આજે આપણને સવાર પડે અને ચારે તરફથી માઠા સમાચાર મળે છે, પરંતુ આપણી આસપાસ નાની નાની સારી ઘટનાઓ પણ ઘટે છે, પરંતુ આપણુ મન તે સારી ઘટનાઓની નોંધ લેવાને બદલે માઠા સમાચારોમાં અટવાયેલુ રહે છે, આપણા મનને સુખ આપનારી નાની ઘટનાઓ પણ આપણો તનાવ દુર કરે છે, આવુ જ કઈક મારે ઘરે રોજ બને છે.
આમ તો શહેરીકરણને કારણે આપણે પ્રકૃત્તીથી દુર થઈ ગયા છીએ,અને પ્રકૃત્તી પણ આપણાથી દુર થઈ ગઈ છે, પણ છેલ્લાં કેટલાંક વર્ષોથી ક્રમ રહ્યો છે કે દર મહિને એક ચોક્કસ રકમ માત્ર વૃક્ષો ઉગાડવા માટે ખર્ચવી, આમ તો વૃક્ષ અને પ્રકૃત્તી મારા ગમતા વિષયો છે, રોજ મેં લગાડેલા વૃક્ષો સાથે વાતો કરવી પણ ગમે છે,કયારેક કોઈ વૃક્ષ મુરઝાયેલુ દેખાય તો તેની ખબર અંતર પણ પુછી લેવાનું રાખ્યુ છે, મારા વૃક્ષને કોઈ બીજુ પાણી પીવડાવે તો મારુ માલિકીપણુ દુભાય છે, મારા વૃક્ષો માટે હું પઝેશીવ છુ,
કોઈ પુછે કે વૃક્ષો કેમ ઉગાડો છો,તો મઝાકમાં કહુ છુ કે મારા ઓકસીઝન માટે હું જાતે વ્યવસ્થા કરૂ છુ અને જયારે અંતિમ સફરે જઈશ તેના લાકડાની પણ વ્યવસ્થા કરી રહ્યો છુ,ખેર આ તો મઝાક છે પણ મને અને મારા પરિવારને મઝા પડે તેવી એક નાનકડી ઘટના રોજ ઘટે છે, મને લાગ્યુ કે અમારા આનંદમાં તમને પણ ભાગીદાર બનાવવા જોઈએ એટલે લખી રહ્યો છુ, આમ તો મારા આંગણામાં રોજ અનેક પક્ષીઓ આવે ચણવા આવે છે, પરંતુ છેલ્લાં કેટલાંક મહિનાથી એક મોર અચુક સાંજ પડે આવે છે.,
આ મોર બીજા પક્ષીઓને જેમ આંગણામાં પડેલા ચણ તરફ નજર સુધ્ધા કરતો નથી,તે આવી મારા ઘરના દરવાજામાં ઉભો રહે છે, સામાન્ય રીતે આ મોરનો આવવાનો સમય સાંજના ચારથી પાંચની વચ્ચે છે, હવે તો મોર આવી જતો ના રહે તે માટે મારી પત્ની શીવાની ઘરનો દરવાજો પણ ખુલ્લો રાખે છે. આ મોર ઘરના દરવાજામાં આવી ઉભો રહે એટલે મારી પત્ની શીવાની ખાસ તેના માટે બનાવેલી રોટલી તેને ખવડાવે છે( પક્ષીઓને તેલ અથવા ધી આપવુ નહીં તેવી સમજને કારણે તેલ ઘી વગરની રોટલી ખાસ બનાવે છે) કયારેક તો આ મોરને ખુબ ભુખ લાગી હોય તો દરવાજો ખોલતા સીધો રસોડામાં આવી ઉભો રહી જાય છે
આ મોરની ખાસીયત છે કે જો તેની સામે રોટલીના ટુકડા કરી જમીન ઉપર મુકો છો,તે નારાજ થઈ રોટલી ખાધા વગર જતો રહે છે, એટલે શીવાની રોટલીનો ટુકટો તોડી તેની તરફ ધરે એટલે તે હાથમાંથી રોટલી ખાય છે, કદાચ જમીન ઉપર રોટલી ફેંકો તો તેને અપમાન લાગતુ હશે( આપણી સાથે રહી મોરને પણ માન અપમાનની ખબર પડવા લાગી હશે) શીવાની સિવાય પણ ઘરના બીજા કોઈ સભ્ય રોટલી આપે તો તે રોટલી સામે જોયા વગર જતો રહે છે, શીવાની રોટલી ખવડાવે તો જ ખાય છે, કયારેક એવુ બને અમે બહાર ગયા હોઈએ તો શીવાની અચુક કહે મારા દિકરાનો આવવાનો સમય થયો છે, બીચ્ચારો આજે જમ્યા વગર જતો રહેશે.
આ એક સામાન્ય ઘટના છે, કોઈ અસામાન્ય બાબત નથી,છતાં મનને એક અજાણ્યો આનંદ આપે છે,જેને શબ્દોમાં સમજાવવો મુશ્કેલ છે એટલે જ અહિયા શીવાની અને મોરની મિત્રતાનો વિડીયો મુકયો છે જુવો વિડીયો.








