Thursday, September 24, 2026
HomeGujaratરાજનેતાઓએ આ રીતે હિન્દુ-મુસ્લિમ વચ્ચે ફૂટ પડાવી અને ફાયદો લીધો | શતરંજ-38

રાજનેતાઓએ આ રીતે હિન્દુ-મુસ્લિમ વચ્ચે ફૂટ પડાવી અને ફાયદો લીધો | શતરંજ-38

- Advertisement -

પ્રશાંત દયાળ (શતરંજ-38, નવજીવન ન્યૂઝ): ડીસીપી જે. કે. વછરાજાનીને ગૃહ રાજ્યમંત્રી અમર ઠાકોરની વાતો કાનમાં સોયની જેમ ભોંકાઈ હતી. ઇન્દ્રસિંહ તેમનો જુનિયર ઑફિસર હતો, તો હવે તેની સલાહ પ્રમાણે તેમને કિરણ ત્રિવેદી મર્ડર કેસની તપાસ કરવાની હતી. તેમણે ગુસ્સામાં આવી સમાચારો જોવા ના પડે તે માટે ટીવી બંધ કરી દીધું, ત્યાં તેમની ચેમ્બરમાં વિનય અને નાયર દાખલ થયા. તેમને બંનેને વછરાજાનીનો ચહેરો જોઈ મૂડ બરાબર નથી, તેની ખબર પડી ગઈ હતી. બંને સામે આવીને બેઠા. ત્રણે વચ્ચે કોઈ સંવાદ ન થયો. નાયરથી રહેવાયું નહીં, એટલે તેણે ધીમા સૂરમાં પૂછ્યું. “અબ ક્યા કરના હોગા હમેં?” વછરાજાનીનો પિત્તો ગયો. તેણે ગુસ્સામાં ખુરશીમાંથી ઊભા થતાં ટેબલ ઉપર બંને હાથનો ટેકો લેતાં કહ્યું : “બસ, અભી ઇન્દ્રસિંહ જાડેજા સા’બ આયેંગે, હમેં કમરૂદ્દીન કી કસ્ટડી દેંગે ઓર વો હમે જ્ઞાન દેંગે કિ કૈસા ઇન્વેસ્ટિગેશન કરના હૈ”. નાયર અને વિનય સ્તબ્ધ થઈ ગયા. તેમણે ક્યારેય વછરાજાનીને આવી રીતે ગુસ્સે થતા જોયા ન હતા, તેમજ ઇન્દ્રસિંહ જાડેજાની વાત તે આ તબક્કે નારાજગી સાથે કેમ કરી રહ્યા હતા, તે પણ સમજાયું નહીં.

નાયર અને વિનય વિષયવસ્તુ સમજવા માટે એકબીજા સામે જોવા લાગ્યા. વછરાજાનીને સમજાઈ ગયું કે નાયર અને વિનય સામે ગુસ્સો વ્યક્ત કરવાની જરૂર ન હતી, કારણ કે તેમને તો વિષયની જ ખબર ન હતી, એટલે તેઓ પોતાની ખુરશીમાં પાછા બેસી ગયા અને શાંતિથી વાતનો ફોડ પાડતાં કહ્યું : “હમણાં સ્ટેટ હોમ મિનિસ્ટરનો ફોન આવ્યો હતો. તેમણે સૂચના આપી છે કે, ઇન્દ્રસિંહ કહેશે કે આપણે તપાસ કેવી રીતે કરવાની છે.” ત્રણેના ચહેરા ઉપર એક પ્રકારની નિરાશા હતી. રાજકારણી કેવી રીતે પોલીસ-અધિકારીઓને નચાવે છે તેવું તેમને લાગી રહ્યું. નાયર હજી પોલીસ-ફૉર્સમાં નવા હતા. તેમને હજી અનુભવો પણ થયા ન હતા… તેમણે તરત કહ્યું : “સર, આપકો મિનિસ્ટર કો મના કર દેના ચાહિયે થા ઉનકો બતાના થા. કિ હમ ભી ઇન્વેસ્ટિગેશન જાનતે હૈં”. નાયર ભલે પોલીસમાં નવા હતા, વછરાજાની નવા ન હતા. તેમણે અનેક માટલાંના પાણી પીધા હતા. તેમને સમજાઈ ગયું હતું કે કિરણ ત્રિવેદીની મર્ડર કેસની સ્ટોરી પ્રેસ અને પબ્લિકને સમજાવવા માટે બરાબર હતી, પણ ખરી સ્ટોરી કંઈક જુદી હતી. તેના તાર ગાંધીનગર સુધી સંકળાયેલા હતા. જો ક્રાઇમ-બ્રાન્ચ સ્ક્રિપ્ટ પ્રમાણેની તપાસ ના કરે તો, અનેક લોકોની સારંગી બેસૂરી થઈ જાય. વછરાજાનીનો પણ ક્રાઇમ-બ્રાન્ચમાં રહેવાનો અને પૈસા કમાવવાનો સ્વાર્થ હતો, એટલે જ તો આદેશનો અમલ કરવાનો હતો. આ ચર્ચા ચાલી રહી હતી તે જ વખતે ચેમ્બરનો દરવાજો નોક થયો અને ઇન્દ્રસિંહ જાડેજા રૂમમાં પ્રવેશ્યા. તેમણે અંદર આવતાં, વછરાજાનીને સાવધાન સ્થિતિમાં ઊભા રહી ‘જયહિંદ’ કહી સલામ કરી. વછરાજાનીએ તેમને બેસવાનો ઇશારો કર્યો, પણ તેમનો ચહેરો જાડેજાને જોતાં જ કંઈક જુદું બોલી રહ્યો હતો. જાડેજાએ નાયર અને વિનય સામે જોતાં તેમણે બંનેએ તેમને ‘કૉંગ્રેચ્યુલેશન’ કહ્યું. પણ તરત કંઈક બફાઈ ગયું છે, તેવો ખ્યાલ આવતાં તેમણે ત્રાંસી નજરે વછરાજાની સામે જોયું, તો તે પણ તેમના વ્યવહારની નોંધ લઈ રહ્યા હતા.

