપણા સ્ટેશન ઉપર તેવી કોઈ વ્યવસ્થા જ નથી. આમ છેલ્લા ચાર વર્ષથી અરિંધમ અપંગની સમસ્યાને લઈ નવા નિર્માણ પામી રહેલાં બિલ્ડિંગોમાં તેમના અંગે ખ્યાલ રાખવામાં આવે તેની ઝુંબેશ ચલાવી રહ્યા છે.
આજે પણ અરિંધમ મિત્રા ઘરમાં વ્હીલચેર અને વોકરના સહારે જીવી રહ્યા છે પણ તેમનો જુસ્સો ઓલિમ્પિકમાં સુવર્ણચંદ્રક જીતનાર ખેલાડી કરતાં વધારે છે. આમ તો અમદાવાદ સાથે તેમનો કોઈ નાતો નથી. આ શહેરે તેમને અપંગતા આપી છે, છતાં તે પોતાના વતન બંગાળ કે કર્મભૂમિ દિલ્હી જવા માગતા નથી. તેની પાછળનું કારણ પૂછતાં તેમની આંખોમાં એક ચમક આવે છે. તેની પાછળનું કારણ એવું છે કે, ૧૯૯૮માં અરિંધમને અકસ્માત થયો તેના કારણે તે જાતે એક ડગલું પણ માંડી શકતા નથી. 2001ની સાલમાં ભૂકંપ આવ્યો ત્યારે તે પોતાના ફ્લેટમાં આઠમા માળે હતા. તેમના માટે ત્યાંથી નીકળવું શક્ય નહોતું પણ તેમના પડોશીઓ પોતાના પરિવારને નીચે મૂકી આવ્યા બાદ પાછા ઉપર આવ્યા હતા અને અરિંધમને ઊંચકીને નીચે લઈ ગયા હતા. આ વાત કહ્યા પછી અરિંધમ સામો સવાલ કરે છે, આવા પડોશીઓને મૂકી કયાં જાઉં?








