Chandipura virus case in Gir Somnath : ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે કહેર (Chandipura virus terror in Gujarat) મચાવ્યો છે. રાજ્યના એક પછી એક જિલ્લા આ વાયરસની લપેટમાં આવી રહ્યાં છે. ગીર સોમનાથ જિલ્લાના ઊના તાલુકાના સોંદરડી ગામમાં 5 વર્ષના યુવરાજસિંહનું શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી મોત થયાની માહિતી સામે આવતા જિલ્લા આરોગ્ય વિભાગ એલર્ટ (District Health Department on alert regarding Chandipura virus) બન્યો છે. બાળકના મોત બાદ ગામમાં આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક સર્વેલન્સ અને તપાસની કામગીરી શરૂ કરવામાં આવી છે. તાલુકા હેલ્થ ઓફિસર સહિતની ટીમો સોંદરડી ગામમાં પહોંચી ગઈ છે અને સમગ્ર ગામમાં આરોગ્ય તપાસ તેમજ જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
મળતી માહિતી મુજબ સોંદરડી ગામના યુવરાજસિંહ ધીરુભાઈ ગોહિલને શરૂઆતમાં સામાન્ય તાવ આવ્યો હતો. ત્યારબાદ સતત તાવ, ઉલટી, પેટમાં દુઃખાવો અને તબિયત વધુ બગડતાં પરિવારજનોએ તેને પ્રથમ ટીંબીની સિવિલ હોસ્પિટલ અને પછી ખાનગી હોસ્પિટલમાં અને તે પછી મહુવા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, બાળકની સ્થિતિ ગંભીર બનતાં તબીબોએ તેને તાત્કાલિક ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં તમામ પ્રયાસો બાદ પણ બાળકને બચાવી શકાયો નહોતો.
ઉના તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. વિપુલ દુમાતરે (Dr. Vipul Dumatar Health Officer) જણાવ્યું હતું કે, ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા કુલ 8 સર્વેલન્સ ટીમો બનાવવામાં આવી છે. ટીમોએ સોંદરડી ગામમાં આરોગ્ય સર્વે શરૂ કર્યો છે. બાળકના સંપર્કમાં આવેલા લોકોની ઓળખ, આરોગ્ય તપાસ, જરૂરી નમૂનાઓ એકત્ર કરવાની કામગીરી તેમજ દવાનો છંટકાવ સહિતના નિવારક પગલાં હાથ ધરવામાં આવ્યા છે. ગામમાં સતત આરોગ્ય મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જોકે, આરોગ્ય વિભાગે સ્પષ્ટતા કરી છે કે હાલ આ કેસને માત્ર શંકાસ્પદ ચાંદીપુરા કેસ તરીકે જ જોવામાં આવી રહ્યો છે અને લેબોરેટરીમાંથી રિપોર્ટ આવ્યા બાદ જ બાળકને ચાંદીપુરા વાયરસનો ચેપ હતો કે નહીં તેની સત્તાવાર પુષ્ટિ થઈ શકશે.