- Advertisement -

વછરાજાનીને ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો. તેમને લાગી રહ્યું હતું કે, જો જાડેજા સામે બેસશે તો કંઈક બોલાઈ જશે અને તે વાત સીધી મંત્રી સુધી પહોંચી જશે. જાડેજા પણ જાણતા હતા કે, વછરાજાની નારાજ હશે, એટલે કઈ રીતે બન્યું? શું બન્યું? મંત્રીએ કઈ સૂચના આપી? વગેરે બહાનાં રજૂ કરી તે પોતાનો બચાવ કરવાનો પ્રયત્ન કરે તે પહેલાં જ વછરાજાનીએ પોતાની ખુરશીમાંથી ઊભા થતાં કહ્યું : “જાડેજા, હોમ મિનિસ્ટરનો ફોન આવી ગયો, પણ મારે એક મિટિંગમાં જવું પડે તેમ છે, તમે જે રીતે તપાસ કરવાની હોય તે નાયરને સમજાવી દેજો.” તેમ કહી બહાર જવા નીકળ્યા. ત્રણે ઑફિસરો પ્રોટોકૉલ પ્રમાણે ઊભા થઈ ગયા. વછરાજાનીની નારાજગી ત્રણેય વાંચી શકે તેટલી સ્પષ્ટ હતી. વછરાજાની ગયા પછી, વિનયને પણ ત્યાં બેસવું યોગ્ય લાગ્યું નહીં. તે કામનું બહાનું કરી ચેમ્બરની બહાર નીકળી ગયો. નાયર કરતાં જાડેજા સિનિયર હતા. એટલે જાડેજા જે કંઈ સમજાવી રહ્યા હતા, તે નાયર બહુ ધીરજપૂર્વક સાંભળી રહ્યા હતા. નાયર મનમાં માની રહ્યા હતા કે, વછરાજાની કરતાં જાડેજા વધુ હોશિયાર અને સ્માર્ટ ઑફિસર છે. સાથે જ તેમના રાજકીય સંબંધો પણ પાવરફુલ છે. જો ભવિષ્યમાં તક મળે તો આમની સાથે કામ કરવું જોઈએ. કૅમ્પસમાં વિનયે જોયું તો એટીએસના સ્ટાફ દ્વારા કમરૂદ્દીનની કસ્ટડી ક્રાઇમ-બ્રાન્ચને સોંપી દેવાઈ હતી. હમણાં તેના ચહેરા ઉપર બુરખો પણ ન હતો. કમરૂદ્દીન પણ હમણાં ક્યાં આવ્યો છે, તે જોવા માટે પોતાની નજર ફેરવી રહ્યો હતો. તેના બાવડામાં હજી દોરડાં બાંધ્યાં હતાં, વિનય તેની પાસે ગયો. તેનું નામ પૂછ્યું, પછી ગામનું નામ પૂછ્યું; પછી તેણે શંકા સાથે પૂછ્યું… “તૂને હી ગોલી ચલાઈ થી?” આ પ્રશ્નના ઘણા અર્થ થતા હતા. કમરૂદ્દીને નીચે નજર કરતાં હકારમાં માથું ધુણાવ્યું. જોકે તેના ચહેરા ઉપર કોઈ પશ્ચાત્તાપ ન હતો. વિનયે તેને પૂછ્યું, “ક્યા કરતા થા હુબલી મેં?” તેણે વિનય સામે જોતાં કહ્યું : બસ કંપની મેં ક્લિનર કા કામ કરતા થા”. વિનયે હમણાં વધુ પૂછવાનું માંડી વાળ્યું. કારણ કે હવે તે તેમની કસ્ટડીમાં અનેક દિવસ સુધી રિમાન્ડ ઉપર રહેવાનો હતો.

આ તરફ કિરણ ત્રિવેદીની પત્ની કેતકી અને દીકરા મુશ્કાનની નારાજગીનો પાર ન હતો. તેઓ માની રહ્યા હતા કે પોલીસ દ્વારા કોઈ ભાડૂતી માણસને હાજર કરી દેવામાં આવ્યો છે, જેને ખૂનની ઘટના સાથે કોઈ નિસબત નથી. કિરણની હત્યા મુખ્યમંત્રીએ જ કરાવી હોવાનું તેઓ માનતા હતા. તેના કરતાં કંઈક જુદી જ વાત પોલીસ તપાસમાં બહાર આવી હતી. કેતકીએ બહુ યાદ કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેને યાદ આવ્યું કે, પોલીસ જેને કટ્ટરવાદી મૌલવી કહી રહી હતી તે જ મૌલવી જલાલુદ્દીન તો બે-ત્રણ વખત કિરણને મળવા માટે ઘરે આવ્યા હતા. કિરણે તેમને મદદ પણ કરી હતી. જલાલને ખબર હતી કે કિરણ કટ્ટરપંથી નથી, તો તે શા માટે કિરણની હત્યા કરાવે? કેતકીને ગુસ્સો આવી રહ્યો હતો, પણ કોઈ પણ આધાર વગર તે મુખ્યમંત્રી ઉપર આક્ષેપ કરવા માગતી ન હતી. બીજી તરફ પોલીસની થિયરી સાથે પોતે સંમત નથી તેવું પણ કહી શકતી ન હતી. છતાં કેતકીએ નિર્ણય કર્યો હતો કે, તે ચુપ બેસી રહેશે નહીં. જેણે હત્યા કરાવી છે તેના સુધી તે ચોક્કસ પહોંચશે. કિરણ ત્રિવેદીની હત્યા મુસ્લિમ કટ્ટરપંથીઓએ કરી હોવાની પોલીસની થિયરી મુખ્યમંત્રી ગોવિંદરાયની રાજકીય સ્થિતિને વધુ મજબૂત કરી રહી હતી. બીજા દિવસે અખબારમાં આ સમાચાર પ્રસિદ્ધ થયા, તેના કારણે અમર ઠાકોર અને ગોવિંદરાય ઇચ્છતા હતા તેવું જ થઈ રહ્યું હતું. સતત મુસ્લિમ ત્રાસવાદીઓના થતાં ઍન્કાઉન્ટરો અને કિરણ ત્રિવેદીની હત્યાને કારણે ૨૦૦૨નાં રમખાણો પછી રાજ્યના મુસ્લિમો હિંદુઓના વિરોધી છે તેવું જે હિંદુઓ માનતા હતા, તેમની તે માન્યતા દૃઢ થઈ રહી હતી અને આવું માનનારની સંખ્યા બહુ મોટી હતી, જે ચૂંટણીમાં મતપેટીઓને પ્રભાવિત કરી શકે એટલી મોટી હતી. કમરૂદ્દીનની ધરપકડને કારણે મુખ્યમંત્રી ગોવિંદરાય પણ રિલેક્સ હતા. તેમને લાગતું હતું કે, તેમનો ભાર હળવો થયો છે.

ક્રાઇમ-બ્રાન્ચે પોતાની તપાસ શરૂ કરી. કમરૂદ્દીનના નિવેદનના આધારે તેઓ પહેલાં જલાલુદ્દીનના ઘરે પહોંચ્યા ત્યારે તેના ઘરમાં તેની પત્ની, દસ અને બાર વર્ષનાં બે બાળકો અને વૃદ્ધ પિતા સિવાય કોઈ ન હતું. પંચોની હાજરીમાં ક્રાઇમ-બ્રાન્ચે ઘરની તલાશી લીધી પણ મૌલવી જે ધાર્મિક શિક્ષણ આપતા હતા, તેના સાહિત્ય સિવાય ઘરમાં કંઈ ન હતું. આ ટીમમાં વિનય અને મહેશ બંને હતાં, મહેશની નજર જલાલના બંને બાળકો ઉપર હતી. તેનાં બાળકોના ચહેરા ઉપર ડરની સાથે શરમ પણ હતી. આવી જ સ્થિતિ જલાલના પિતાની પણ હતી. તેમને અંદાજ ન હતો કે જે પુત્ર મદ્રેસામાં નાનાં બાળકોને ભણાવે છે, તેને હિંદુઓ પ્રત્યે આટલો ગુસ્સો હશે! ઘર છોડતી વખતે જલાલ માત્ર એટલું જ કહીને નીકળ્યો હતો કે, અગત્યના કામે તે દસ દિવસ બહારગામ જાય છે. તે ગયા પછી તેનો બે વખત ખબર પૂછવા માટે ફોન આવ્યો હતો, પણ તે મંત્રીની હત્યામાં સંડોવાયેલો છે તેવી તેમને ખબર ન હતી. તેમના ચહેરા ઉપર રંજ પણ હતો. જલાલ હમણાં ક્યાં છે તેની પરિવારમાં કોઈને ખબર ન હતી.

- Advertisement -

વિનયે જલાલની પત્ની અને પિતાની પૂછપરછ કરી નિવેદન નોંધ્યાં, જેમાં તેણે જે દિવસે ઘર છોડ્યું તે દિવસે કોઈ અજાણ્યા માણસો તેને લઈ જવા કાર લઈને આવ્યા હોવાની જાણકારી મળી હતી. જોકે તેમની પાસે તે કારનો નંબર ન હતો. બે વખત જલાલે પત્ની સાથે ફોન ઉપર વાત કરી. પૂછપરછ દરમિયાન ક્યારેક વિનય ગુસ્સે પણ થઈ જતો. તેના મોઢામાંથી ગાળ પણ નીકળી જતી હતી, ત્યારે મહેશ આંખના ઇશારે તેને રોકી લેતો હતો. મહેશને લાગતું કે જલાલે જે કર્યું તેની સજા તેના પરિવારને શું કામ મળવી જોઈએ?! અચાનક મહેશને યાદ આવતાં તેણે જલાલની પત્ની પાસે તેનો મોબાઇલ ફોન માગ્યો. તેના આઉટ અને ઇનકમિંગ તપાસ્યા પછી બે ઇનકમિંગ નંબરો જોઈ, તેણે તેને પૂછ્યું, “જલાલ કા ફોન ઇસ નંબર પે આતા થા?” તેણે નંબરો જોતાં જ કહ્યું, “હા સા’બ.” મહેશે ફોનના સ્ક્રિન ઉપર રહેલા નંબરો વિનયને બતાવ્યા. તેની આંખો પહોળી થઈ. તે નંબરો પાકિસ્તાન-કરાંચીના હતા. તેનો અર્થ જલાલ પાકિસ્તાનના કરાંચી શહેરમાં પહોંચી ગયો હતો. મહેશે જલાલના પિતા સામે જોતાં લાચાર સ્વરે કહ્યું : “ચાચા ઉસકી રાહ મત દેખના; વો અબ કભી નહીં આયેગા. વો પાકિસ્તાન ચલા ગયા.” પિતાની આંખમાંથી દડ દડ આંસુ પડવા લાગ્યાં. જલાલની પત્નીના મોઢામાંથી ઉદ્ગાર નીકળ્યા : “યા અલ્લાહ”. બંને બાળકો મા અને દાદા સામે જોઈ રહ્યાં હતાં. બાળકોને સ્કૂલના મિત્રોએ અખબારમાં આવેલા સમાચાર અંગે કહ્યું ત્યારે તેમને ખબર પડી કે, તેમના પિતા ફરાર થઈ ગયા છે.
(ક્રમશ:)

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular