નવજીવન ન્યૂઝ, અમદાવાદ : રાજ્યની સૌથી મોટી અને સુરક્ષિત મનાતી સાબરમતી સેન્ટ્રલ જેલમાં ચાલતી પોલમપોલ, સ્ટાફની બેદરકારી અને આંતરિક વિવાદોની વચ્ચે (Sabarmati Central Jail in controversy) એક મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ સેન્ટ્રલ જેલ (Ahmedabad Central Jail) ના રેઢીયાળ તંત્રનો જીવતો જાગતો પુરાવો પણ સામે આવ્યો છે. હત્યા-પોક્સોના કેસમાં આજીવન કેદની સજા ભોગવતો પાકા કામનો કેદી માલદે રામાભાઈ પરમાર મેઈન ગેટમાંથી રફૂચક્કર (Life imprisonment prisoner escapes from Jail) થઈ જતા હાઈ સિક્યોરિટીવાળી જેલની પોલ ખૂલી ગઈ છે. આ ઘટના સામે આવતા જ જેલ તંત્ર દોડતું થઈ ગયું હતું. રાણીપ પોલીસ સ્ટેશન (Ranip Police Station) ખાતે આ મામલે જેલર દેવદત્તસિંહ ગોહિલે ફરિયાદ નોંધાવી છે.
રાણીપ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલી ફરિયાદમાં જણાવાયું છે કે, જેલના બડા ચક્કર યાર્ડ નંબર-4માં કુલ 33 કેદીઓ રાખવામાં આવ્યા હતા. કેદીઓની ગણતરી વખતે 32 કેદીઓ મળી આવતા માલદે પરમાર ગુમ (Prisoner Malde Parmar absconding) હોવાનું જાણવા મળ્યું હતું. જેલમાં ભારે શોધખોળ બાદ માલદે પરમાર નહીં મળી આવતા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરવામાં આવ્યા ત્યારે પાકા કામનો કેદી જેલ સ્ટાફને ચકમો આપી મેઈન ગેટથી બહાર જતા નજરે પડ્યો હતો.
માલદે પરમાર સામે વર્ષ 2023માં પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશન (Kamalbagh Police Station Porbandar) માં હત્યા, પોક્સો સહિત ગંભીર ગુનાઓ નોંધાયા હતા. વર્ષ 2025માં કોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારી હતી. અગાઉ તેને પોરબંદર જેલમાં રાખવામાં આવ્યો હતો અને ત્યારબાદ રાજકોટ જેલ (Rajkot Jail) માં ખસેડવામાં આવ્યો હતો. તબિયત બગડતા તેને વર્ષ 2025માં સાબરમતી સેન્ટ્રલ જેલમાં લાવવામાં આવ્યો હતો.








