FIR filed against a bogus political party for tax evasion worth crores : અમદાવાદના નરોડા રોડ પર ‘સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી’ નામનો બોગસ રાજકીય પક્ષ બનાવી રૂપિયા 519 કરોડના નકલી ડોનેશન મેળવી 155 કરોડની કરચોરી આચરવામાં આવી છે. બોગસ ડોનેશન કૌભાંડમાં દાન આપનારા લોકોને 8થી 9 ટકા કમિશન કાપી કરોડો રૂપિયા પરત આપી દેવાયા હોવાનો પર્દાફાશ થતા સીઆઈડી ક્રાઈમ અમદાવાદ (CID Crime Ahmedabad) ખાતે ફરિયાદ નોંધાઈ છે. ઈન્કમટેક્સ વિભાગે (Income Tax Department) સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી સહિત તેના હોદ્દેદાર, ટેક્સ કન્સલ્ટન્ટ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સામે કરોડોના બોગસ ડોનેશન અને ટેક્સ ચોરીનો ગુનો નોંધાયો છે.
માત્ર કાગળ પર રજિસ્ટર્ડ અપ્રમાણિત રાજકીય પક્ષ (RUPP) ‘સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી’ ઊભી કરી ટકાવારી આધારે બોગસ ડોનેશન મેળવવામાં આવતું હતું. દેશના મોટા કરદાતાઓ પાસેથી ચેક કે RTGS મારફતે બોગસ ડોનેશન મેળવ્યા બાદ 8 થી 9 ટકા કમિશન કાપીને દાન આપનારાને તે રકમ પરત કરી દેવાતી હતી. આયકર ભવનના આસિસ્ટન્ટ ડિરેક્ટર મુક્તેન્દ્રકુમાર શતીશકુમારની ફરિયાદ અનુસાર આ પાર્ટીનું કોઈ વાસ્તવિક અસ્તિત્વ નથી, પરંતુ ટેક્સ ચોરી કરવા અને કમિશન કમાવવાના હેતુથી જ આ સુવ્યવસ્થિત ષડયંત્ર રચાયું હતું.
દસ્તાવેજી રેકોર્ડ અનુસાર પાર્ટીનું સત્તાવાર સરનામું દુકાન નં. 2, મહાવીર નગર, કલ્યાણ મિલ સામે, ચેતના હોટલની બાજુમાં, નરોડા રોડ, સૈજપુર બોઘા, અમદાવાદ – 382345 દર્શાવવામાં આવ્યું હતું. જોકે, આ સરનામે સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટીની કોઈ ઓફિસ, સ્ટાફ કે રાજકીય પ્રવૃત્તિ જોવા મળી નહોતી. આરોપીઓએ માત્ર કાગળ પર પાર્ટી ઊભી કરી મોટા કરદાતાઓ પાસેથી બેંક દ્વારા દાન મેળવી કલમ 80GGC હેઠળ 100 ટકા મુક્તિ અપાવી હતી. બાદમાં આ નાણાં ‘જય ટ્રેડિંગ કંપની’ નામની શેલ પેઢીમાં ટ્રાન્સફર કરી તેમાંથી રોકડ ઉપાડી કમિશન કાપી દાતાઓને કેશબેક સ્વરૂપે પરત આપી દેવાતા હતા. પીઆઈ કલ્પેશકુમાર પટેલ આ સમગ્ર કૌભાંડની તપાસ ચલાવી રહ્યા છે.
ફરિયાદમાં ત્રણ આરોપીઓ દર્શાવાયા છે. જેમાં સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ સુરેન્દ્ર તિવારી (રહે. હરીવિલા ફ્લેટ, નવા નરોડા) બેંક ખાતા અને હવાલા ઓપરેટ કરતા હતા. ટેક્સ કન્સલ્ટન્ટ મેહુલ ખત્રી (રહે. ઈન્દ્રપુરી ફ્લેટ, પાટણ) કરદાતાઓ પાસેથી દાન મેળવવા અને શેલ એકમોમાં રૂપિયા ટ્રાન્સફર કરવાનું મધ્યસ્થી તરીકે નેટવર્ક ચલાવતા હતા. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મયુર રાઠોડે (રહે. સાઈ કુટીર, જોધપુર ગામ, સેટેલાઈટ) હિસાબી ચકાસણી કર્યા વિના ખોટા કન્ટ્રીબ્યુશન રિપોર્ટ પ્રમાણિત કરી ચૂંટણી પંચમાં ફોર્મ 24A રજૂ કર્યું હતું.








