પ્રશાંત દયાળ (શતરંજ-7, નવજીવન ન્યૂઝ): ડેપ્યુટી કમિશનર વછરાજાની, મંત્રીના ફોન પછી ડિસ્ટર્બ થઈ ગયા હતા. તેમને લાગતું કે કંઈ પણ સારું કરવા છતાં ક્રેડિટ મળતી જ ન હતી, અબ્દુલના ઍન્કાઉન્ટર ઑપરેશન પછી ચૅનલો અને અખબારો જે રીતે રિપોર્ટિંગ કરી રહ્યાં હતાં, તેમને પણ રોકવાનાં હતાં. વછરાજાની કોઈને ફોન કરી ઑફિસની બહાર નીકળ્યા ત્યારે તેમણે ઇકબાલને આવતો જોયો. તેમણે ડ્રાઇવરને કાર રોકવાની સૂચના આપી. ઇકબાલ કારની નજીક આવતાં તેમણે બારીનો કાચ નીચે કર્યો. તેમણે ઇકબાલ સામે જોયું, તેમની આંખોમાં રહેલા પ્રશ્ન ઇકબાલ વાંચી શકતો હતો. તે પોતાનું મોઢું વછરાજાનીના કાન પાસે લાવ્યો કારણ કે કારમાં ડ્રાઇવર, કમાન્ડો અને વાયરલેસ-ઑપરેટર પણ હતા. ઇકબાલે નજીક આવીને કહ્યું : “કામ હો ગયા સા’બ.” “ઠીક, બાદ મેં બાત કરેંગે.” તેમ કહી વછરાજાની ત્યાંથી રવાના થયા. તેમની કાર સીધી પાલડીમાં આવેલા ‘બગડમ’ અખબારની કચેરીની બહાર ઊભી રહી. આદેશ આ અખબારમાં રિપોર્ટિંગ કરતો હતો. અખબારની કચેરીમાં દાખલ થયા પછી વછરાજાની સીધા આદેશના ટેબલ ઉપર ગયા, તેની પાસે જતાં બોલ્યા : “શું આદેશકુમાર, અમારી પાછળ પડી ગયા છો?” આદેશે તેમની આંખોમાં જોઈ પૂછ્યું : “હું પાછળ પડ્યો છું?” વછરાજાનીએ વાત વાળી લેતાં કહ્યું : “ના ના, ભાઈ, હું તો મજાક કરી રહ્યો હતો. આ તો તારા તંત્રીનો ફોન આવ્યો હતો માટે ચા પીવા આવ્યો છું.” સાચી વાત તો એવી હતી ખુદ વછરાજાની ‘બગડમ’ અખબારના તંત્રી હિતેન માંગરોલીને સામે ચાલી મળવા આવ્યા હતા. તંત્રી હિતેનને કોઈ સંત્રી કે મંત્રી મળવા આવે તો મજા પડતી હતી. તેમને મન તો ઘરે ભગવાન પધાર્યા હોય તેવો આનંદ થતો હતો.
આજે પણ એવું જ બન્યું. વછરાજાની આદેશ સાથે વાત કરી રહ્યા છે તેવું તંત્રી હિતેન પોતાની ચેમ્બરમાંથી જોતાં સ્વયં બહાર આવી ગયા અને કહ્યું : “અરે સાહેબ, ઊભા છો કેમ? આવો ને મારી ઑફિસમાં.” વછરાજાનીએ તંત્રીને કહ્યું : “અરે તંત્રી સાહેબ, આદેશ મારો બહુ સારો મિત્ર છે, એટલે તેની સાથે વાતો કરતો હતો.” પછી આદેશના ખભા ઉપર હાથ મૂકતાં કહ્યું : “એક વાત કહી દઉં. તંત્રી સાહેબ, આ તમારો આદેશ બહુ શાર્પ છે. બીજા રિપોર્ટરો કરતાં ઘણો આગળ નીકળી ગયો છે. તેની સાથે વાત કરતા અગાઉ અમારે ચાર વખત વિચારીને બોલવું પડે.” તંત્રી હિતેને પણ તેમની વાતમાં સૂર પુરાવતાં કહ્યું : “અરે, કોઈ સવાલ જ નથી. અમારો સ્ટાર છે, તેના કોઈ કામમાં જોવું પડે નહીં.” તંત્રીને થતું હતું કે, વછરાજાની જલદી આદેશના ટેબલ ઉપરથી નીકળી પોતાની ચેમ્બરમાં આવે તો સારું છે અને આ બાબતની તેમની બૉડી લૅંગ્વેજ ચાડી ખાતી હતી.
જે. કે. વછરાજાની તંત્રી હિતેનની ઑફિસમાં ગયા. પહેલાં તેમણે તંત્રીની ચેમ્બર, પછી અખબારનાં વખાણ કર્યા, એટલામાં ચા આવી. ચા પીતા પીતા, તેમણે મૂળ વાતની શરૂઆત કરતાં કહ્યું : “જુઓને તંત્રી સાહેબ! અમે રાત-દિવસ મહેનત કરીએ છીએ, પોતાનો જીવ જોખમમાં મૂકીને મારા યંગ ઑફિસરો આતંકવાદીઓને પડકારે, પાછા આતંકવાદીઓ પોલીસ ઉપર ગોળીબાર કરે અને જો આતંકવાદીઓ માર્યા જાય તો માનવ-અધિકારવાળાઓને અમારે જવાબ આપવાના?!” તંત્રી એકદમ ગળગળા થઈ ગયા. તેમણે કહ્યું : “કોઈ સવાલ જ નથી. સાહેબ, છેલ્લાં વર્ષોમાં તમે ક્રાઇમ-બ્રાન્ચમાં આવ્યા પછી જે કામ થયું છે તેવું તો ક્યારેય થયું નથી. મને ક્યાં ખબર નથી.” વાત પકડી લેતા વછરાજાનીએ કહ્યું : “હિતેનભાઈ, તમે તો જૂના અને અનુભવી છો, પણ આજકાલના નવા છોકરાઓને ક્યાં ખબર છે. આ તમારો આદેશ… સારો છે… પ્રામાણિક છે, પણ કોણ જાણે તે પેલા રાકેશસિંહની સોબતે કેમ ચઢ્યો છે!” તંત્રીશ્રીએ રાકેશનું નામ સાંભળતાં આશ્ચર્યથી મોઢું પહોળું કર્યું. એટલે તરત વછરાજાનીએ ફોડ પાડતાં કહ્યું : “રાકેશ એટલે પેલી એનજીઓ મિયાંઓની જ વાત કરે છે તેની વાત કરું છું.” તંત્રીએ હં હં કહેતાં વાતોમાં સૂર પુરાવ્યો.
વછરાજાનીએ પોતાની વાત વધુ સારી રીતે મૂકતાં કહી : “આજે સવારે છાપું વાંચી રહ્યા પછી મારા પર ગૃહ રાજ્યમંત્રીનો ફોન આવ્યો હતો. તેમણે મને કહ્યું : ‘અરે વછરાજાની! તમે તો ‘બગડમ’ અખબારના તંત્રી હિતેનભાઈનાં વખાણ કરતાં થાકતા નથી અને આજે ‘બગડમે’ આપણી આબરૂ લેવામાં કંઈ બાકી રાખ્યું નથી!’.” તંત્રીના ચહેરા ઉપરના ભાવ બદલાઈ ગયા. જાણે તેમનાથી કોઈ મોટો અપરાધ થઈ ગયો હોય તેમ ઝંખવાણા પડી રહ્યા હતા. છતાં તેમણે પોતાનો બચાવ કરતાં કહ્યું : “અરે, આજે સવારે જ મેં મારા ન્યૂઝ-એડિટરને ખખડાવી નાખ્યો. ગઈ કાલે એક દિવસ હું વહેલો નીકળ્યો અને તેમણે આદેશના બધા સમાચારો છાપી નાખ્યા, હવેથી હું ધ્યાન રાખીશ.” વછરાજાનીએ કહ્યું : “અરે, ના ના; એવી કોઈ મોટી વાત નથી. આદેશ પણ આપણો જ છે. પોલીસની વિરુદ્ધમાં લખો તેની ક્યાં ના છે પણ જરા બૅલેન્સ કરવું જોઈએ. બાકી બધા કરે જ છે ને!” લગભગ એકાદ કલાક તંત્રી પાસે ગાળ્યા પછી વછરાજાની તંત્રીની ચેમ્બરમાંથી બહાર નીકળ્યા. જતી વખતે પણ આદેશને મળીને ગયા.
વછરાજાની ગયા પછી તંત્રીનો પટાવાળો આદેશને બોલાવવા આવ્યો. આદેશને બેસવાની સૂચના આપતાં તંત્રીએ વિનંતીના સૂરમાં કહ્યું : “વછરાજાની સાહેબ આપણાથી થોડા નારાજ છે. મેં તેમને કહ્યું કે અમારો ન્યૂઝ-એડિટર બદમાસ છે.” ન્યૂઝ-એડિટરની ટીકા કર્યા પછી તેમનો અવાજ ચેમ્બરની બહાર તો નથી ગયો ને તેની ખાતરી કરવા તેમણે અન્ય સ્ટાફના ચહેરા ઉપરના હાવભાવ ઉપર એક નજર કરી લીધી. પણ તેમની વાત ઉપર કોઈનું ધ્યાન ન હતું, ફરી વાતને આગળ વધારતાં કહ્યું : “આપણે ત્યાં ડેસ્કવાળાં નાસ્ટિ હેડિંગ કર્યાં છે, આવાં હેડિંગ કરાય?” તેમ કહી તંત્રી હિતેને આજનું અખબાર આદેશની સામે મૂક્યું. આદેશ તેમને સાંભળી રહ્યો હતો. તંત્રી બોલી રહ્યા પછી તેણે સ્પષ્ટતા કરતાં કહ્યું : “સાહેબ, ન્યૂઝ-એડિટર કે ડેસ્કનો કોઈ વાંક નથી.” તેમ કહી તેણે હાથમાં અખબાર લઈ હેડિંગ ઉપર આંગળી મૂકતાં કહ્યું : “આ મારાં જ હેડિંગ છે. મેં લખ્યાં હતાં તે જ છપાયાં છે.” પણ તંત્રીએ આજે નક્કી કર્યું હતું કે, ડેસ્કને જ જવાબદાર ગણવી, એટલે તેમણે પોતાની નારાજગી વ્યક્ત કરતાં કહ્યું : “ભાઈ, તું તો કંઈ પણ લખે; આવતી કાલે મુખ્યમંત્રીને ગાળો પણ લખી નાખે, તો ડેસ્કવાળા છાપી નાખશે? તેમને પોતાની કોઈ રિસ્પૉન્સિબિલિટી જ નથી?” આદેશ કંઈ બોલ્યો નહીં. એટલે તંત્રીએ હળવેકથી કહ્યું : “વછરાજાનીને લાગે છે કે, આપણે વન સાઇડેડ સ્ટોરી લખીએ છીએ. અબ્દુલ ક્યાં દૂધે ધોયેલો હતો, ગુંડો જ હતો ને!” તરત આદેશે બાજી સંભાળી લેતાં કહ્યું : “સાહેબ, આપણે આજની સ્ટોરીમાં તે જ લખ્યું છે કે અબ્દુલ ગુંડો હતો, આતંકવાદી ન હતો.” તંત્રીને લાગ્યું કે ખોટી વાત બોલાઈ ગઈ, એટલે તેમણે તરત વાળી લેતાં કહ્યું : “હા હા, તારી વાત સાચી જ છે.” પછી આદેશની સામે જોતાં કહ્યું : “જરા હમણાં બેત્રણ દિવસ સાચવી લેજે ને!”
વછરાજાની ‘બગડમ’ અખબારમાંથી નીકળી સીધા ‘ઝિંદાબાદ’ અખબારની કચેરીમાં બેઠા હતા. ‘ઝિંદાબાદ’ અખબારના માલિક-કમ-તંત્રી ઉમેશ પટેલની પાંચમા માળે આવેલી આલીશાન ટૅરેસ ગાર્ડન સાથેની ઑફિસમાં બેઠા હતા. કૉર્પોરેટ હાઉસનો લૂક હતો પણ ઉમેશ પટેલમાંથી હજી પેઢી-કલ્ચર ગયું ન હતું. રિવૉલ્વિંગ ચેર આવી હતી, પણ સ્ટાફ સાથે માણેકચોકમાં ગાળાગાળી કરતા હોય તેવી રીતે જ ઑફિસ ચલાવતા હતા. સેક્સ અને હિંસા તેમના પ્રિય વિષય હતા… અખબારમાં પણ અને તેમના વ્યક્તિગત જીવનમાં પણ. આ બંને વિષય ઉપર તેમનો કોઈ પત્રકાર લખે તો તે બહુ રાજી થતા, છતાં જ્યારે ઉમેશ પટેલે અખબાર શરૂ કર્યું ત્યારે તેમને ફુલટાઇમ બિઝનેસ જ હતો. પણ હવે અખબાર બાય-પ્રોડક્ટ થઈ ગઈ હતી. હવે દુનિયાનો કોઈ બિઝનેસ બાકી ન હતો, જેમાં તેમણે ઝંપલાવ્યું ના હોય. ઉમેશ પટેલને પોતાનો દરબાર ભરીને બેસવાનો શોખ હતો. તેમાં પણ ટ્રાફિક-પોલીસથી લઈ મુખ્યમંત્રી સુધી બધાને ખખડાવી શકે છે, તેવું તેમને ગૌરવ હતું અને તેઓ આવી તક શોધતા પણ રહેતા હતા. કોઈ રિપોર્ટરની ફરિયાદ લઈ આવે તો તેમને બહારની વ્યક્તિની હાજરીમાં રિપોર્ટરને ખખડાવવામાં માલિક હોવાનો અહેસાસ થતો હતો. રિવૉલ્વિંગ ચેરમાં ફરતા ફરતા ૧૨૦ની તંબાકુ ખાવાની મજા જ કંઈ ઔર હતી.
વછરાજાની માટે આ ઑફિસ નવી ન હતી. ક્યારેક ક્યારેક અહીંયાં આવી જતા હતા. વછરાજાની તમામની નબળાઈ જાણતા હતા. ‘બગડમ’ અખબારના તંત્રી સાથે વાત કરી તેના કરતાં જુદી રીતે અહીં વાત કરવાના હતા. ‘ઝિંદાબાદ’ના માલિક ઉમેશ પટેલે વછરાજાનીને આવકારતાં કહ્યું : “આવો આવો ઍન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ.” વછરાજાની જાણે શરમાતા હોય તે રીતે બોલ્યા, “અરે માલિક, આવું ના બોલો, દીવાલોને પણ કાન હોય છે.” ઉમેશ પટેલે હજી તેમને પોરસ ચઢાવતાં કહ્યું : “વછરાજાની, તમે ગુજરાત પોલીસનું ગૌરવ છો. અમને માન છે તમારી ઉપર.” આમ તો બંને એકબીજાની પીઠ થાબડવામાં માહિર હતા. વાતની શરૂઆત કરતા વછરાજાનીએ કહ્યું : “શેઠ, તમારી પેલી સરખેજવાળી જમીનનો પ્રૉબ્લેમ હતો, તે સૉલ્વ થઈ ગયો છે. પેલા ઠાકોરને ઉપાડી લાવ્યા હતા. તેને મેં કહ્યું : તને ખબર છે તું કોની સામે પડ્યો છે? ઉમેશભાઈની સામે ના જોતો — તે મારા મોટાભાઈ છે. બે દિવસનો ટાઇમ આપું છું. જે કંઈ કાગળિયાં કરવાનાં હોય તે કરી જમીનનો કબજો સોંપી દેજે. હવે તે માથાકૂટ નહીં કરે. તમારા એસ્ટેટ ઑફિસરને મોકલી દેજો ને.”
ઉમેશ પટેલે કહ્યું : “મને ખબર જ હતી કે જે કામ તમે હાથમાં લો તે પૂરું કરીને જ મૂકો.” ત્યાં મૉકટેઇલ આવ્યું. વછરાજાની મૉકટેઇલ પી રહ્યા હતા, ત્યારે તેમના મનમાં એકસાથે બે પ્રવાહો ચાલી રહ્યા હતા. એક તરફ ક્રાઇમ-બ્રાન્ચની વિરુદ્ધમાં આવી રહેલા સમાચારો રોકવામાં સફળ થઈ રહ્યા હતા તો બીજી તરફ હજી કોને મળવું પડશે તેની માનસિક કવાયત કરતા હતા. ઉમેશ પટેલ સામે તેમણે ઍન્કાઉન્ટરના સમાચારો રોકવાની વાત જ કરી નહીં અને જતાં પહેલાં પણ તેઓ તે અંગે કંઈ કહેવાના ન હતા, છતાં તેમને ખાતરી હતી કે, ‘ઝિંદાબાદ’ અખબારમાં હવે કોઈ સમાચાર નહીં આવે. ઊભા થતાં તેમણે કહ્યું : “તો માલિક, રજા આપો. બીજું કોઈ કામ હોય તો કહેજો.” ઉમેશ પટેલે સૌજન્ય દાખવતાં કહ્યું : “અરે હોય સાહેબ, ચાલો હું તમને નીચે સુધી મૂકવા આવું.” વછરાજાનીએ ના પાડી છતાં સરકારી કાર સુધી મૂકવા ઉમેશ પટેલ નીચે સુધી આવ્યા. પાછા પોતાની ચેમ્બરમાં આવ્યા બાદ ઇન્ટરકૉમ ઉપર રેસિડેન્ટ એડિટરને સૂચના આપી કે, ‘ક્રાઇમ-બ્રાન્ચની વિરુદ્ધના સમાચારો આજથી બંધ કરી દેજો.’
સાંજ પડતા સુધીમાં વછરાજાનીએ બે-ત્રણ અખબારો અને સ્થાનિક ગુજરાતી ચૅનલોની ઑફિસની મુલાકાત લઈ લીધી હતી. જ્યારે તેઓ ક્રાઇમ-બ્રાન્ચની ઑફિસે પરત પહોંચ્યા ત્યારે તેમણે બોલાવી રાખેલા નૅશનલ હિંદી ચૅનલના પત્રકારો હાજર હતા. તેમની સાથે હિંદીમાં સંવાદો કરતાં કરતાં ચેમ્બરમાં દાખલ થયા. તેમને માટે કાફે કૉફી ડેની કૉફી આવી. દરમિયાનમાં અબ્દુલ ખૂબ ખૂંખાર હતો, તેની ડિટેઇલ આપવામાં આવી. રાતના ગુજરાતી અને હિંદી તમામ બુલેટિન સવારે હતાં તેના કરતાં કંઈક જુદાં આવી રહ્યાં હતાં. કેટલાક મુસ્લિમ આગેવાનો પણ બાઇટમાં પોલીસની કામગીરીને બિરદાવતા હતા.
(ક્રમશ:)








