Thursday, September 10, 2026
HomeInternationalપુતિન બાદ હવે જિનપિંગ પણ ભારત આવશે, 7 વર્ષ બાદ દિલ્હીમાં ચીનના...

પુતિન બાદ હવે જિનપિંગ પણ ભારત આવશે, 7 વર્ષ બાદ દિલ્હીમાં ચીનના રાષ્ટ્રપતિનું આગમન; BRICS સમિટ પર દુનિયાની નજર

- Advertisement -

BRICS Summit 2026 𝗫𝗜 𝗝𝗜𝗡𝗣𝗜𝗡𝗚’𝗦 𝗜𝗡𝗗𝗜𝗔 𝗩𝗜𝗦𝗜𝗧𝗦: ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના ભારત પ્રવાસની પુષ્ટિ થતાં આગામી BRICS સમિટનું મહત્વ વધુ વધી ગયું છે. ચીનના વિદેશ મંત્રાલયે જાહેરાત કરી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર રાષ્ટ્રપતિ શી જિનપિંગ 12 અને 13 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં યોજાનારી 18મી BRICS સમિટમાં ભાગ લેશે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના ભારત પ્રવાસ બાદ હવે જિનપિંગના આગમનની પુષ્ટિ થતાં દિલ્હીમાં યોજાનારી આ સમિટ પર વિશ્વની નજર વધુ કેન્દ્રિત થઈ છે.

શી જિનપિંગ લગભગ સાત વર્ષ બાદ ભારત આવી રહ્યા છે. તેઓ છેલ્લે 11 અને 12 ઓક્ટોબર 2019ના રોજ ભારત આવ્યા હતા, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જિનપિંગ વચ્ચે ચેન્નાઈના મહાબલીપુરમમાં બીજી અનૌપચારિક શિખર બેઠક યોજાઈ હતી. જોકે, ત્યારબાદ બંને દેશોના સંબંધોમાં મોટો વળાંક આવ્યો હતો.

- Advertisement -

જિનપિંગે અગાઉ 2014માં ભારતનો પ્રથમ પ્રવાસ કર્યો હતો. તે સમયે તેમણે વડાપ્રધાન મોદી સાથે બંને દેશોના સંબંધો સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. ત્યારબાદ 2016માં તેઓ BRICS સમિટમાં ભાગ લેવા ગોવા પણ આવ્યા હતા. હવે 2026માં તેમનો ભારત પ્રવાસ લાંબા સમય બાદ થઈ રહ્યો છે.

2020માં ગલવાનમાં થયેલી અથડામણ બાદ ભારત અને ચીનના સંબંધોમાં તણાવ જોવા મળ્યો હતો. બંને દેશો વચ્ચે સરહદને લઈને ગંભીર મતભેદો ઊભા થયા હતા. જોકે, ત્યારબાદ બંને દેશોએ પોતાના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોને ધ્યાનમાં રાખીને તણાવ ઘટાડવા માટે ધીમે ધીમે પ્રયાસો કર્યા છે.

આ વખતે જિનપિંગના ભારત પ્રવાસ દરમિયાન ભારત અને ચીન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો પણ મહત્વનો મુદ્દો બની શકે છે. સરહદ પરના તણાવ બાદ બંને દેશો વચ્ચે સંબંધોને સ્થિર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે બંને નેતાઓ વચ્ચેની મુલાકાતને મહત્વપૂર્ણ રાજદ્વારી ઘટનાના રૂપમાં જોવામાં આવી રહી છે.

- Advertisement -

BRICS સમિટની દૃષ્ટિએ પણ જિનપિંગનો પ્રવાસ મહત્વપૂર્ણ બની શકે છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને રશિયા-યુક્રેન યુદ્ધ જેવા વૈશ્વિક પડકારો વચ્ચે BRICS દેશો વચ્ચે સહયોગ, વૈશ્વિક રાજકીય સ્થિતિ અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે.

નવી દિલ્હીમાં યોજાનારી 18મી BRICS સમિટમાં ભારત, ચીન અને રશિયા જેવી મોટી શક્તિઓના નેતાઓની હાજરીને કારણે આ બેઠક વૈશ્વિક રાજદ્વારી માટે મહત્વપૂર્ણ મંચ બની રહી છે. જિનપિંગના પ્રવાસથી ભારત-ચીન સંબંધો ઉપરાંત BRICSના ભવિષ્યના સહયોગને લઈને પણ નવી ચર્ચાઓ શરૂ થવાની શક્યતા છે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular